Get The App

અમેરિકામાં ચાલુ પરીક્ષાએ યુનિવર્સિટીમાં ઘૂસ્યા હુમલાખોર, અંધાધૂંધ ફાયરિંગમાં 2ના મોત

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકામાં ચાલુ પરીક્ષાએ યુનિવર્સિટીમાં ઘૂસ્યા હુમલાખોર, અંધાધૂંધ ફાયરિંગમાં 2ના મોત 1 - image



USA Firing News : અમેરિકાના રોડ આઇલેન્ડ સ્થિત પ્રતિષ્ઠિત બ્રાઉન યુનિવર્સિટીમાં શનિવારે બપોરે એક ભયાનક ઘટના સામે આવી છે. ફાઇનલ પરીક્ષા ચાલી રહી હતી તે દરમિયાન કાળા કપડાં પહેરેલા એક અજાણ્યા શખ્સે યુનિવર્સિટીની એન્જિનિયરિંગ બિલ્ડિંગમાં અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ જીવલેણ હુમલામાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે અને અન્ય આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હુમલાખોર હજી ફરાર છે અને પોલીસ તેની સઘન શોધખોળ કરી રહી છે.


એન્જિનિયરિંગ બિલ્ડિંગમાં અંધાધૂંધ ફાયરિંગ

આ ઘટના યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ અને ફિઝિક્સ ડિપાર્ટમેન્ટનો ભાગ એવી બારુસ એન્ડ હોલી બિલ્ડિંગમાં બની હતી, જ્યાં એન્જિનિયરિંગ ડિઝાઇન પરીક્ષાઓ ચાલી રહી હતી. ગોળીબારની માહિતી મળતાં જ કેમ્પસમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. યુનિવર્સિટીએ તાત્કાલિક એલર્ટ જાહેર કરીને વિદ્યાર્થીઓને દરવાજા બંધ કરવા, ફોન સાઇલન્ટ કરવા અને છુપાઈ જવાની સલાહ આપી હતી.

પોલીસે શું કહ્યું? 

પ્રોવિડન્સ શહેરના ડેપ્યુટી ચીફ ઓફ પોલીસ ટિમોથી ઓ'હારાએ જણાવ્યું કે, હુમલાખોર કાળા કપડાં પહેરેલો પુરુષ હતો અને તે ઇમારતમાંથી હોપ સ્ટ્રીટ તરફ ભાગી ગયો છે. પોલીસ ગોળીબારની ઘટનાના ત્રણ-ચાર કલાક બાદ પણ કેમ્પસની ઇમારતોની તલાશી લઈ રહી હતી અને આસપાસના વિસ્તારોમાં તપાસ કરી રહી હતી.


ઈજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર, FBI તપાસમાં જોડાઈ

મેયર બ્રેટ સ્માઇલીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ઘાયલોની હાલત ગંભીર છે પરંતુ સ્થિર છે, અને તે તમામને રોડ આઇલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મેયરે વધુમાં ઉમેર્યું કે હુમલાખોરને પકડવા માટે તમામ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કેમ્પસ અને આસપાસના વિસ્તારમાં 'શેલ્ટર-ઇન-પ્લેસ' નો આદેશ જારી કરવામાં આવ્યો છે, અને લોકોને ઘરમાં જ રહેવા જણાવાયું છે. ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) પણ તપાસમાં મદદ કરી રહી છે. મેયરે પીડિતો વિશે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ કહ્યું કે આ શહેર અને રાજ્ય માટે ખૂબ જ દુઃખદ દિવસ છે.

અમેરિકામાં ચાલુ પરીક્ષાએ યુનિવર્સિટીમાં ઘૂસ્યા હુમલાખોર, અંધાધૂંધ ફાયરિંગમાં 2ના મોત 2 - image

પીડિત વિદ્યાર્થીઓએ શું કહ્યું? 

વિદ્યાર્થીઓએ જણાવ્યું કે સાયરનની અવાજ સાંભળીને અને એક્ટિવ શૂટરનો એલર્ટ મળતાં જ તેઓ ગભરાઈ ગયા હતા. નજીકની લેબમાં હાજર અન્ય વિદ્યાર્થીઓ એલર્ટ મળતાં ડેસ્ક નીચે છુપાઈ ગયા હતા અને લાઇટ બંધ કરી દીધી હતી, જેનાથી સમગ્ર કેમ્પસમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ફ્રાન્સિસ ડોયલે કહ્યું કે પરીક્ષાના સમયે આ બધું થવું ખૂબ જ ભયાનક છે.

ટ્રમ્પ અને વાન્સની પ્રતિક્રિયા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ ઘટના અંગે માહિતી આપવામાં આવી હતી. વ્હાઇટ હાઉસમાં તેમણે કહ્યું કે "હમણાં માત્ર પીડિતો માટે પ્રાર્થના જ કરી શકાય છે." ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે પણ X પર પોસ્ટ કરીને કહ્યું કે તેઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને FBI મદદ માટે તૈયાર છે.

Tags :