લાલ સમુદ્રમાં 14 ભારતીયો સવાર બોટ પર સાઉદીની એરસ્ટ્રાઇક: હુથી બળવાખોરોનો ચોંકાવનારો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Saudi Airstrike Red Sea : યમનના હુથી બળવાખોરોએ દાવો કર્યો છે કે લાલ સમુદ્રમાં 14 ભારતીય નાગરિકોને લઈ જઈ રહેલી એક બોટ પર સાઉદી અરેબિયાએ એરસ્ટ્રાઇક કરી છે. આ ઘટના બાદ હુથી બળવાખોરોએ જણાવ્યું કે તેઓ બોટમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહ્યા છે. હાલમાં આ સમગ્ર મામલે માત્ર હુથીઓ તરફથી જ નિવેદન આવ્યું છે, જ્યારે સાઉદી અરેબિયા તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
ઝુકર ટાપુ નજીક બોટને બનાવાઈ નિશાન
હુથી બળવાખોરોના સૈન્ય પ્રવક્તા બ્રિગેડિયર જનરલ યાહ્યા સરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર માહિતી આપતાં જણાવ્યું કે સાઉદી અરેબિયાએ લાલ સમુદ્રમાં આવેલા ઝુકર ટાપુ નજીક ભારતીય બોટને નિશાન બનાવી હતી. પ્રાથમિક વિગતો અનુસાર આ બોટમાં 14 ભારતીય નાગરિકો સવાર હતા. પ્રવક્તાના જણાવ્યા મુજબ તેમની ટીમે નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે અને આ વિશે વધુ વિગતો ટૂંક સમયમાં આપવામાં આવશે.
હુથીઓએ સાઉદી અરેબિયા પર લગાવ્યા ગંભીર આરોપ
યાહ્યા સરીએ સાઉદી અરેબિયાની આ સૈન્ય કાર્યવાહીને અત્યંત બેદરકારીભર્યું પગલું ગણાવ્યું છે. તેમણે આરોપ મૂક્યો છે કે આવી લશ્કરી હરકતોથી લાલ સમુદ્રમાંથી પસાર થતાં આંતરરાષ્ટ્રીય જહાજોની સલામતી જોખમાય છે. આ સાથે જ હુથી બળવાખોરોએ વૈશ્વિક સમુદાયને અપીલ કરી છે કે તેઓ સાઉદી અરેબિયાને આવા હુમલા કરતાં અટકાવવા માટે તાત્કાલિક દરમિયાનગીરી કરે.
બાબ અલ-મંદેબ જળમાર્ગ નજીક બની ઘટના
જે વિસ્તારમાં બોટ પર હુમલો થયાનો દાવો કરવામાં આવ્યો છે તે વિસ્તાર બાબ અલ-મંદેબ જળમાર્ગની નજીક આવેલો છે. આ દરિયાઈ માર્ગ લાલ સમુદ્રને એડનની ખાડી અને હિંદ મહાસાગર સાથે જોડે છે, જ્યાંથી દરરોજ દુનિયાભરના વેપારી જહાજો પસાર થાય છે. હુમલાનો ભોગ બનેલી બોટમાં રહેલા 14 ભારતીયોની વર્તમાન સ્થિતિ અંગે હજી સુધી વિગતવાર વિગતો સામે આવી શકી નથી.
સાઉદી અરેબિયામાં થયેલા હુમલાઓમાં ભારતીયનું મોત
આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે સાઉદી અરેબિયાના દમ્મામ ઍરપૉર્ટ પર થયેલા તાજેતરના હુમલામાં 1 ભારતીય નાગરિકનું મૃત્યુ થયું હતું અને અન્ય 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત શાયબાહ ઓઇલ ફિલ્ડ નજીક પણ ભારતીયો ઘાયલ થયાના અહેવાલો મળ્યા હતા, જેને લઈને ભારત સરકારે અગાઉ ચિંતા વ્યક્ત કરી હતી.
ભારતીય વિદેશ મંત્રાલયે હુમલાની આકરી નિંદા કરી
ભારતીય વિદેશ મંત્રાલયે સાઉદી અરેબિયામાં નાગરિકો અને ઊર્જા સંસાધનો પર થઈ રહેલા હુમલાઓની આકરા શબ્દોમાં ટીકા કરી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે 21 ઑક્ટોબરના રોજ કિંગ ફહદ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ અને શાયબાહ ઓઇલ ફિલ્ડ પર થયેલા હુમલા અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે, જેમાં નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. ભારતે સ્પષ્ટ કર્યું કે સામાન્ય નાગરિકો અને મહત્ત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓને નિશાન બનાવવું બિલકુલ અસ્વીકાર્ય છે. આ સાથે જ ભારતે મુશ્કેલ સમયમાં સાઉદી અરેબિયાની સરકાર અને ત્યાંના લોકો સાથે એકતા દર્શાવી સમગ્ર વિસ્તારમાં શાંતિ સ્થપાય તેવી આશા વ્યક્ત કરી છે.




