20 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ સાઉદીના 'સ્લીપિંગ પ્રિન્સ' નું નિધન, 15 વર્ષની વયે કાર અકસ્માત નડ્યો હતો
Image: X |
Saudi Sleeping Prince Dies: દુનિયાભરમાં 'સ્લીપિંગ પ્રિન્સ' નામથી પ્રખ્યાત સાઉદી પ્રિન્સ અલ વલીદ બિન ખાલિદ બિન તલાલ અલ સઉદનું શનિવારે 35 વર્ષની ઉંમરે મોત નિપજ્યું હતું. આશરે 20 વર્ષ પહેલાં એક દર્દનાક અકસ્માતનો શિકાર થયા બાદ તે કોમામાં હતો અને તેના કારણે તે 'સ્લિપિંગ પ્રિન્સ'ના નામથી ઓળખાય છે.
15 વર્ષની ઉંમરે થયો અકસ્માત
'ગલ્ફ ન્યૂઝ' અનુસાર, 1990 માં જન્મેલા પ્રિન્સ અલ વલીદ, પ્રિન્સ ખાલિદ બિન તલાલ અલ સઉદના સૌથી મોટા પુત્ર હતા, જે એક પ્રમુખ સાઉદી શાહી અને અબજપતિ પ્રિન્સ વલીદ બિન તલાલના ભત્રીજા હતા. વર્ષ 2005માં જ્યારે અલ વલીદ ફક્ત 15 વર્ષના હતા, તેઓ લંડનમાં મિલિટ્રી કેડેટ રૂપે અભ્યાસ કરી રહ્યા હતા. આ દરમિયાન એક ભયાનક કાર અકસ્માતમાં તેમને ઈજા પહોંચી હતી અને ખૂબ વધારે લોહી વહી ગયું હતું. જેના કારણે તેમને બ્રેઇન હેમરેજ થઈ ગયું અને તે કોમામાં જતા રહ્યા.
આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં જળપ્રલય, 200થી વધુ લોકોના મોત, 560થી વધુ ઈજાગ્રસ્ત, હોસ્પિટલમાં પાણી ભરાયા
અકસ્માત બાદ સારી સ્વાસ્થ્ય સુવિધાઓની સાથોસાથ અમેરિકા અને સ્પેનિશ ડૉક્ટરોની મદદ છતાં પ્રિન્સ અલ વલીદ ક્યારેય પણ સંપૂર્ણ રીતે ભાનમાં ન આવી શક્યા અને તેમનું મોત પણ કોમામાં રહેતા દરમિયાન જ થયું હતું.
પિતાના અતૂટ પ્રેમની કહાણી
ગત 20 વર્ષમાં પ્રિન્સ અલ વલીદ જિંદગીના મોટાભાગના સમયમાં કોમામાં રહ્યા, જોકે ક્યારેક-ક્યારેક મૂવમેન્ટથી આશાની કિરણ જાગતી હતી. તેમના પિતા પ્રિન્સ ખાલિદ બિન તલાલે લાઇફ સપોર્ટ સિસ્ટમ એટલે કે, વેન્ટિલેટર દૂર કરવાની ભલામણને સાર્વજનિક રૂપે નકારી દીધી હતી. તે ઈશ્વર પર પોતાના વિશ્વાસને લઈને તેઓ દીકરાની સારવાર કરાવતા રહ્યા. પ્રિન્સ અલ વલીદના પિતાએ ક્યારેય આશા ન છોડી કે, તેમનો દીકરો એક દિવસ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે.
આ પણ વાંચોઃ VIDEO : ટેક ઓફ કરતાં જ ભડભડ સળગવા લાગ્યું ડેલ્ટા એરલાઇન્સનું વિમાન, ઈમરજન્સી લેન્ડિંગ
પ્રિન્સની સારવાર કરવા દુનિયાભરના સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર હારી ગયા હતા, પરંતુ તેના પિતાનો વિશ્વાસ આ 20 વર્ષમાં એકવાર પણ ન ડગ્યો. અલ વલીદની સારવાર દરમિયાન અનેકવાર આશા જાગી અને ફરી તૂટી ગઈ. પરંતુ, પિતાએ હાર ન માની અને છેલ્લા શ્વાસ સુધી દીકરાનું વેન્ટિલેટર દૂર થવા ન દીધું અને તેમની સંભાળમાં પણ કોઈપણ પ્રકારની કચાસ નહતી મૂકી.
પિતાએ કરી ભાવુક પોસ્ટ
તેમનું જીવન અને લાંબો સંઘર્ષ માત્ર તબીબી પડકારો જ નહીં પરંતુ માનવ ભાવના અને પરિવાર પ્રત્યે સમર્પણની એક અનોખી કહાણી પણ છે. પ્રિન્સ અલ વલીદના પિતા ખાલિદ બિન તલાલે એક ભાવનાત્મક પોસ્ટમાં તેમના પુત્રના મૃત્યુની પુષ્ટિ કરી છે. કુરાનની એક આયાતને ટાંકીને તેમણે લખ્યું: 'અલ્લાહની ઇચ્છા અને આદેશમાં વિશ્વાસ રાખતા ભારે હૃદય સાથે અને દુ:ખ તેમજ પીડા સાથે, અમે અમારા પ્રિય પુત્ર પ્રિન્સ અલ વલીદના મૃત્યુ પર શોક વ્યક્ત કરીએ છીએ, અલ્લાહ તેમના પર દયા કરે.'