| AI તસવીર |
Surrogate Baby: અમેરિકામાં છેલ્લા થોડા વર્ષોમાં ચીને શરૂ કરેલી એક વિવાદાસ્પદ પ્રવૃત્તિની ગંભીરતાથી નોંધ લેવાઈ રહી છે. ચીનનો અતિ ધનિક વર્ગ અમેરિકામાં સરોગસી દ્વારા સેંકડો બાળકોને જન્મ આપી રહ્યો છે. આ પ્રવૃત્તિને ‘રાજવંશ નિર્માણ’ની ચીનની ચાલ તરીકે જોવાઈ રહી છે કારણ કે, ચીનમાં જન્મદર ઘટી રહ્યો છે અને વૃદ્ધોની વસ્તી વધી રહી છે. અમેરિકાના સરોગસી સંબંધિત કાયદાનો લાભ લઈને ચીનનો એક-એક શ્રીમંત 100થી વધુ બાળકોનો જૈવિક પિતા બની રહ્યો છે, જેના કારણે સામાજિક, નૈતિક અને રાજકીય પ્રશ્નો ઊભા થયા છે.
સૌથી પહેલા સરોગસી વિશે જાણીએ
સરોગસી એક પ્રકારની બાળકને જન્મ આપવાની એક મેડિકલ પ્રોસેસ કે ટેક્નોલોજી છે. તે અંતર્ગત એક સ્ત્રી (સરોગેટ માતા) બીજી વ્યક્તિ કે યુગલના ભ્રૂણને પોતાના ગર્ભાશયમાં ધારણ કરીને બાળકને જન્મ આપે છે. સાદી ભાષામાં કહીએ તો સરોગસી એટલે નાણાં લઈને ગર્ભાશય ભાડે આપવું. સરોગસીના બે મુખ્ય પ્રકાર છે.
1) પરંપરાગત સરોગસીઃ આમાં સંતાન ઈચ્છતા પુરુષના શુક્રકોષ સરોગેટ સ્ત્રીના ગર્ભાશયમાં દાખલ કરીને સ્ત્રીના અંડકોષનું ફલન કરાય છે, જેને લીધે સરોગેટ સ્ત્રી જન્મ લેનારા બાળકની બાયોલોજિકલ મધર (જૈવિક માતા) ગણાય છે.
2) ગેસ્ટેશનલ સરોગસીઃ આમાં સંતાન ઈચ્છુક સ્ત્રી-પુરુષના અંડકોષ અને શુક્રકોષ લઈને લેબોરેટરીમાં IVF પદ્ધતિ દ્વારા ભ્રૂણ વિકસાવાય છે. ત્યાર પછી એ ભ્રૂણ સરોગેટ સ્ત્રીના ગર્ભમાં રોપાય છે, જેને લીધે સરોગેટ સ્ત્રી જન્મ લેનારા બાળકની બાયોલોજિકલ મધર (જૈવિક માતા) ગણાતી નથી.
ચીનની વસ્તી નીતિ: એકથી ત્રણ સુધીની સફર
ચીને વસ્તી વધારો અટકાવવા 1979માં ‘વન-ચાઇલ્ડ પોલિસી’ લાગુ કરી હતી, જેને લીધે વસ્તી વૃદ્ધિ પર અંકુશ તો આવ્યો, પણ સમય જતાં એના માઠા પરિણામો પણ ભોગવવા પડ્યાં. ફક્ત એક જ સંતાન પેદા કરવાની છૂટ હોવાથી ચીની દંપતી દીકરી હોય તો ગર્ભપાત કરાવી નાંખતાં. સૌને દીકરો જ જોઈતો હતો. આ કારણસર ત્યાં છોકરાઓની તુલનામાં છોકરીઓની સંખ્યા ખૂબ ઘટી ગઈ. વૃદ્ધોની વસ્તી સતત વધતી ગઈ. ‘એક જ બાળ’ નીતિને લીધે કામ કરી શકે એવા યુવાનોની સંખ્યામાં દેશવ્યાપી ઘટાડો જણાયો.
