Covid 19: દક્ષિણ કોરિયામાં 51 દર્દીઓ ફરીથી કોરોનાનો ભોગ બન્યા
સિઓલ, 7 એપ્રિલ 2020 મંગળવાર
કોરોના વાયરસ સામેની લડાઈમાં ખૂબ જ પ્રશંસા મેળવી રહેલા દક્ષિણ કોરિયા માટે એક માઠા સમાચાર છે. દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસના સાજા થયેલા 51 દર્દીઓને ફરીથી કોરોના વાયરસનું સંક્રમણ થયું છે.
આ વચ્ચે સ્વાસ્થ્ય એક્સપર્ટે ચેતવણી આપી છે કે દર્દીના સાજા થયા બાદ પણ કોરોના વાયરસ શરીરની અંદર છુપાયેલો રહે છે અને આ ગમે ત્યારે ફરીથી ચેપ લગાડી શકે છે
યોન્હપ ન્યૂઝ એજન્સી મુજબ, દક્ષિણ કોરિયાના ડિસીઝ પ્રિવેન્શન સેન્ટરે કહ્યું કે, દાઈહો અને ઉત્તરી ગ્યેઓંગસાંગ પ્રાંતથી નિકટના વિસ્તારના 51 લોકોમાં ફરીથી કોરોના વાયરસનો ચેપ જોવા મળ્યો છે.
આ તે જ વિસ્તાર છે જે દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસનો ગઢ માનવામાં આવતો હતો. કેન્દ્રના નિર્દેશક જિઓંગ ઉન ક્યોંગે કહ્યું કે, આ વાતની પૂરી સંભાવના છે કે કોરોના વાયરસ ફરીથી શરીરમાં સક્રિય થઈ ગયો છે.
ક્યોંગે કહ્યું કે, આ લોકોના ફરીથી સંક્રમિત થવાની સંભાવના નથી, કારણ કે ક્વોરન્ટાઈનમાં ગયાના થોડા જ સમયમાં તેઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. દક્ષિણ કોરિયાના સ્વાસ્થ્ય અધિકારીઓને દાઈહો મોકલી દેવાયા છે.
જેથી સંપૂર્ણ મામલાની તપાસ થઈ શકે. આ વચ્ચે સંક્રામક બીમારીઓના વિશેષજ્ઞ કિમ તેઈ ક્યૂંગે કહ્યું કે, જે લોકોમાં કોરોના વાયરસ મળ્યો છે, તેની અંદર આ વાયરસ છુપાઈને રહ્યો હશે. હવે તે ફરીથી સક્રિય થઈ ગયો છે.
સામાન્ય રીતે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના 24 કલાકના સમયમાં બે ટેસ્ટ નેગેટિવ આવવા પર કોરોના મુક્ત માનવામાં આવે છે. બીજી તરફ દક્ષિણ કોરિયામાં કોરોનાની અસર ધીમે-ધીમે ઓછી થઈ રહી છે.
અહીં સોમવારે માત્ર 50 નવા મામલા સામે આવ્યા છે. તેનાથી કુલ સંક્રમિત લોકોની સંખ્યા 10,284 પહોંચી ગઈ છે. અત્યાર સુધી મહામારીથી 186 લોકોના મોત થયા છે.