Get The App

યુક્રેનમાં હવે લડશે રશિયાના નવા ૩ લાખ સૈનિકો, પુતિનની ન્યુકિલયર ધમકીથી યુરોપમાં દહેશત વધી

રશિયાએ કબજે કરેલા વિસ્તારો યુક્રેને છોડાવી લેતા પુતિન થયા ધુંવાપૂંવા

યુક્રેની સેના લુહાન્સક અને ડોનબાસમાં પણ જોર કરી રહી છે

Updated: Sep 22nd, 2022

GS TEAM

Google News
Google News
યુક્રેનમાં હવે લડશે રશિયાના નવા ૩ લાખ સૈનિકો, પુતિનની ન્યુકિલયર  ધમકીથી યુરોપમાં દહેશત વધી 1 - image


મોસ્કો,૨૨ સપ્ટેમ્બર,૨૦૨૨,ગુરુવાર 

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમેર પુતિને યુક્રેનમાં જીતેલી જમીનના રક્ષણ માટે જરુર પડે ન્યુકલિયર તાકાતની ધમકી આપતા ફરી વાતાવરણ ગરમાયું છે. એટલું જ નહી યુક્રેન અને રશિયા  વચ્ચેના વોર પર ફરી દુનિયાનું ધ્યાન કેન્દ્રીત થઇ રહયું છે. ચેસમાં જેમ નવેસરથી દાવ શરુ થાય તેવી રીતે વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે. રશિયાએ તેના ૩ લાખ રિઝર્વ સૈનિકોને એટેન્શનમાં રહેવાનો આદેશ આપ્યો છે.

આ બીજા વિશ્વયુધ્ધ પછીની સૌથી મોટી સૈન્ય ગતિવિધી છે જેમાં નાગરીકોને પણ જોડવામા આવશે એવા ડરથી કેટલાક નાગરિકો રશિયા છોડી રહયા હોવાનું ન્યૂઝ એજન્સી રોઇટર દ્વારા જણાવવામાં આવ્યું છે. રશિયાના 38 શહેરોમાં યુધ્ધ વિરોધી દેખાવો થયા જેમાં 1200 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

યુક્રેનમાં હવે લડશે રશિયાના નવા ૩ લાખ સૈનિકો, પુતિનની ન્યુકિલયર  ધમકીથી યુરોપમાં દહેશત વધી 2 - image

તાજેતરમાં વ્લાદિમેર પુતિન દેશવાસીઓને ટીવી પર સંબોધન કરી રહયા હતા ત્યારે ટીવી સંદેશના રેકોર્ડિગ દરમિયાન તેમને ખાંસી અને છાતીમાં દુખાવો થયો હોવાનું એક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. તેઓ સંબોધનમાં યુક્રેન પરના આક્રમણની ગતિ વધારવાની જાહેરાત કરી રહયા હતા. ભાષણ રેકોર્ડિગ થઇ રહયું હતું ત્યારે તેમનું સ્વાસ્થ્ય બગડયું હોવાની ચર્ચાએ પશ્ચિમી મીડિયામાં જોર પકડયું છે.

આથી જ તો રાષ્ટ્રજોગ પ્રસારણમાં ૧૩ કલાકની વાર લાગી હતી. જો કે રશિયા સરકારના પ્રવકતાએ આ વાત નકારી કાઢી છે.યુક્રેનની સેનાએ રશિયાએ કબ્જે કરેલા અનેક વિસ્તારોને છેલ્લા બે થી ત્રણ અઠવાડિયામાં ફરી જીતી લીધા છે. ખારકિવ જેવું શહેર જયાંથી રશિયાની સરહદ નજીક થાય છે તે પણ રશિયા સાચવી શકયું નથી.રશિયાએ ન્યુકલીયર ધમકી આપતા યૂરોપ અને પશ્ચીમી દેશો સક્રિય થયા છે. યુક્રેન યુધ્ધ તેના નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહયું છે. 

યુક્રેનમાં હવે લડશે રશિયાના નવા ૩ લાખ સૈનિકો, પુતિનની ન્યુકિલયર  ધમકીથી યુરોપમાં દહેશત વધી 3 - image

નિષ્ણાતોનું માનવું છે કે યુક્રેની સેના લુહાન્સક અને ડોનબાસમાં પણ જોર કરી રહી છે. નિયંત્રણમાં લીધેલા વિસ્તારો પરથી રશિયાનું પ્રભુત્વ ઘટતું જાય છે.રશિયન આર્મી જ ટેકોં અને તોપ છોડીને ખસી ગઇ હતી તેનો ઉપયોગ કરીને યુક્રેન સેના હુમલા કરી રહી છે  ત્યારે વ્લાદિમેર પુતિનની મુંઝવણ વધતી જાય છે. તેઓ સાત મહિનાથી ચાલી રહેલા યુક્રેન સાથેના યુધ્ધને રશિયાનું માન સન્માન જળવાય અને વિજેતા ગણવામાં આવે એવી સ્થિતિએ બંધ કરવા ઇચ્છે છે. રશિયાને યુધ્ધમાં એક પછી એક ફટકા પડયા તે જોતા સૈન્ય કાર્યવાહીમાં ઝડપ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


Tags :