અમેરિકાના વ્હાઇટ હાઉસ નજીક ફાયરિંગથી હડકંપ, 5ને ઈજા; હુમલાખોર ફરાર થતાં પોલીસનું મોટું સર્ચ ઓપરેશન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

White House Shooting : અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં આવેલા અત્યંત સુરક્ષિત ગણાતા વ્હાઇટ હાઉસથી માત્ર થોડા જ અંતરે અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની છે. આ ગોળીબારમાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઘટનાને અંજામ આપીને શૂટર ફરાર થઈ જતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
લોગન સર્કલ વિસ્તારમાં સર્જાયો ભયનો માહોલ
ગુરુવારે વોશિંગ્ટન ડીસીના લોગન સર્કલ વિસ્તારમાં આ હિંસક ઘટના બની હતી, જે વ્હાઇટ હાઉસથી આશરે 1 માઈલ ઉત્તર દિશામાં આવેલો છે. પોલીસ પ્રવક્તા નિકોલ ડીનરે જણાવ્યું કે હુમલાખોર હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. ફાયરિંગની ચોક્કસ જગ્યા અંગે હજુ તપાસ ચાલી રહી છે, પરંતુ 15મી સ્ટ્રીટ નોર્થ-વેસ્ટના 1500 બ્લોકમાં આવેલી દુકાનો, એક ચર્ચ અને રહેણાંક ઈમારતોને સુરક્ષા દળોએ ઘેરી લીધી છે. મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા નાગરિકોને આ વિસ્તારથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.
'એક્ટિવ શૂટર' એલર્ટ અને પોલીસની કાર્યવાહી
ગોળીબારની આ ઘટના 15મી અને પી સ્ટ્રીટ નોર્થ-વેસ્ટના ચાર રસ્તા નજીક બની હોવાનું માનવામાં આવે છે. સ્થાનિક મીડિયા 'વોશિંગ્ટન પોસ્ટ' અનુસાર, પોલીસ વિભાગના પ્રવક્તા ઓફિસર લી લેપેએ આ પરિસ્થિતિને 'એક્ટિવ શૂટર' તરીકે ગણાવી છે. પોલીસ હાલ એક શંકાસ્પદ વ્યક્તિની શોધખોળ કરી રહી છે. જોકે, આ હુમલા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો અને ઘાયલ થયેલા 5 પીડિતોની હાલત કેવી છે, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.
થોડા દિવસ પહેલા જ વ્હાઇટ હાઉસ બહાર થઈ હતી કાર ટક્કર
ઉલ્લેખનીય છે કે વ્હાઇટ હાઉસ આસપાસ સુરક્ષા ભંગની આ સતત બીજી મોટી ઘટના છે. અગાઉ 9 નવેમ્બરના રોજ વ્હાઇટ હાઉસની બરાબર સામે આવેલા લાફાયેટ સ્ક્વેરમાં એક પૂરપાટ ઝડપે આવતી કાર સાઇનપોસ્ટ સાથે અથડાઈ હતી. તે સમયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ પરિસરમાં જ હાજર હતા, જેના કારણે તાત્કાલિક લોકડાઉન લાદવું પડ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓના વીડિયોમાં કારમાંથી ધુમાડો નીકળતો અને કાર ચાલકની યુએસ સિક્રેટ સર્વિસ તથા નેશનલ ગાર્ડના જવાનો સાથે ઝપાઝપી થતી જોવા મળી હતી.




