Get The App

દરગાહ VS મંદિર વિવાદમાં દીપ પ્રગટાવવા મંજૂરી, હાઇકોર્ટે તમિલનાડુ સરકારની ઝાટકણી કાઢી

Updated: Jan 6th, 2026

GS TEAM

Google News
Google News
Thiruparankundram Hill Dispute


(IMAGE - IANS)

Thirupparankundram row: તમિલનાડુના પ્રસિદ્ધ થિરુપરંકુંદ્રમ પહાડી પર કાર્તિગઈ દીપમ પ્રગટાવવાને લઈને ચાલી રહેલા લાંબા વિવાદમાં મદ્રાસ હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટની મદુરાઈ બેન્ચે પહાડી પર આવેલા પથ્થરના સ્તંભ(દીપથૂન) પર દીવો પ્રગટાવવાના અગાઉના આદેશને યથાવત રાખ્યો છે. આ નિર્ણયને સત્તારૂઢ DMK સરકાર માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

શું છે કોર્ટનો આદેશ?

જસ્ટિસ જી. જયચંદ્રન અને કે. કે. રામકૃષ્ણનની બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે જે જગ્યાએ આ પથ્થરનો સ્તંભ આવેલો છે, તે જગ્યા મૂળભૂત રીતે ભગવાન સુબ્રમણ્યમ સ્વામી મંદિરની માલિકીની છે. કોર્ટે સરકારની એ દલીલને ફગાવી દીધી હતી જેમાં કાયદો અને વ્યવસ્થા બગડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. અદાલતે ટકોર કરી કે, 'તંત્રએ આ મુદ્દાને બે સમુદાયો વચ્ચેના મતભેદ ઉકેલવાની તક તરીકે જોવો જોઈએ.'

ASIની સલાહ લેવી પડશે

થિરુપરંકુંદ્રમ પહાડી એક સંરક્ષિત અને ઐતિહાસિક સ્થળ હોવાને કારણે, મદ્રાસ હાઇકોર્ટે દીવો પ્રગટાવવાની મંજૂરી આપવાની સાથે કેટલીક ચુસ્ત શરતો પણ મૂકી છે. અદાલતે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે પહાડી પર કાર્તિગઈ દીપમ પ્રગટાવવાની પ્રક્રિયા શરુ કરતાં પહેલા ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ(ASI)ની સલાહ લેવી અનિવાર્ય રહેશે, જેથી આ પ્રાચીન સ્થળના વારસાને કોઈ નુકસાન ન પહોંચે. આ ઉપરાંત, સુરક્ષા અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પહાડી પર એક સમયે કેટલા લોકો એકઠા થઈ શકશે, તેની મર્યાદા નક્કી કરવાની જવાબદારી પણ સ્થાનિક વહીવટીતંત્રને સોંપવામાં આવી છે. આમ, કોર્ટે ધાર્મિક આસ્થા અને ઐતિહાસિક વારસાના જતન વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચો: કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડી, ગંગારામ હોસ્પિટલમાં દાખલ

શું છે વિવાદ?

થિરુપરંકુંદ્રમ પહાડી ભગવાન મુરુગનનું પવિત્ર નિવાસસ્થાન ગણાય છે. આ પહાડી પર એક દરગાહ પણ આવેલી છે, જેના કારણે મંદિર અને દરગાહ વચ્ચે વર્ષ 1920થી તણાવ ચાલી રહ્યો છે. અગાઉ 1996માં કોર્ટે પરંપરાગત સ્થળે દીવો પ્રગટાવવા કહ્યું હતું, પરંતુ શ્રદ્ધાળુઓ દરગાહ પાસેના 'દીપથૂન' સ્તંભ પર દીવો પ્રગટાવવાની માંગ કરી રહ્યા હતા.

દરગાહ VS મંદિર વિવાદમાં દીપ પ્રગટાવવા મંજૂરી, હાઇકોર્ટે તમિલનાડુ સરકારની ઝાટકણી કાઢી 2 - image