Jeffrey Epstein File News : જેફ્રી એપસ્ટિન સેક્સ ટ્રાફિકિંગ કેસમાં પારદર્શિતા લાવવાના દાવાઓ વચ્ચે અમેરિકન ન્યાય વિભાગ વિવાદમાં ફસાયું છે. શુક્રવારે વેબસાઇટ પર અપલોડ કરાયેલા હજારો દસ્તાવેજોમાંથી શનિવાર સુધીમાં 16 મહત્વની ફાઇલો એક્સેસની બહાર થઈ ગઈ હતી. આ ફાઇલો કેમ હટાવવામાં આવી તે અંગે વિભાગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.
કયા દસ્તાવેજો ગાયબ થયા?
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગાયબ થયેલા દસ્તાવેજોમાં એક એવી તસવીર હતી જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ, મેલાનિયા ટ્રમ્પ, જેફ્રી એપસ્ટિન અને ઘિસ્લેન મેક્સવેલ એકસાથે જોવા મળી રહ્યા હતા. આ ઉપરાંત, કેટલીક વાંધાજનક કલાકૃતિઓ, નગ્ન મહિલાઓના ચિત્રો અને ફર્નિચરના ખાનાઓમાં છુપાવી રાખવામાં આવેલી તસવીરોનો કોલાજ પણ વેબસાઇટ પરથી હટાવી લેવામાં આવ્યો છે.
રાજકીય ગરમાવો અને વિપક્ષના સવાલો
આ ઘટના બાદ અમેરિકામાં રાજકીય માહોલ ગરમાયો છે. હાઉસ ઓવરસાઇટ કમિટીના ડેમોક્રેટ સભ્યોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આકરા પ્રહાર કરતા પૂછ્યું છે કે, "ટ્રમ્પની તસવીર કેમ હટાવવામાં આવી? હજુ બીજું શું શું છુપાવવામાં આવી રહ્યું છે? અમેરિકાની જનતાને સંપૂર્ણ પારદર્શિતાની જરૂર છે." સોશિયલ મીડિયા પર પણ એવી અટકળો ચાલી રહી છે કે પ્રભાવશાળી લોકોના નામો બચાવવા માટે આ ફાઇલો ડિલીટ કરવામાં આવી હોઈ શકે છે.
અધૂરા ખુલાસાથી નિરાશા
લાંબા સમયની રાહ જોયા બાદ એપસ્ટિન ફાઇલ્સ જાહેર તો કરવામાં આવી, પરંતુ પીડિતો અને ડેમોક્રેટ સાંસદોનું કહેવું છે કે આ ખુલાસો અધૂરો છે. જે દસ્તાવેજોની સૌથી વધુ રાહ જોવાતી હતી—જેમ કે પીડિતોના એફબીઆઈ (FBI) ઈન્ટરવ્યુ અને આંતરિક તપાસના નોટ્સ—તે આ રિલીઝમાં સામેલ નહોતા. આ ઘટનાએ 2000ના દાયકામાં એપસ્ટિનને મળેલી વિવાદાસ્પદ 'પ્લી ડીલ' અને તેને બચાવવામાં સંઘીય એજન્સીઓની ભૂમિકા પર ફરીથી સવાલો ઉભા કર્યા છે.
ટેકનિકલ ખામી કે જાણી જોઈને કરાયેલું કૃત્ય?
આ સવાલ હાલ અમેરિકાના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ન્યાય વિભાગના આગામી ખુલાસા પર હવે આખી દુનિયાની નજર છે.


