'જો ન્યુક્લિયર ટેસ્ટ કરવાનું વિચાર્યું તો પરિણામ ભોગવવું પડશે', રશિયાની અમેરિકાને સીધી ધમકી
Russia Warning US: દુનિયાભરમાં હાલના સમયમાં મોટી ઉથલપાથલ ચાલી રહી છે. આ વચ્ચે રશિયાએ પરમાણુ પરીક્ષણ કરવાનું વિચારી રહેલા દેશોને સીધે-સીધી ધમકી આપી છે. રશિયાના નાયબ વિદેશ મંત્રી સર્ગેઈ રયાબકોવે કહ્યું કે, 'જો કોઈ દેશ પરમાણુ પરીક્ષણ કરવાનો ખોટો અને અસ્થિરતા પેદા કરનારો નિર્ણય લે છે, તો અમે તેને જડબાતોડ જવાબ આપીશું.' આ દરમિયાન રશિયાએ ઇશારામાં અમેરિકાને આડે હાથ લીધું.
તેમણે કહ્યું કે, 'અમેરિકા લાંબા સમયથી પરમાણુ પરીક્ષણો માટે જરૂરી માળખાગત સુવિધાઓ જાળવી રાખી છે. હું ભારપૂર્વક કહેવા માગું છું કે અમેરિકાએ લાંબા સમયથી આવા હેતુઓ માટે તેના માળખાગત સુવિધાઓ તૈયાર રાખી છે. થોડા સમય પહેલા, જ્યારે અમે નવી વ્યૂહાત્મક શસ્ત્ર ઘટાડો સંધિ પર નિર્ણય લીધો ત્યારે અમે આનો ઉલ્લેખ કર્યો હતો.'
તેમણે કહ્યું કે, 'જો પરમાણુ પરીક્ષણ કરવાની ક્ષમતા રાખનારો કોઈ દેશ ખોટો નિર્ણય લે છે તો અમે તાત્કાલિક જવાબી કાર્યવાહી કરીશું. જોકે, અમારી અમેરિકા પર ચાંપતી નજર છે.'
જણાવી દઈએ કે, રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને વલ્દાઈ ઇન્ટરનેશનલ ચર્ચા ક્લબમાં કહ્યું હતું કે, 'અમને ખબર પડી છે કે કોઈ પરમાણુ પરીક્ષણોની તૈયારીઓ કરી રહ્યું છે અને જો આવું થયું તો અમે જવાબી કાર્યવાહી કરીશું.'
રશિયાએ ન્યુક્લિયર ટેસ્ટને લઈને સ્પષ્ટ ચેતવણી આપી છે. રશિયાનું કહેવું છે કે, જો કોઈ પણ દેશ પરમાણુ પરીક્ષણ કરવાની દિશામાં પગલું ભરે છે તો તેને તેનું પરિણામ ભોગવવું પડશે.
જણાવી દઈએ કે, યુક્રેન યુદ્ધને લઈને રશિયા અને અમેરિકાના સંબંધ હાલના દિવસોમાં ખૂબ જ તણાવપૂર્ણ સ્થિતિમાં પસાર થઈ રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ ઇચ્છે છે કે રશિયા જલ્દીથી જલ્દી યુક્રેન યુદ્ધ સમાપ્ત કરી દે. પરંતુ રશિયા પોતાની શરતો પર અડગ છે. જેને લઈને ટ્રમ્પ સતત રશિયા અને પુતિન પર પ્રેશર પણ બનાવી રહ્યા છે પરંતુ રશિયા કોઈપણ કિંમતે ઝૂકવા તૈયાર નથી.