સોફ્ટવેર, મેનેજમેન્ટથી લઈને ટેક્સટાઈલ સેક્ટરમાં ભારતનો દબદબો, અમેરિકા પર જ ભારે પડશે ટેરિફ?
Donald Trump Make in America Project: ટ્રમ્પના પહેલા કાર્યકાળનો પ્રોજેક્ટ 'મેક ઇન અમેરિકા' હતો. બીજી ઈનિંગમાં ટ્રમ્પ આ નીતિને લઈને વધુ મહત્વાકાંક્ષી બન્યા છે. તેમણે અમેરિકાની વેપાર નીતિને વિદેશ નીતિ સાથે જોડીને દુનિયાને પોતાની રીતે ચલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
'મેક ઇન અમેરિકા' પ્રત્યે ટ્રમ્પની મહત્વકાંક્ષા
ડોનાલ્ડ ટ્રમ્પની 'મેક ઇન અમેરિકા' નીતિ સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા અને આત્મનિર્ભરતા વધારવા માટે 'મેક ઇન ઇન્ડિયા' જેવી જ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપી, આયાત ઘટાડી અને રોજગારી ઊભી કરવાનો છે. જોકે, ટ્રમ્પે આ નીતિને ટેરિફ વોરમાં ફેરવી નાખી છે.
ટ્રમ્પ માને છે કે ઊંચા ટેરિફ અને નીતિગત ફેરફારોથી કાર, સાધનો અને અન્ય વસ્તુઓનું ઉત્પાદન અમેરિકામાં જ થશે. આનાથી અમેરિકનોને વધુ પગારવાળી નોકરીઓ મળશે અને ઔદ્યોગિક ક્ષેત્ર મજબૂત બનશે.
અમેરિકા સેમિકન્ડક્ટર, વિમાન ઉદ્યોગ અને મેડિકલ સાધનો જેવા ક્ષેત્રોમાં વૈશ્વિક સ્તરે અગ્રેસર છે. 2017-2020 દરમિયાન, ટ્રમ્પની નીતિઓને કારણે સ્ટીલ અને ઓટોમોટિવ જેવા ક્ષેત્રોમાં નોકરીઓ વધી હતી અને ટેરિફ તથા ટેક્સમાં રાહતથી કંપનીઓને અમેરિકામાં રોકાણ કરવા માટે પ્રોત્સાહન મળ્યું હતું.
ટ્રમ્પ ટેરિફ વોર દ્વારા 'મેક ઇન અમેરિકા'ના ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માગે છે
ટ્રમ્પ 'મેક ઇન અમેરિકા'ના ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે ટેરિફ વોરનો ઉપયોગ કરવા માગે છે. તેઓ માને છે કે અમેરિકાએ તેના વેપારી ભાગીદારોને બિનજરૂરી છૂટછાટો આપી છે અને જો બાઈડનની નીતિઓને તેના માટે જવાબદાર ગણે છે. આ નીતિઓ બદલવા માટે, ટ્રમ્પ અન્ય દેશોની વિદેશ નીતિને પોતાના હિત મુજબ ચલાવવા માગે છે. ઉદાહરણ તરીકે, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદે ત્યારે, તેને ભારતની જરૂરિયાતોને બદલે યુક્રેન યુદ્ધના દૃષ્ટિકોણથી જોવું એ તેમની આ જ નીતિનો એક ભાગ છે.
ચિપ્સથી લઈને જહાજો સુધી, બધું જ અમેરિકામાં બને એવી ટ્રમ્પની ઈચ્છા
ટ્રમ્પની ઈચ્છા છે કે ચિપ્સથી લઈને જહાજો સુધી બધું જ અમેરિકામાં બને. પોતાના પહેલા કાર્યકાળ (2017)માં 'મેક ઇન અમેરિકા' નીતિ શરૂ કર્યા બાદ, 2025માં ફરી સત્તામાં આવતા તેઓ આ નીતિ પ્રત્યે વધુ આક્રમક બન્યા.
અમેરિકા તેની $21 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા, આધુનિક ટેક્નોલોજી અને ઉચ્ચ સ્તરની માળખાગત સુવિધાઓના કારણે આંતરરાષ્ટ્રીય સંધિઓ અને વેપાર નિયમોની અવગણના કરવાની હિંમત ધરાવે છે.
આ જ નીતિના ભાગરૂપે ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લગાવ્યો અને રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ દંડની વાત કરી, જેથી ભારતીય ઉત્પાદનો મોંઘા બને અને કંપનીઓ અમેરિકામાં ઉત્પાદન કરવા પ્રેરાય.
ટ્રમ્પે ફરી ભારત પર વધુ ટેરિફ લગાવવાની વાત કરી
4 ઓગસ્ટની રાત્રે, ટ્રમ્પે ભારત પર વધુ ટેરિફ લગાવવાની વાત કરી. તેમણે આનું કારણ જણાવતા કહ્યું કે ભારત મોટા પ્રમાણમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદીને ખુલ્લા બજારમાં વેચીને નફો કમાઈ રહ્યું છે. ટ્રમ્પે એવો પણ આરોપ લગાવ્યો કે ભારતને યુક્રેનમાં મરી રહેલા લોકોની પરવા નથી.
