World

ખારકીવમાં રશિયાનો ભીષણ હુમલો: અનેક ઇમારતો ધ્વસ્ત, 10 લોકોના મોત અને 17 ઘાયલ; ઝેલેન્સ્કી લાલઘૂમ

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
યુક્રેનના ખારકીવમાં રશિયાએ મિસાઇલ હુમલો કરતાં 10 લોકોના મોત થયા છે અને 17 ઘાયલ થયા છે. રશિયન સેનાએ પેચેનીહી ગામના વ્યસ્ત ચાર રસ્તાને નિશાન બનાવ્યો, જ્યાં દુકાનો, કાફે અને પોસ્ટ ઑફિસ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયા. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ વળતો જવાબ આપવાની ચેતવણી આપી. આ હુમલામાં બેન્ડેરોલ ક્રૂઝ મિસાઇલનો ઉપયોગ થયો હોવાની આશંકા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખારકીવમાં રશિયાનો ભીષણ હુમલો: અનેક ઇમારતો ધ્વસ્ત, 10 લોકોના મોત અને 17 ઘાયલ; ઝેલેન્સ્કી લાલઘૂમ

Russia Ukraine War : યુક્રેનના ઉત્તર-પૂર્વીય ખારકીવ વિસ્તારમાં રશિયા દ્વારા કરવામાં આવેલા ભીષણ મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા 10 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય 17 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રશિયાએ પેચેનીહી ગામના મધ્ય ભાગને નિશાન બનાવીને આ હુમલો કર્યો હતો, જ્યાં રહેણાંક મકાનોની આસપાસ આવેલી દુકાનો, કાફે અને પોસ્ટ ઑફિસ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે.

ક્યાં અને કેવી રીતે થયો હુમલો?

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી(Volodymyr Zelenskyy)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે, રશિયન સેનાએ સવારના સમયે પેચેનીહી ગામના એક વ્યસ્ત ચાર રસ્તાને નિશાન બનાવ્યો હતો. આ વિસ્તારમાં રહેણાંક મકાનો ઉપરાંત પોસ્ટ ઑફિસ અને અનેક દુકાનો આવેલી હતી. તેમણે હુમલા બાદની તસવીરો પણ શેર કરી હતી, જેમાં ક્ષતિગ્રસ્ત ઈમારતો, આગની લપેટમાં આવેલાં વાહનો અને ઘાયલોને સ્ટ્રેચર પર લઈ જતા બચાવકર્મીઓ જોવા મળે છે.

ઝેલેન્સ્કીએ આપી વળતો જવાબ આપવાની ચેતવણી

આ ઘાતક હુમલા બાદ રાષ્ટ્રપતિએ આકરી પ્રતિક્રિયા આપતાં સ્પષ્ટ કર્યું હતું કે યુક્રેન આ હુમલાનો યોગ્ય જવાબ જરૂર આપશે. ખારકીવ ક્ષેત્રના ગવર્નર ઓલેહ સિનીહુબોવ(Oleh Syniehubov)ના જણાવ્યા અનુસાર, મિસાઇલ હુમલામાં 17 લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત 10 ખાનગી મકાનો, એક કાફે, એક પોસ્ટ ઑફિસ, એક દુકાન અને ઓછામાં ઓછાં 7 વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘટનાસ્થળે ઈમરજન્સી ટીમોએ પહોંચીને કાટમાળમાંથી લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.

હુમલામાં ક્રૂઝ મિસાઇલનો ઉપયોગ થયાની આશંકા

યુક્રેનના પ્રોસિક્યુટર જનરલની કચેરીના પ્રાથમિક અહેવાલો મુજબ, રશિયાએ આ હુમલા માટે બે નાની બેન્ડેરોલ ક્રૂઝ મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો. આ મિસાઇલો સીધી ગામના કેન્દ્રિય ભાગમાં આવીને પડી હતી. જોકે, આ હુમલા અંગે રશિયા તરફથી તાત્કાલિક કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

અગાઉ યુક્રેને મોસ્કો સુધી કર્યો હતો સૌથી મોટો હવાઈ હુમલો

આ હુમલાના બે દિવસ પહેલાં યુક્રેને રશિયાની સરહદથી લઈને છેક મોસ્કો સુધી હજારો ડ્રોન્સ અને મિસાઇલો છોડીને યુદ્ધનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો હતો. જેમાં 1500થી 2000 કિમી દૂર સુધી રશિયન ઊર્જા સુવિધાઓ અને સૈન્ય મથકોને નિશાન બનાવાયા હતા. મોસ્કો વિસ્તારમાં એક ઓનલાઇન રિટેલ કંપનીના ગોદામો સળગી ગયા હતા અને રોસ્તોવ વિસ્તારમાં ગવર્નર યુરી સ્લ્યૂસારના જણાવ્યા મુજબ 5 લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય વિસ્તારો સહિત કુલ 6 લોકો માર્યા ગયા હતા. સમારા ક્ષેત્રના વડા ઈવાન નોસ્કોવએ મિસાઇલ હુમલાને નિષ્ફળ બનાવ્યાનો દાવો કર્યો હતો, છતાં સ્થાનિક ઔદ્યોગિક એકમોને નુકસાન પહોંચ્યું હતું. જેના વળતા પ્રહારમાં રશિયાએ પણ કીવ અને ક્રિવી રિહ પર ભીષણ હુમલા કરીને સ્ટીલ પ્લાન્ટ અને બૂક માર્કેટને નિશાન બનાવ્યા હતા.