ગાઝા શાંતિ યોજના પર હમાસને મનાવવા માટે ટ્રમ્પ પહોંચ્યા તૂર્કિયે, ડેડલાઈન થઈ ચૂકી છે પૂર્ણ
Donald Trump On Gaza Peace Plan : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈપણ કિંમતે ઈઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ લાવવા ઈચ્છે છે. આ મામલે તેમનો મહત્ત્વપૂર્ણ ગાઝા પીસ પ્લાન તૈયાર છે. પરંતુ આ પ્લાન પર હમાસ હા કે ના વચ્ચે અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે. તેવામાં હવે ટ્રમ્પે હવે તૂર્કિયે પાસેથી મદદ માંગવામાં આવી છે.
તૂર્કિયેના રાષ્ટ્રપ્રમુખે શું કહ્યું?
તૂર્કિયેના રાષ્ટ્રપ્રમુખ રેસેપ એર્દોગનનું કહેવું છે કે, 'અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ગાઝા પીસ પ્લાનને લઈને મદદ માગી છે. ટ્રમ્પ ઈચ્છે કે, અમે આ પીસ પ્લાનને કોઈપણ પ્રકારની શરત વગર સ્વીકારવા માટે હમાસને રાજી કરીએ. આમ હમાસને કોઈપણ રીતે આ પ્લાન માનવા માટે તૈયાર કરવામાં આવે.'
તેમણે કહ્યું કે, 'આ પ્રક્રિયા દરમિયાન અમે હમાસના સંપર્કમાં છીએ. અમે તમામ પક્ષોના સંપર્કમાં છીએ અને તેમને સમજાવી રહ્યા છીએ કે, સૌથી સાચી રીત કઈ છે અને પેલેસ્ટાઇનના લોકો માટે શું સાચુ છે. અમેરિકાની મુલાકાત અને ટ્રમ્પ સાથે ફોનિક વાત દરમિયાન અમે તેમને સમજાવ્યા હતા કે, કોઈપણ રીતે ઉદ્દેશ્યને હાસલ કરી શકાય છે. ટ્રમ્પે અનુરોધ કર્યો છે કે, અમે હમાસ સાથે વાતચીત કરીએ અને આ પીસ પ્લાનને માનવા માટે તૈયાર કરીએ. '
તૂર્કિયેના ઈન્ટેલિજન્સ ચીફ હાજર રહ્યા
તમને જણાવી દઈએ કે, ઇજિપ્તમાં ઈઝરાયલ-હમાસ વાટાઘાટો દરમિયાન તૂર્કિયેના ઈન્ટેલિજન્સ ચીફ ઇબ્રાહિમ કાલિન પણ હાજર હતા. અગાઉ, હમાસે જણાવ્યું હતું કે, ટ્રમ્પની યોજના અંગે ઇજિપ્તમાં થઈ રહેલી વાટાઘાટો અંગે તેઓ આશાપૂર્ણ છે. હમાસે સ્વેપ ડીલ હેઠળ મુક્ત થનારા ઈઝરાયલી બંધકો અને પેલેસ્ટિનિયન કેદીઓની યાદી પણ સુપરત કરી હતી.
પરંતુ હમાસે આ માટે કેટલીક શરતો મુકી છે સંગઠને સ્પષ્ટ કર્યુ છે કે, અમુક શરતો પૂર્ણ કર્યા વગર કરાર શક્ય નથી. ઇજિપ્તના શર્મ અલ-શેખમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે પરોક્ષ વાટાઘાટો થઈ. આ વાટાઘાટો ટ્રમ્પના 20 પોઈન્ટ પ્લાન પર આધારિત છે, જેનો ઉદ્દેશ્ય ગાઝામાં કાયમી શાંતિ સ્થાપવાનો છે.
ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા બે વર્ષથી જંગ યથાવત છે. ગાઝાથી શરૂ થયેલી જંગની અસર મધ્યપૂર્વના બાકીના દેશો સુધી પણ પહોંચી છે. જેમાં ઈઝરાયલના હુમલામાં ગાઝા પૂરી રીતે તબાહ થઈ ગયું છે. બે વર્ષમાં ગાઝામાં 67 હજારથી વધુ પેલેસ્ટિનિયનના મોત થયા છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ મુજબ, યુદ્ધથી ગાઝાને 69 વર્ષ પાછળ ધકેલી દીધુ છે. જેમાં ગાઝામાંથી કાટમાળ હટાવવામાં જ ખાલી 21 વર્ષનો સમય લાગી શકે છે.