Get The App

રશિયામાં યુક્રેનનો ડ્રોન એટેક, ક્રીમિયામાં એક રિસોર્ટને નિશાન બનાવતાં 2ના મોત, 15 ઈજાગ્રસ્ત

Updated: Sep 22nd, 2025

GS TEAM

Google News
Google News
Russia Ukraine War


Russia Ukraine War:  રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે તેની ચરમસીમાએ પહોંચી ગયું છે, જેમાં બંને દેશો એકબીજા પર સતત હુમલા કરી રહ્યા છે. તાજેતરમાં, ગઈ કાલે રાત્રે યુક્રેને ક્રિમીયા પર ડ્રોન હુમલો કર્યો હતો. રશિયાના સંરક્ષણ મંત્રાલયે આ હુમલાની માહિતી આપતા જણાવ્યું કે એક રિસોર્ટને નિશાન બનાવીને કરાયેલા આ હુમલામાં બે લોકોનાં મોત થયાં છે અને 15 લોકો ઘાયલ થયા છે. રશિયાએ આ હુમલાને ઉશ્કેરણીજનક અને તણાવ વધારનારી કાર્યવાહી ગણાવીને યુક્રેનના આ કૃત્યને રશિયાના રહેણાક વિસ્તારમાં કરાયેલ સુનિયોજિત આતંકવાદી હુમલો ગણાવ્યો છે.

સેનેટોરિયમ અને સ્કૂલ પર ડ્રોન હુમલો

ક્રિમીયામાં રશિયાના સેના પ્રમુખ, સર્ગેઈ અક્સ્યોનોવે યુક્રેનના હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, 'યુક્રેને ફોરોસ શહેરમાં એક સેનેટોરિયમ (ઉપચાર કેન્દ્ર) પર ડ્રોન હુમલો કર્યો અને ફોરોસની એક સ્કૂલ પર પણ ડ્રોન પડ્યું, જેનાથી ખાલી મેદાનમાં આગ લાગી ગઈ. આ હુમલા પર યુક્રેને હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. નોંધનીય છે કે 2014થી ક્રિમીયા રશિયાના કબજામાં છે અને તે રશિયાનો ભાગ બની ગયો છે. 1991માં પણ ક્રિમીયા ચર્ચામાં હતું, જ્યારે સોવિયેત રશિયાના રાષ્ટ્રપતિ મિખાઇલ ગોર્બાચેવને ફોરોસમાં નજરકેદ કરાયા હતા.

2014થી બંને દેશો વચ્ચે ચાલી રહ્યું છે યુદ્ધ

રશિયા અને યુક્રેન વચ્ચે વર્ષ 2014થી યુદ્ધ ચાલી રહ્યું છે. 2014માં યુક્રેનમાં 'રિવોલ્યુશન ઓફ ડિગ્નિટી' થયું, જેનો લાભ ઉઠાવીને રશિયાએ ક્રિમીયા પર કબજો કરી લીધો. આ કારણે ડોનેત્સ્ક અને લુહાંસ્કમાં રશિયા અને યુક્રેનની સેના વચ્ચે યુદ્ધ શરૂ થયું. આ તણાવ ધીમે ધીમે વધીને 2022માં પૂર્ણ યુદ્ધનું સ્વરૂપ ધારણ કરી લીધું. 24 ફેબ્રુઆરી, 2022ના રોજ રશિયાએ યુક્રેન પર ઉત્તર, પૂર્વ અને દક્ષિણ દિશાથી જોરદાર હુમલા કર્યા.

આ પણ વાંચો: સાયબર હુમલાથી સતત બીજા દિવસે યુરોપના એરપોર્ટ પાંગળા, હજારો પ્રવાસી અટવાયા

જોકે, કીવ પર કબજો કરવાનો તેમનો પ્રયાસ નિષ્ફળ રહ્યો, પણ રશિયાએ પૂર્વ યુક્રેનના મોટા ભાગમાં પોતાની સેના ગોઠવીને નિયંત્રણ મેળવી લીધું. હવે યુદ્ધ ચરમસીમાએ છે અને અમેરિકા સહિત ઘણા દેશોએ યુદ્ધવિરામ કરાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હજુ સુધી કોઈ પ્રયાસ સફળ રહ્યો નથી. રશિયા પોતાની માંગણીઓ પર અડગ છે અને યુક્રેનને શાંતિના બદલામાં સુરક્ષાની ગેરંટી જોઈએ છે. આ યુદ્ધમાં રશિયાને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે.

રશિયામાં યુક્રેનનો ડ્રોન એટેક, ક્રીમિયામાં એક રિસોર્ટને નિશાન બનાવતાં 2ના મોત, 15 ઈજાગ્રસ્ત 2 - image

Tags :