New Military Bloc Emerging: વિશ્વના નકશા પર એક નવું લશ્કરી સમીકરણ આકાર લઈ રહ્યું છે, જેને સંરક્ષણ નિષ્ણાતો 'ઇસ્લામિક નાટો' તરીકે ઓળખાવી રહ્યા છે. સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંરક્ષણ કરારમાં હવે તૂર્કિયે સામેલ થવાની તૈયારીમાં છે. આ જોડાણ ભારત માટે ચિંતાનો વિષય બની શકે છે, કારણ કે તેમાં સામેલ ત્રણેય રાષ્ટ્રો પોતપોતાની શક્તિઓનું પ્રદર્શન કરી એક મજબૂત સૈન્ય બ્લોક બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
'એક પર હુમલો, એટલે બધા પર હુમલો'
અહેવાલો અનુસાર, સપ્ટેમ્બર 2025માં સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલા કરારમાં નાટોના 'અનુચ્છેદ 5' જેવી જ જોગવાઈ રાખવામાં આવી છે. જે મુજબ, જો કોઈ પણ એક સભ્ય દેશ પર હુમલો થશે, તો તેને આખા જૂથ પરનો હુમલો ગણવામાં આવશે અને ત્રણેય દેશો સાથે મળીને તેનો જવાબ આપશે. હવે તૂર્કિયે આ કરારમાં સત્તાવાર રીતે જોડાવા માટે વાટાઘાટો કરી રહ્યું છે.
ત્રણ શક્તિઓનું જોડાણ
આ સંભવિત બ્લોકમાં ત્રણેય દેશોની જવાબદારીઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. આ જોડાણનું 'બેન્કર' બનશે. સાઉદીનું અઢળક નાણું આધુનિક હથિયારો અને સૈન્ય અભિયાનો માટે ફન્ડિંગ પૂરું પાડશે. પરમાણુ શક્તિ સંપન્ન દેશ હોવાથી તે 'ન્યૂક્લિયર વેપન', બેલિસ્ટિક મિસાઇલો અને માનવબળ (સૈનિકો) પૂરા પાડશે. તેની અદ્યતન 'ડ્રોન ટેકનોલોજી', ફાઇટર જેટ પ્રોગ્રામ (કાન) અને યુદ્ધ જહાજો બનાવવાની ક્ષમતા દ્વારા ટેકનિકલ સપોર્ટ આપશે.
અંકારામાં પ્રથમ નૌકાદળ બેઠક
તાજેતરમાં જ અંકારામાં ત્રણેય દેશોના નૌકાદળના વડાઓ વચ્ચે પ્રથમ બેઠક યોજાઈ હતી. તૂર્કિયે પહેલાથી જ પાકિસ્તાનના F-16 જેટ્સને અપગ્રેડ કરી રહ્યું છે અને તેમના માટે યુદ્ધ જહાજો બનાવી રહ્યું છે. આ સહયોગ હવે માત્ર દ્વિપક્ષીય ન રહેતા ત્રિપક્ષીય લશ્કરી વ્યૂહરચનામાં ફેરવાઈ રહ્યો છે.
ભારત માટે કેમ ચિંતાનો વિષય?
ભારત આ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે, કારણ કે, પહલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સ્થિતિ સ્ફોટક બની હતી. આવા સમયે પાકિસ્તાનને મળતું લશ્કરી પીઠબળ ભારત માટે પડકારરૂપ છે. તૂર્કિયે અવારનવાર કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો પક્ષ લેતું આવ્યું છે.
અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરમાં આ ત્રણેય દેશોની નૌકાદળની સક્રિયતા ભારતની દરિયાઈ સુરક્ષા માટે નવું જોખમ ઊભું કરી શકે છે. નિષ્ણાતોના મતે, જો આ 'ઈસ્લામિક નાટો' હકીકત બનશે, તો દક્ષિણ એશિયા અને મધ્ય પૂર્વના સત્તા સંતુલનમાં મોટો ફેરફાર આવશે, જેની સીધી અસર ભારતના સુરક્ષા હિતો પર પડશે.


