ઈન્ડોનેશિયામાં ફરી ફૂડ પોઈઝનિંગની મોટી ઘટના, શાળાનું ભોજન ખાધા બાદ 400 બાળકો બીમાર
Indonesia Food Poisoning : ઈન્ડોનેશિયાના પશ્ચિમ બેંગ્કુલુ પ્રાંતમાં રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિઆંતોના ફ્લેગશિપ ફૂડ પ્રોગ્રામ હેઠળ પીરસવામાં આવેલા મફત સ્કૂલ ભોજન ખાધા બાદ લગભગ 400 બાળકો બીમાર પડ્યા છે. બીમાર બાળકો, જેમની ઉંમર 4 થી 12 વર્ષની છે, તેમને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અગાઉ 365 બાળકો બીમાર પડ્યા હતા
બેંગ્કુલુ પ્રાંતના વાઈસ ગવર્નર મિઆને ઘટનાની પુષ્ટિ કરી અને જણાવ્યું છે કે, તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરવામાં આવી છે. અમે રસોડાની કામગીરી હાલ બંધ કરી દીધી છે. અમે તપાસ કરીશું કે ક્યાં ખામી રહી છે. આ મામલો રાષ્ટ્રીય પોષણ એજન્સી (BGN) અને અન્ય સત્તાવાળાઓની જવાબદારી હેઠળ છે. અગાઉ પણ, મધ્ય જાવામાં આવો ફૂડ પોઈઝનિંગનો કેસ સામે આવ્યો હતો જેમાં 365 લોકો બીમાર પડ્યા હતા. તે સમયે સ્થાનિક મીડિયા અહેવાલોમાં નબળી સ્વચ્છતાને કારણભૂત ગણાવી હતી.
આ પણ વાંચો : અમે તો ડરવાના નથી, દાદાગીરી તો નહીં ચાલે', ટ્રમ્પના કટાક્ષ-ધમકીનો જિનપિંગે આપ્યો જવાબ
રાષ્ટ્રપતિ પ્રબોવોએ શરૂ કરાવ્યો હતો મધ્યાહન ભોજન કાર્યક્રમ
રાષ્ટ્રપતિ પ્રબોવો દ્વારા જાન્યુઆરીમાં શરૂ કરવામાં આવેલો આ કાર્યક્રમ કુપોષણ સામે લડવા અને ગર્ભવતી મહિલાઓ અને બાળકોને મદદ કરવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયો હતો. આ કાર્યક્રમ હેઠળ 20 કરોડથી વધુ લોકોને ભોજન પૂરું પાડવામાં આવ્યું છે અને વર્ષના અંત સુધીમાં 8.3 કરોડ લોકોને આવરી લેવાનું લક્ષ્ય છે, જેના માટે રૂ. 171 ટ્રિલિયનનું બજેટ ફાળવવામાં આવ્યું છે. જોકે, તેના ઝડપી વિસ્તરણને કારણે ગુણવત્તા અને સ્વચ્છતા સંબંધિત પડકારો ઉભા થયા છે.
ઈન્ડોનેશિયામાં સરકાર વિરોધી પ્રદર્શનો, 10ના મોત
બીજીતરફ ઈન્ડોનેશિયામાં આર્થિક સ્થિતિ અને કથિત ઓછાં સંસદીય ભથ્થાં મામલે સરકાર વિરોધી ભારે દેખાવો ચાલી રહ્યા છે, ત્યારે આવા સમયે રાષ્ટ્રપતિ પ્રબોવો ચીનની મુલાકાતે ગયા છે. વિરોધ પ્રદર્શનોમાં 10 લોકોના મોત થયા છે અને 500થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આ પણ વાંચો : દુનિયાને ટેરિફની ધમકી આપતું અમેરિકા ખુદ મંદીની કગાર પર! મૂડીઝે ઉચ્ચારી ગંભીર ચેતવણી