દક્ષિણ કોરિયામાં 116 લોકો કોરાના મૂક્ત થયા પછી ફરીથી કોરોનાગ્રસ્ત થતા
- વાયરસ ફરીથી એક્ટિવ થયો કે તપાસમાં ખામી? વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ડેટાની માંગણી કરી
સિયોલ, તા. 14 એપ્રિલ 2020, મંગળવાર
દક્ષિણ કોરિયામાં કોવિડ-19નો ભોગ બન્યા બાદ સ્વસ્થ થયેલા લોકોમાં ફરીથી કોરોના વાયરસના લક્ષણો જોવા મળતા ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. એક તરફ ચીન બાદ દક્ષિણ કોરિયાએ ઝડપથી સંક્રમણ પર કાબુ મેળવી લીધો હોવાના કારણે તેની પ્રશંસા થઈ રહી છે ત્યારે સોમવાર સુધીમાં રિએક્ટિવ કેસની સંખ્યા 116 થઈ જતા સમગ્ર વિશ્વના દેશો ચિંતામાં મુકાયા છે.
દક્ષિણ કોરિયામાં સોમવારે કોરોનાના નવા 25 કેસ જ નોંધાયા હતા પરંતુ રિએક્ટિવ કેસની સંખ્યા 51થી વધીને 116 થઈ જતા સ્વાસ્થ્ય અધિકારીઓ દર્દીઓ ફરીથી સંક્રમણનો ભોગ કેવી રીતે બન્યા તેની તપાસમાં લાગ્યા છે. કોરિયા સેન્ટર ફોર ડીસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડિરેક્ટરના કહેવા પ્રમાણે દર્દીઓ ફરીથી સંક્રમણનો ભોગ બન્યા હોય તેના કરતા તેમનામાં વાયરસ ફરીથી એક્ટિવ થયો હોવાની શક્યતા વધારે છે. જ્યારે અન્ય અધિકારીઓએ તપાસની ખામીને તેના માટે જવાબદાર ગણાવી હતી.
કોરોના સામે લડીને સ્વસ્થ થયેલા દર્દી ફરીથી તેનો ભોગ બને તે આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય છે કારણ કે, અનેક દેશો કોરોના સામે લડીને સ્વસ્થ થયેલા લોકોમાં કોરોનાના પ્રતિકારની શક્તિ વિકસિત થશે તેવી આશામાં છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ મામલે અભ્યાસ હાથ ધરાવ્યો છે અને વધુને વધુ ડેટા મેળવીને તેની તપાસ કરાશે. સાથે જ તપાસના સેમ્પલ લેવામાં સાવધાની રાખવા નિર્દેશ આપવામાં આવ્યો છે.