ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન બનાવ્યું જર્મનીએ હવામાંથી રણમાં પાણી બનાવ્યું
- સાયન્સ અને ટેક્નોલોજીના અજબગજબના ચમત્કાર
- નવીન પ્રયોગોથી ઉર્જાનો પરંપરાગત સ્રોત બદલાશે, રણમાં પીવાના પાણીની જૂની સમસ્યા ઉકેલાઇ જશે
નવી દિલ્હી : દિવસે-દિવસે સાયન્સ અને ટેકનોલોજીના ચમત્કારો સર્જાઈ રહ્યા છે. પહેલી નજરે ચમત્કાર લાગે એવા બે સફળ પ્રયોગો દુનિયામાં થયા છે. ચીને એક સોલર રિએક્ટર બનાવીને જગતને ચોંકાવી દીધું છે. તો જર્મનીએ પાણીની ટેકનોલોજી વિકસાવીને જગતને અચંબિત કરી દીધું છે. આ બંનેના કારણે ભવિષ્યમાં દુનિયામાં મોટું પરિવર્તન આવશે.
પશ્વિમી ચીનની ડાલિયન ઈન્સ્ટિટયૂટના સંશોધકોએ એક અભૂતપૂર્વ ડેમોન્સ્ટ્રેશન કરી બતાવ્યું હતું. એ પ્રયોગ પ્રમાણે ચીને હવા, પાણી અને સૂર્યપ્રકાશની મદદથી જેટ ફ્યુઅલ બનાવવામાં સફળતા મેળવી છે. ચીને એવું સોલર રિએક્ટર બનાવ્યું છે કે જેણે અશક્ય લાગતું પરિણામ મેળવ્યું છે. એવિએશન અને સસ્ટેનેબલ એનર્જીના ક્ષેત્રમાં આ ટેકનિકથી નવી ક્રાંતિ આવી શકે છે. આ પ્રયોગ દર્શાવ્યા પ્રમાણે જો સફળ થશે તો ઉર્જાનો પરંપરાગત સોર્સ બદલાશે. ફોઝિલ ફ્યુઅલમાં મોટું પરિવર્તન આવશે. એક એવું ફ્યુઅલ માનવજાત વાપરતી થશે કે જેનાથી કાર્બન ઉત્સર્જન બિલકુલ થતું નહીં હોય.
અત્યારે આ પ્રયોગ બહુ જ ટેકનિકલ, ખર્ચાળ અને અઘરો છે. એની પ્રક્રિયા ઘણી જ લાંબી છે તેથી એમાંથી મળતું ફ્યુઅલ વપરાશમાં લઈ શકાય તેમ નથી. ખૂબ ઊંચા તાપમાનમાં થર્મોકેમિકલ રિએક્ટર્સ હવા, પાણી અને સૂર્ય પ્રકાશમાંથી મળતાં જુદા જુદા તત્વો-મટિરિયલને જુદાં પાડીને એમાંથી ફ્યુઅલ મેળવે છે. ભવિષ્યમાં સૂર્યપ્રકાશ સિવાયની એનર્જી એમાં ખાસ વપરાશે નહીં. આ પ્રકારે મેળવેલું ફ્યુઅલ પાયલટના ટેસ્ટિંગમાં જવાની તૈયારીમાં છે એટલે ઝીરો કાર્બનનું લક્ષ્યાંક સેટ કરવામાં આ પ્રકારનું ફ્યુઅલ દુરગામી પરિણામો આપશે. એવો જ બીજો ચમત્કાર ચીનથી જોજનો દૂર જર્મનીમાં થયો છે. જર્મનીની હેલિયો વોટર નામની કંપનીએ વીજળીના બિલકુલ ઉપયોગ વગર રણની હવામાંથી પાણી મેળવવાની તરકીબ શોધી કાઢી છે. રણમાં પાણીની ભયાનક અછત હોય છે, પરંતુ રણમાંથી મધરાતે પસાર થતી ઠંડીગાર હવામાં ભીનાશનું તત્ત્વ હોય છે. એ હવામાંથી પાણી ખેંચી કાઢવામાં આવે તો પાણીની અછતનો વિકટ પ્રશ્ન હલ થઈ જાય. આ વિચાર સાથે જર્મનીની કંપનીએ સૂર્યપ્રકાશ અને હવાની મદદથી હવામાંથી જ પાણી મેળવવાનો પ્રયોગ કરી બતાવ્યો છે. આ કંપનીએ એક હાઈડ્રોસ્કોપિક જેલ વિકસાવી છે, એ જેલ અને ખાસ પ્રકારની ટેકનિક સંયુક્ત પ્રક્રિયા કરીને હવામાંથી પાણી મેળવી આપે છે. એ ડિવાઈસમાં મશીન નથી, બેટરી નથી. કોઈ ઈલેક્ટ્રિક પાર્ટ નથી. એક સ્કવેર મીટર (૧૦ સ્કવેર ફૂટ)ની પેનલથી એક રાતમાં ત્રણ લીટર પાણી મેળવી શકાશે. સંશોધકોએ દાવો કર્યો હતો કે ખૂબ જ અંતરિયાળ વિસ્તારોમાં, દુર્ગમ લશ્કરી છાવણીમાં આ ટેકનોલોજી આશીર્વાદરૂપ બનશે.
સંયુક્ત રાષ્ટ્રસંઘની મદદથી આ ટેકનિકનો પાયલટ પ્રોજેક્ટ મોરોક્કો અને નામિબિયાના રણમાં હાથ ધરાયો છે. જો આ પ્રયોગ ધાર્યા પ્રમાણે સફળ થશે તો દુર્ગમ, સુક્કા રણ વિસ્તારોમાં પાણીની અછતનો સદીઓ જૂનો પ્રશ્ન કાયમ માટે ઉકેલાઈ જશે.