આ સમસ્યાથી છુટકારો મેળવવા સરકારે 2016માં ‘ટુ-ચાઇલ્ડ પોલિસી’ લાગુ કરી, પરંતુ ઝાઝો ફાયદો ન થયો. એટલે 2021માં ‘થ્રી-ચાઇલ્ડ પોલિસી’ લાદીને ત્રણ બાળકો પેદા કરવાની છૂટ અપાઈ, પરંતુ ત્યારે જમાનો બદલાઈ ગયો હતો. યુવા વર્ગ 3 બાળકોનો ખર્ચ કે જવાબદારી લેવા તૈાયર ન હતો. કારકિર્દીનું દબાણ પણ રહેતું અને જીવનશૈલી પણ બદલાઈ હતી. પરિણામે યુવા દંપતીઓને વધુ બાળકો જ નહોતા જોઈતા. 35 વર્ષ સુધી લાગુ કરાયેલી ‘વન-ચાઇલ્ડ પોલિસી’ને લીધે છોકરીઓની વસતી ઘટતા છોકરાઓને લગ્ન કરવા પણ છોકરી નહોતી મળતી. આ તમામ કારણોસર ચીનમાં વસ્તી ઘટાડાની સમસ્યા સર્જાઈ.
ચીનમાં સરોગસી પર પ્રતિબંધ, અમેરિકામાં છૂટછાટ
ચીનમાં 2001થી સરોગસી પર સંપૂર્ણ પ્રતિબંધ છે. સરકારનું માનવું છે કે, સરોગસીમાં ગરીબ સ્ત્રીઓનું શોષણ થાય છે, નૈતિક સંકટ હોય છે અને પારિવારિક મૂલ્યોને ધક્કો પહોંચે છે. ચીનમાં આ પ્રથા પ્રતિબંધિત છે, પણ અમેરિકાના કેલિફોર્નિયા જેવા કેટલાક રાજ્યોમાં તે કાયદેસર છે. કાયદેસર તો ઠીક, એક સ્થાપિત ઉદ્યોગ છે. અમેરિકામાં નક્કી કરેલા નાણાં લઈને બાળકો પેદા કરી આપતી સરોગસી એજન્સીઓ, અંડકોષ આપનારી મહિલાઓ અને IVF ક્લિનિકોની સુવિધા ઉપલબ્ધ છે, જેનો લાભ ચીની ધનિકો ઉઠાવી રહ્યા છે. એક બાળક માટેનો ખર્ચ ભારતીય રૂપિયામાં 1 કરોડથી વધુ પહોંચી શકે છે.
ચીનના ધનવાનો અમેરિકામાં આપે છે ‘બાળકોનો ઓર્ડર’
અમેરિકામાં ‘બર્થરાઇટ સિટિઝનશિપ’ (જન્મસિદ્ધ નાગરિકતા)નો કાયદો છે, જે મુજબ અમેરિકન ભૂમિ પર જન્મેલું બાળક આપમેળે અમેરિકન નાગરિક બની જાય છે. આવા બાળકના વિદેશમાં રહેતાં માતા-પિતા પણ ભવિષ્યમાં ગ્રીન કાર્ડ અને અમેરિકન નાગરિકતા મેળવવા-પાત્ર બની શકે છે. આ કાયદાકીય લાભ ચીનના ધનિકો માટે મોટું આકર્ષણ છે, જેથી ચીની નાગરિકો અમેરિકાની સરોગસી સેવાઓનો ઉપયોગ કરીને તેમના બાળકો અમેરિકામાં પેદા કરી રહ્યા છે.
આ સંજોગોમાં સર્જાયો છે, નાણાંનો ખેલ. ચીનના ધનિકો અમેરિકાની સરોગસી એજન્સીઓનો સંપર્ક કરીને બાળકનો ‘ઓર્ડર’ આપે છે. સરોગસીની બે પૈકી કોઈ એક પદ્ધતિથી ચીની દંપતી માટે અમેરિકાની ધરતી પર બાળક પેદા કરાય છે. ચીની માતાપિતા મબલક નાણાં ખર્ચીને તેમના અમેરિકન બાળકના ઉછેરની વ્યવસ્થા કરી દે છે અને ઈચ્છા થાય ત્યારે ટુરિસ્ટ વિઝા પર એને મળવા જાય છે. લાંબે ગાળે તેઓ અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માટે અરજી કરે છે અને વખત જતાં અમેરિકાના નાગરિક બની પણ જાય છે.
