જાપાનમાં ચોખાની ગંભીર કટોકટી ભાવ બમણા થઈ ગયા : મંત્રીને ત્યાગપત્ર આપવું પડયું
- ચોખા સદીઓથી જાપાનમાં મુખ્ય ખાદ્યાન્ન છે 2023માં ફસલ ઓછી થઈ 2024માં ભૂકંપની ભીતિને લીધે ખરીદી એકદમ વધી ગઈ
ટોક્યો : જાપાનમાં આજકાલ ચોખાની ગંભીર કટોકટી ઊભી થઈ છે. શુક્રવારે તા. ૨૩ મેના દિવસે પ્રસિદ્ધ કરાયેલા મોંઘવારીના આંકડા ઉપરથી જાણવા મળ્યું છે કે ગત વર્ષના પ્રમાણમાં આ વર્ષે ચોખાની કિંમતમાં ૯૮ ટકા વધારો થયો છે, એટલે કે ભાવ લગભગ બમણાં થઈ ગયા છે. આ કટોકટી હલ ન થઈ શકતાં ખાદ્યાન્ન મંત્રીને ત્યાગપત્ર આપવું પડયું છે સાથે વડાપ્રધાન શિગેરૂ ઈશિબા માટે આ કટોકટી માથાનો દુ:ખાવો બની ગઈ છે.
આ અચાનક ભાવ વૃદ્ધિનાં ૪ મુખ્ય કારણો છે (૧) પહેલું કારણ તે છે કે, ૨૦૨૩માં રેકોર્ડ ગરમીને લીધે ચોખાનું ઉત્પાદન ઘટી ગયું છે. (૨) બીજું કારણ તે છે કે ૨૦૨૪માં ભૂકંપની ચેતવણીથી લોકોએ ગભરાટમાં મોટા પાયે ચોખાની ખરીદી શરૂ કરી હતી. જાપાનમાં મુખ્ય ખાદ્યાન્ન જ ચોખા છે. તેથી તેનો સંગ્રહ કરવા પડાપડી થઈ હતી. (૩) વધુ કારણ તે છે કે જાપાનમાં પર્યટકોની સંખ્યા ખૂબ વધી છે. તેઓ ચોખા અને સુશીની ડીશ બીજી કોઈ પણ ડીશ કરતાં વધુ પસંદ કરે છે તેથી ચોખાની માંગ વધી જતાં ભાવ વધી જાય તે સહજ છે. વળી સંઘરાખોરી પણ થાય છે.
જાપાનમાં સરકારે જ ચોખાને બદલે અન્ય ફસલ ઉગાડવા ઉપર ભાર મુક્યો છે તેથી ચોખાનું ઉત્પાદન ઘટયું છે. ચોખા ઉગાડનાર ખેડૂતો વૃદ્ધ થઈ ગયા છે, તેના પુત્રોને ખેતીમાં રસ નથી તેથી ચોખાનું વાવેતર જ ઘટયું છે. ૬૦ ટકા ખેડૂતો વૃદ્ધ થઈ ગયા છે. ૭૦ ટકાને તો કોઈ તેવો ઉત્તરાધિકારી નથી કે જે ખેતી સંભાળવા તૈયાર થાય. ૯૦ વર્ષના ચોખાના વેપારી જેઓ ત્રણ પેઢીથી જથ્થાબંધ ચોખાની દુકાન ચલાવે છે તેમણે કહ્યું હતું કે જાપાની અધિકારીઓ જ ચોખાનું ઉત્પાદન કરવાને બદલે અન્ય અનાજનું ઉત્પાદન કરવા કહેતા હતા તેથી ચોખાનું ઉત્પાદન ઘટયું છે. આવા મુખ્ય કારણોસર ચોખાની તંગી ઉભી થઈ છે.