| (IMAGE - ENVATO) |
South Korea Visa Fee Waiver India: જો તમે તમારા મિત્રો કે પરિવાર સાથે દક્ષિણ કોરિયા ફરવાનું વિચારી રહ્યા હોવ, તો તમારા માટે મોટા સમાચાર છે. પ્રવાસન ક્ષેત્રમાં આવેલી તેજીને જાળવી રાખવા માટે દક્ષિણ કોરિયા સરકારે ભારત સહિત છ દેશોના પ્રવાસીઓ માટે 'શોર્ટ-ટર્મ ગ્રૂપ વિઝા'(C-3-2) પ્રોસેસિંગ ફી માફીની મુદત વધુ 6 મહિના માટે લંબાવી દીધી છે. હવે આ સુવિધા 30 જૂન, 2026 સુધી અમલમાં રહેશે.
સરકારનો મહત્ત્વનો નિર્ણય
દક્ષિણ કોરિયાના નાણામંત્રી કૂ યૂન-ચોલે તાજેતરમાં આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વિદેશી પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ છૂટછાટ લંબાવવામાં આવી છે. અગાઉ આ ફી માફીની અવધિ ચાલુ અઠવાડિયે જ પૂરી થવાની હતી. આ પોલિસીમાં ભારત, ચીન, વિયેતનામ, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને કંબોડિયા જેવા દેશોને સામેલ કરાયા છે, કારણ કે આ દેશો દક્ષિણ કોરિયા માટે પ્રવાસન ક્ષેત્રના મુખ્ય બજારો છે.
કેટલી થશે બચત?
સામાન્ય રીતે C-3-2 ગ્રૂપ વિઝા માટે પ્રવાસીઓએ 18,000 વૉન (આશરે 1,100થી 1,200 ભારતીય રૂપિયા) પ્રોસેસિંગ ફી ચૂકવવી પડતી હોય છે. ગ્રૂપમાં મુસાફરી કરતાં પ્રવાસીઓ માટે આ ફી માફ થવાથી પ્રવાસના ખર્ચમાં સીધી રાહત મળશે.
કોરોના પૂર્વેના રૅકોર્ડ તૂટ્યા
દક્ષિણ કોરિયાના પ્રવાસન ક્ષેત્રે કોરોનાકાળ પછી અભૂતપૂર્વ તેજી જોવા મળી રહી છે, જેનો અંદાજ નવેમ્બર મહિનાના આંકડાઓ પરથી લગાવી શકાય છે. કોરિયા ટુરીઝમ ઑર્ગેનાઈઝેશન મુજબ, નવેમ્બરમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ગત વર્ષની સાપેક્ષે 17.3%નો જંગી વધારો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન કુલ 16 લાખ પ્રવાસીઓ દક્ષિણ કોરિયા પહોંચ્યા હતા, જે વર્ષ 2019ના સમાન ગાળા કરતાં પણ 9.6% વધુ છે, જે એક નવો રૅકોર્ડ દર્શાવે છે. પ્રવાસીઓના આ 'ઘોડાપૂર'માં સૌથી મોટો હિસ્સો ચીન(3.78 લાખ) અને જાપાન(3.63 લાખ)ના નાગરિકોનો રહ્યો છે, જ્યારે તાઇવાન, અમેરિકા અને ફિલિપાઇન્સ પણ મુખ્ય સ્ત્રોત દેશો તરીકે ઉભરી આવ્યા છે.
આ પણ વાંચો: દરગાહ VS મંદિર વિવાદમાં દીપ પ્રગટાવવા અનુમતિ, હાઈકોર્ટે તમિલનાડુ સરકારની ઝાટકણી કાઢી
કેમ લેવાયો આ નિર્ણય?
પ્રવાસન ક્ષેત્રમાં આવેલી આ જબરદસ્ત તેજી પાછળનું મુખ્ય કારણ સારી એર કનેક્ટિવિટી અને મુસાફરીના નિયમોમાં આપવામાં આવેલી ઢીલ છે. ખાસ કરીને જાપાનથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં 2019ની સરખામણીએ 40.4%નો તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. દક્ષિણ કોરિયાની સરકાર આશા રાખી રહી છે કે વિઝા ફીમાં આપેલી આ છૂટથી વધુને વધુ ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ આકર્ષાશે અને દેશની અર્થવ્યવસ્થાને વેગ મળશે.