ચીન પર રાજવંશ નિર્માણની ચાલનો આરોપ
આ મુદ્દો કોઈ વાર્તા જેવો જણાય છે, પણ ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ જેવા પ્રતિષ્ઠિત અખબારો આ મુદ્દો ગંભીરતાપૂર્વક ઉઠાવ્યો છે. તેના અહેવાલ પ્રમાણે, ચીનના કેટલાક ઉદ્યોગપતિઓ સરોગસી દ્વારા અમેરિકામાં બે-ચાર નહીં, સેંકડો બાળકોને જન્મ અપાવી રહ્યા છે. અમુક ઉદાહરણ જોઈએ.
1) ઝૂ બો: એક ઓનલાઈન ગેમિંગ કંપનીના માલિક ઝૂ બોએ દાવો કર્યો છે કે, અમેરિકામાં મારા 100થી વધુ બાળકો સરોગસી દ્વારા જન્મ્યા છે. હું ઈલોન મસ્કના બહુસંતાન મોડેલથી પ્રેરિત છે, કેમ કે મસ્ક પણ 14 બાળકોના પિતા છે. ઝૂ બોનું લક્ષ્ય અમેરિકામાં મોટા, પ્રભાવશાળી પરિવારનું નિર્માણ કરવાનું છે.
2) વાંગ હુઇવુ: તેઓ શિક્ષણ ઉદ્યોગપતિ છે. તેમના વિશે કહેવાય છે કે તેમણે અમેરિકાની રૂપકડી ફેશન મોડેલોના અંડકોષ ખરીદીને સરોગસી દ્વારા 10 બાળકીને જન્મ અપાવ્યો છે. એવો દાવો છે કે વાંગ હુઇવુ ભવિષ્યમાં આ દીકરીઓનાં લગ્ન અમેરિકાની પ્રભાવશાળી અને ધનિક વ્યક્તિઓ સાથે કરાવીને એક બહોળું સામાજિક નેટવર્ક ઊભું કરશે.
3) અન્ય કિસ્સા: એવા પણ અહેવાલો છે કે એક ચીની ઉદ્યોગપતિએ 200 બાળકોનો ‘ઓર્ડર’ આપ્યો છે.
આ મુદ્દે અમેરિકનો શું માને છે?
આ પ્રવૃત્તિ બાબતે અમેરિકામાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળે છે. નૈતિકતાવાદીઓ ‘બાળક ઉત્પાદન’ની આ પ્રવૃત્તિને સરોગેટ માતાઓના શોષણ તરીકે જુએ છે. તેઓ એવા પ્રશ્નો પૂછે છે કે, શું બાળકો ‘પ્રોડક્ટ/માલ’ બની ગયા છે? શું ચીની ધનિકો અમેરિકન નાગરિકતા કાયદાનો અનૈતિક ફાયદો ઊઠાવી રહ્યા છે? શું આ ચીની ચાલ દ્વારા ચીન વૈશ્વિક પ્રભુત્વ ઊભું કરવા માંગે છે? આ વલણથી ચિંતિત કેટલાક નેતાઓએ અમેરિકાના જન્મસિદ્ધ નાગરિકતા કાયદામાં સુધારો કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો: એપસ્ટિન ફાઇલ્સ મામલે ટ્વિસ્ટ : ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર સહિત 16 મહત્ત્વની ફાઇલો ગાયબ
તો કેટલાક લોકો વધુ બાળકોની વ્યક્તિગત ખેવનાને ‘ચીની ચાલ’ તરીકે જુએ છે. નિઃસંતાન દંપતીઓ માટે સરોગસી વરદાન સાબિત થઈ છે, પરંતુ હવે તેના દુરુપયોગ સામે આવી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે. ચીને શરૂ કરેલા આ ટ્રેન્ડના લાંબા ગાળાના સામાજિક, કાનૂની અને આંતરરાષ્ટ્રીય સ્તરના રાજકીય પરિણામો શું આવશે તે તો ભવિષ્યમાં જ ખબર પડશે.


