રશિયાનું મોટું પગલું, વોટ્સએપ-ટેલિગ્રામ કૉલ પર બૅન, આતંકી પ્રવૃત્તિ રોકવાનું આપ્યું કારણ
Whatsapp and Telegram calls Banned in Russia: રશિયાએ બુધવારે મેસેજિંગ એપ્સ, વોટ્સએપ અને ટેલિગ્રામ પર કૉલિંગને લઈને નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. રશિયાના સરકારી મીડિયાના અહેવાલ મુજબ, આ એપ્સ હવે મુખ્ય વોઈસ સર્વિસ બની ગઈ છે, જેનો ઉપયોગ છેતરપિંડી, પૈસા પડાવવા અને રશિયાના નાગરિકોને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ કરવા માટે થઈ રહ્યો છે. આથી આ પગલું અપરાધ અને છેતરપિંડીને રોકવા માટે લેવામાં આવ્યું છે.
રશિયન સુરક્ષા એજન્સીઓનો દાવો
રશિયન સુરક્ષા એજન્સીઓ દાવો કરી રહી છે કે યુક્રેન ટેલિગ્રામ મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરીને રશિયામાં તોડફોડ તેમજ હુમલા જેવી પ્રવૃત્તિઓ કરવવા માટે લોકોની ભરતી કરી રહ્યું છે. આ જ કારણોસર, રશિયા ઈચ્છે છે કે આ મેસેજિંગ પ્લેટફોર્મ્સ કાયદા અમલીકરણ એજન્સીઓની માંગ પર ડેટા પૂરો પાડે છે.
રશિયાનું કહેવું છે કે આ એપ્સ માત્ર છેતરપિંડીના કેસોમાં જ નહીં, પરંતુ આતંકવાદ સંબંધિત કેસની તપાસ માટે પણ જરૂરી ડેટા ઉપલબ્ધ કરાવે. જ્યાં સુધી આ શરત પૂરી નહીં થાય, ત્યાં સુધી કૉલિંગ ફીચર પર પ્રતિબંધ ચાલુ રહેશે. રશિયાના ડિજિટલ મંત્રાલયે જણાવ્યું કે, 'વિદેશી મેસેન્જર એપ્સમાં કૉલિંગ એક્સેસ ત્યારે જ પુનઃસ્થાપિત થશે, જ્યારે તેઓ રશિયન કાયદાનું પાલન કરવાનું શરૂ કરશે.'
ઓનલાઈન સ્વતંત્રતા પર રશિયાનું કડક વલણ
યુક્રેન પર હુમલો કર્યા પછી, રશિયાએ પ્રેસ અને ઇન્ટરનેટ પરની સ્વતંત્રતા પર કડક નિયંત્રણો મૂક્યા છે. રશિયાએ સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ પર દેખરેખ વધારી દીધી છે. આમ કરવાનો તેમનો ઉદ્દેશ્ય સરકાર વિરુદ્ધની 'ગેરકાયદેસર' કે 'ખતરનાક' કન્ટેન્ટને રોકવાનો છે.
આ પણ વાંચો: માનવાધિકાર ભંગ વિરુદ્ધ ભારતે ઓછી તો પાકિસ્તાને ભાગ્યે જ કાર્યવાહી કરી, અમેરિકાનો રિપોર્ટ
આ મામલે ટેલિગ્રામ અને વોટ્સઅપની પ્રતિક્રિયા
ટેલિગ્રામએ એએફપી (AFP) ને આપેલા નિવેદનમાં કહ્યું કે તે તેના પ્લેટફોર્મનો દુરુપયોગ રોકવા માટે સક્રિયપણે કામ કરે છે. જેમાં હિંસા ભડકાવવી અને છેતરપિંડી જેવા હાનિકારક કન્ટેન્ટને દૂર કરવાનો સમાવેશ થાય છે. ટેલિગ્રામનો દાવો છે કે તે દરરોજ પ્લેટફોર્મ પરથી લાખો હાનિકારક કન્ટેન્ટ હટાવે છે. જયારે આ મામલે વોટ્સઅપ હાલ કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.