Nurul Majid Mahmud Humayun Death : બાંગ્લાદેશમાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાના નજીકના અને પૂર્વ ઉદ્યોગ મંત્રી નુરુલ માજીદ મહમૂદ હુમાયૂંના નિધન બાદ સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થતાં ભારે હોબાળો મચી ગયો છે. તસવીરમાં ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલના ICUમાં સારવાર લઈ રહેલા 75 વર્ષીય હુમાયૂંના હાથમાં હથકડી પહેરેલી દેખાઈ રહી છે. એવું કહેવાય છે કે, તેમનું હથકડી પહેરેલી હાલતમાં નિધન થયું છે, જેને લઈને ચોતરફથી ટીકા અને વિવાદ ઉભો થયો છે.
મૃત્યુ બાદ પણ હથકડી ન કઢાઈ !
સોશિયલ મીડિયા પર દાવો કરાયો છે કે, હુમાયૂંના મૃત્યુ બાદ પણ હથકડી કાઢવામાં આવી નથી. જેલ અધિકારીઓના જણાવ્યા મુજબ, 24 સપ્ટેમ્બરે ધરપકડ કરાયેલા હુમાયૂંનું સોમવારે જેલ કસ્ટડી દરમિયાન આઈસીયુમાં નિધન થયું હતું. તેઓ ઉંમર સંબંધિત અનેક બીમારીઓથી પીડિત હતા.
હુમાયૂંની તસવીર આવ્યા બાદ અનેક લોકો રોષે ભરાયા
દુઃખદ તસવીસ સામે આવ્યા બાદ માનવાધિકાર કાર્યકરો અને સામાન્ય લોકો રોષે ભરાયા છે અને તેમણે હૂમાયૂંની સ્થિતિ મામલે માનવાધિકારોનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું છે. માનવાધિકાર કાર્યકર નૂર ખાન લિટને કહ્યું કે, ‘મરતા કે મૃત વ્યક્તિના હાથમાં હથકડી પહેરેલી રહેવા દેવી અમાનવીય અને માનવાધિકારનું ઘોર ઉલ્લંઘન છે. આવી સ્થિતિ ગરિમાનું ઘોર અપમાન છે.’
જેલ તંત્ર, હોસ્પિટલ, ગૃહ સચિવે તસવીરને ફેક ગણાવી
બીજીતરફ બાંગ્લાદેશ જેલ પ્રશાસને આ આરોપોને ફગાવી દીધા છે. કેરાનીગંજ સેન્ટ્રલ જેલના વરિષ્ઠ જેલ અધિક્ષક સુરૈયા અખ્તરે કહ્યું કે, ‘આ દાવો ભ્રામક છે અને સુરક્ષાના કારણે જ કેદીઓને હથકડી લગાવાય છે.’
ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલના ડાયરેક્ટર બ્રિગેડિયર જનરલ મોહમ્મદ અસદુજ્જમાને કહ્યું કે, ‘વાયરલ ફોટો ICUમાં દાખલ હતા ત્યારનો નથી, પરંતુ તેમને પહેલીવાર હોસ્પિટલ દાખલ કરાયા હતા ત્યારનો હોઈ શકે છે.’
ગૃહ સચિવ મોહમ્મદ નસીમુલ ગનીએ તસવીરને ફેક ગણાવી છે અને શંકા હોય તો તપાસ કરાવવાની ખાતરી આપી છે.
હૂમાયૂંને વર્ષ 2024ના ભેદભાવ વિરોધી આંદોલન દરમિયાન થયેલા હુમલાઓ સંબંધિત અનેક કેસોમાં આરોપી બનાવાયા હતા.
આ પણ વાંચો : સ્વિટ્ઝરલેન્ડના ગ્લેશિયર્સ ખૂબ જ જોખમમાં, બાર મહિનામાં ત્રણ ટકા બરફ પીગળી ગયો