ટ્રમ્પની વાત પર ભારતની પ્રતિક્રિયા
આ અંગે ભારતે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'યુક્રેન યુદ્ધની શરૂઆતમાં અમેરિકા પોતે ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાત કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું હતું, જેથી આંતરરાષ્ટ્રીય ઊર્જા બજારમાં કિંમતો સ્થિર રહે.'
ભારતે સ્પષ્ટતા કરી કે, રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાતનો હેતુ ભારતીય ગ્રાહકોને પોસાય તેવા ભાવે બળતણ ખરીદવાની સુવિધા આપવાનો છે. આ એક આવશ્યક જરૂરિયાત છે જે વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે ઊભી થઈ છે. જે દેશો આ બાબતે ભારતની ટીકા કરી રહ્યા છે, તે પોતે પણ રશિયા સાથે વેપાર કરી રહ્યા છે.
શું ભારત વગર અમેરિકાનું કામ ચાલી શકશે?
ટ્રમ્પનું 'મેક ઇન અમેરિકા' અભિયાન કેટલીક મર્યાદાઓ ધરાવે છે. અમેરિકામાં શ્રમ ખર્ચ ભારત કરતાં 3 થી 5 ગણો વધારે છે અને કુશળ શ્રમની પણ અછત છે. જ્યારે, સોફ્ટવેર, મેનેજમેન્ટ અને આઈટી ક્ષેત્રે ભારતીયોનો દબદબો છે.
અમેરિકન સપ્લાયના કારણે ખોરવાયેલી વૈશ્વિક સપ્લાય ચેઈનને કારણે ઘણી કંપનીઓ ભારત તરફ વળી છે. ભારતે સસ્તા શ્રમ, ઓછા ઉત્પાદન ખર્ચ અને PLI (પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ)જેવી યોજનાઓથી ઓટોમોબાઈલ, ટેક્સટાઇલ, ફૂડ પ્રોસેસિંગ, મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં વૈશ્વિક સપ્લાય ચેઈનમાં પોતાનું મહત્ત્વનું સ્થાન બનાવ્યું છે.
આ પણ વાંચો: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન બનાવ્યું જર્મનીએ હવામાંથી રણમાં પાણી બનાવ્યું
સસ્તા માલના ઉત્પાદનમાં અમેરિકા ભારત કે ચીન સાથે સ્પર્ધા કરી શકતું નથી
પૂર્વ વાણિજ્ય સચિવ અનુપ વધાવાએ જણાવ્યું છે કે, અમેરિકાની નવી ટેરિફ નીતિથી 'મેક ઇન ઇન્ડિયા'ને ખાસ અસર નહીં થાય. તેમણે કહ્યું કે, અમેરિકામાં ઉત્પાદન ખર્ચ અને મજૂરી ઘણી વધારે હોવાથી, તે ભારત અને ચીન જેવા દેશો સાથે સસ્તા ઉત્પાદનો બનાવવાની સ્પર્ધા કરી શકશે નહીં.
વધાવાએ કહ્યું કે, ભલે અમેરિકા સેમિકન્ડક્ટર અને AI જેવી ટેકનોલોજીમાં આગળ હોય, પરંતુ તેણે સસ્તા સામાન માટે ભારત જેવા દેશો પર નિર્ભર રહેવું પડશે. રશિયા, જાપાન અને ASEAN સાથેની ભાગીદારીને કારણે વૈશ્વિક વેપારમાં ભારતની સ્થિતિ મજબૂત છે. વધાવાના મતે, અમેરિકાની આ નીતિ અવ્યવહારુ છે અને મુક્ત વેપારને નુકસાન પહોંચાડી શકે છે. તેમણે ઉમેર્યું કે, અમેરિકાએ સેમિકન્ડક્ટર માટે તાઇવાન અને દુર્લભ ખનિજો માટે ચીન પર નિર્ભર રહેવું પડશે.
ટ્રમ્પની 'મેક ઇન અમેરિકા' નીતિ અમેરિકન ગ્રાહકો માટે બેવડો ફટકો
જો અમેરિકા માત્ર 'મેક ઇન અમેરિકા'ની વાત પર જ અડગ રહેશે તો અમેરિકન ગ્રાહકોને બેવડો ફટકો પડી શકે છે. એક તો, ઊંચા ઉત્પાદન ખર્ચને કારણે ત્યાં માલ મોંઘો થઈ જશે. બીજું, ઊંચા ટેરિફને કારણે અમેરિકામાં વિદેશી વસ્તુઓ પણ અત્યંત મોંઘી થઈ જશે. જેના કારણે મોંઘવારીનું જોખમ છે.
જો ટેરિફ વોર લાંબો સમય ચાલશે, તો તેના જવાબમાં ચીન, ભારત અને યુરોપ જેવા દેશો પણ અમેરિકન સામાન પર વળતો ટેરિફ લગાવી શકે છે. તેનાથી અમેરિકાના વિદેશી વેપારને અસર થઈ શકે છે. તેનાથી અમેરિકન નિકાસને નુકસાન થઈ શકે છે.