પવિત્ર ઈસ્લામિક શહેર મક્કામાં કોરોના વાયરસને રોકવો પડકારજનક બન્યો
- ગરીબો અને મજૂરોના ગીચ વસ્તી ધરાવતા કેમ્પમાં કોરોનાના કેસ વધી રહ્યા છે
રિયાધ, તા. 14 એપ્રિલ 2020, મંગળવાર
સાઉદીમાં 24 કલાકનો કર્ફ્યુ લાગુ કરવા છતા પણ ગીચ વસ્તી ધરાવતા ગરીબો અને મજૂરોના કેમ્પમાં કોરોના વકરી રહ્યો છે. આ સાથે જ પવિત્ર ઈસ્લામિક શહેર મક્કામાં કોરોના વાયરસને ફેલાતો રોકવો એક પડકાર બની રહ્યો છે. મક્કા શહેરની કુલ વસ્તી આશરે બે લાખ જેટલી છે અને સોમવાર સુધીમાં ત્યાં કોરોનાના 1,050 જેટલા કેસની પૃષ્ટિ કરી દેવાઈ છે. આ તરફ સાઉદીની રાજધાની રિયાધમાં મક્કા કરતા ત્રણ ગણી વધારે વસ્તી છે તેમ છતા અત્યાર સુધીમાં 1,422 કેસ જ સામે આવ્યા છે.
8,000 કર્મચારીઓ લોકડાઉન કરાયા
મક્કામાં મોટી સંખ્યામાં દસ્તાવેજ વગરના પ્રવાસીઓ રહે છે અને અનેક શ્રમિકો સાંકડી ગલીમાં આવેલી નાની ઝૂંપડીઓમાં રહે છે જેથી કોરોનાને ફેલાતો અટકાવવો મુશ્કેલ બન્યો છે. માર્ચ મહીનાના અંતમાં દેશની એક મોટી કનસ્ટ્રક્શન કંપની સાઉદી બિનલાદેન ગ્રુપના મક્કા ખાતેના પાંચ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યાર બાદ ભવ્ય મસ્જિદના વિસ્તાર કામને રોકીને 8,000 શ્રમિકોને લોકડાઉન કરી દેવામાં આવ્યા હતા. તે પૈકીના દસ્તાવેજ બતાવ્યો હોય તેવા કેટલાક કર્મચારીઓને હોટેલમાં ક્વોરનટાઈન કરવામાં આવ્યા છે.
આ કારણે મક્કાને કોરોનાથી બચાવવું જરૂરી
મક્કા સમગ્ર વિશ્વના મુસ્લિમોના જીવનમાં ખૂબ જ વિશેષ મહત્વ ધરાવે છે માટે આ કારણસર સાઉદી માટે તેની સુરક્ષા ખૂબ અગત્યની છે. આ ઉપરાંત શાહી પરિવાર પણ ઈસ્લામિક જન્મ સ્થળ સાથે નજીકથી સંકળાયેલો છે અને કિંગ સલમાન બે પવિત્ર મસ્જિદના કસ્ટોડિયન છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે લાખો મુસ્લિમ શ્રદ્ધાળુઓ મક્કાની મુલાકાત લે છે.
મક્કામાં મસ્જિદ બંધ, 24 કલાકનો કર્ફ્યુ
ખાડી દેશોમાં સાઉદીમાં સંક્રમણના સૌથી ઓછા કેસ નોંધાયેલા છે. આશરે ત્રણ કરોડની વસ્તી ધરાવતા આ દેશમાં કોરોનાના 5,000 જેટલા કેસ નોંધાયેલા છે. મક્કા દેશનું પ્રથમ એવું શહેર છે જ્યાં 24 કલાકનો કર્ફ્યુ લાગુ કરવામાં આવેલો છે. ફેબ્રુઆરી મહીનામાં જ તમામ ધાર્મિક પર્યટનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો અને માર્ચ મહીનામાં દેશની તમામ મસ્જિદોને બંધ કરી દેવામાં આવી હતી.