સાઉથ ચાઈના સી માં અમેરિકન નેવીનો યુધ્ધાભ્યાસ, બે જંગી એરક્રાફ્ટ કેરિયર ઉતાર્યા
સાઉથ ચાઈના, તા. 4. જુલાઈ 2020 શનિવાર
લદ્દાખ મોરચે ચીન સાથે ભારતના ટકરાવની વચ્ચે સાઉથ ચાઈના સીમાં અમેરિકાની નેવીએ મોટા પાયે જોરદાર યુધ્ધાભ્યાસ શરુ કર્યો છે.
સાઉથ ચાઈના સી પર અધિકાર જમાવતા આવેલા ચીનની દાદાગીરીનો જવાબ આપવા માટે અમેરિકાએ આ યુધ્ધાઅભ્યાસમાં પોતાના બે જંગી એરક્રાફ્ટ કેરિયર યુએસએસ નિમિત્ઝ અને યુએસએસ રોનાલ્ડ રેગન નામના જહાજોને ઉતાર્યા છે.
આ બંને જહાજો ન્યુક્લિયર પાવરથી ચાલે છે.તેની સાથે બીજા ચાર યુધ્ધ જહાજો જોડાયેલા છે.અમેરિકા પોતાની ક્ષમતાઓનુ ભરપૂર પ્રદર્શન કરી રહ્યુ છે.અમેરિકાએ દિવસ અ્ને રાત એમ બંને પ્રકારનો યુધ્ધાભ્યાસ કરીને ચીનને આકરો સંદેશો આપ્યો છે.
નોંધપાત્ર વાત એ છે કે, આ વિસ્તારમાં ચીનની નેવી પણ આજકાલ અભ્યાસ કરી રહી છે.ચીનની નૌ સેના આડકતરી રીતે પોતાની તાકાતનુ પ્રદર્શન તાઈવાન અને બીજા પાડોશી દેશોને ધમકાવવા માટે કરી રહી છે.જેની અમેરિકા ટીકા કરી રહ્યુ છે.
અમેરિકાની નેવીએ કહ્યુ હતુ કે, અમેરિકા સ્વતંત્ર સાઉથ ચાઈના સી અને ઈન્ડો પેસિફિક રિજનમાં માને છે.ચીન પોતાના અભ્યાસથી ભડકાઉ સ્થિતિ સર્જી રહ્યુ છે.