'અમારે દ. કોરિયા અને અમેરિકા સાથે કોઈ વાતચીત નથી કરવી', કિમ જોંગ ઉનની બહેને પ્રસ્તાવ ફગાવ્યો
Kim Yo Jong Statement: ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનની બહેને દક્ષિણ કોરિયાની નવી સરકારના એ પ્રસ્તાવને ફગાવી દીધો છે, જેમાં તેણે બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવા માટે વાતચીતની રજૂઆત કરી હતી. કિમ જોંગની બહેને આ પ્રસ્તાવને સોમવારે ફગાવતાં કહ્યું કે, ઉત્તર કોરિયાને દક્ષિણ કોરિયા સાથે વાતચીત કરવામાં કોઈ રસ નથી, ભલે તેમના પ્રતિસ્પર્ધી ગમે તે પ્રસ્તાવ કેમ રજૂ ન કરે.
કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગની આ ટિપ્પણીઓથી ફરી એ સ્પષ્ટ થાય છે કે ઉત્તર કોરિયાનો નજીકના ભવિષ્યમાં દક્ષિણ કોરિયા અને અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની રાજનીતિક વાતચીત કરવાનો કોઈ ઇરાદો નથી. ઉત્તર કોરિયા હાલના સમયમાં રશિયા સાથે પોતાના વધતા સહયોગ પર વધુ ધ્યાન આપી રહ્યું છે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે, જો ઉત્તર કોરિયાને લાગે છે કે રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થયા બાદ પણ તેઓ રશિયા સાથે પોતાના સંબંધો પહેલા જેવા નહીં રાખી શકે, તો તેઓ પોતાનું વલણ બદલી શકે છે.
દક્ષિણ કોરિયાના સરકારી મીડિયા દ્વારા જાહેર એક નિવેદનમાં કિમ યો જોંગે કહ્યું કે, 'અમે એકવાર ફરી સત્તાવાર વલણ સ્પષ્ટ કરીએ છીએ કે સિયોલ(દક્ષિણ કોરિયા)માં ભલે કોઈ પણ નીતિ અપનાવવામાં આવે અને કોઈ પણ પ્રસ્તાવ રાખવામાં આવે, અમને તેમાં કોઈ રસ નથી અને ન તેમને મળવાનું કોઈ કારણ છે અને ન ચર્ચા કરવા માટે કોઈ મુદ્દો છે.'
આ પણ વાંચો: થાઇલૅન્ડ-કંબોડિયા વચ્ચે 4 દિવસના યુદ્ધ પછી સીઝફાયર: મલેશિયામાં હાઇ-લેવલ બેઠક બાદ જાહેરાત
આ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગની સરકારી નીતિ અંગે ઉત્તર કોરિયાનું પહેલું સત્તાવાર નિવેદન છે. લી જે-મ્યુંગ જૂનની શરુઆતમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ બન્યા હતા. ઉત્તર કોરિયાની સાથે તણાવપૂર્ણ સંબંધોને સુધારવા માટે રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગની સરકારે કેટલાક પગલાં ભર્યાં છે.