રશિયા-યુક્રેન વચ્ચે 7 અઠવાડિયામાં પહેલીવાર શાંતિ મંત્રણા, જાણો શું આવ્યા પરિણામ
Russia Ukraine Ceasefire Update: રશિયા અને યુક્રેન વચ્ચે સાત અઠવાડિયા પછી તુર્કીના ઈસ્તંબુલમાં બેઠક યોજાઈ હતી. આ દરમિયાન સીઝફાયર પર કોઈ સમજૂતી થઈ ન હતી પરંતુ યુદ્ધકેદીઓના વિનિમય પર સંમતિ સધાઈ હતી. યુક્રેનના પ્રતિનિધિમંડળે સીઝફાયર પર પોતાના વિચારો રજૂ કર્યા હતા જોકે, રશિયાની શરતોને કારણે તેના પર સંમતિ સધાઈ ન હતી. ત્યારબાદ સાત અઠવાડિયા પછી યોજાયેલી બંને દેશો વચ્ચેની બેઠક માત્ર એક કલાકમાં જ સમાપ્ત થઈ ગઈ હતી.
અમેરિકા હથિયારો માટે પૈસા વસૂલ કરશે
બીજી તરફ અમેરિકાએ યુક્રેનને હથિયારો આપવાની વાત પણ કરી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે 'હું દરેક હથિયાર માટે પૈસા વસૂલ કરાશે. આ પૈસા યુક્રેનના યુરોપિયન સાથીઓ દ્વારા ચૂકવવામાં આવશે.' આ યુરોપિયન દેશોએ વર્ષ 2022માં યુક્રેનને મદદ કરવા સંમતિ આપી હતી. જો કે તે સમયે અમેરિકા આ દેશોનું પ્રતિનિધિત્વ કરી રહ્યું હતું, પરંતુ હવે અમેરિકા સીઝફાયર કરાવવા માંગે છે, પરંતુ રશિયાની શરતોને કારણે, હાલમાં આ શક્ય બન્યું નથી.
અગાઉ બે વાર બેઠકો યોજાઈ હતી
રશિયા અને યુક્રેન વચ્ચે 16મી મે અને બીજી જૂનના રોજ બે રાઉન્ડની વાતચીત થઈ હતી. આ બેઠકોમાં હજારો યુદ્ધકેદીઓ અને મૃત સૈનિકોના મૃતદેહોનું વિનિમય કરવામાં આવ્યું હતું. તે દરમિયાન સીઝફાયર કરવા અંગે કોઈ ચોક્કસ ચર્ચા થઈ ન હતી. ગયા અઠવાડિયે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે, 'જો 50 દિવસમાં કોઈ કરાર નહીં થાય તો રશિયા અને તેનું ક્રૂડ ખરીદનારા દેશો પર નવા પ્રતિબંધો લાદશે.'
આ પણ વાંચો: ડિજિટલ અરેસ્ટ કરનાર ગેંગ પર કંબોડિયામાં મોટી કાર્યવાહી, 105 ભારતીય સહિત 3075ની ધરપકડ
ઉલ્લેખનીય છે કે, યુક્રેન અમેરિકાના નેતૃત્વ હેઠળના સંગઠન નાટોમાં જોડાવા માંગતો હતો, જે રશિયાના પ્રમુખ પુતિનને ગમ્યું ન હતું. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો. યુક્રેને પણ યુરોપિયન યુનિયનની મદદથી રશિયાને જવાબ આપ્યો, પરંતુ આજે યુક્રેન તબાહ થઈ ગયું છે. આવી સ્થિતિમાં સીઝફાયર એકમાત્ર વિકલ્પ છે પરંતુ રશિયાની શરતોના કારણે તે શક્ય નથી.