Get The App

VIDEO: રશિયાએ યુક્રેનની સાથે અમેરિકાનું ટેન્શન વધાર્યું! 'અદ્રશ્ય' ન્યૂક્લિયર મિસાઈલનું પરીક્ષણ કરીને સૌને હચમચાવી દીધા

Updated: Oct 26th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: રશિયાએ યુક્રેનની સાથે અમેરિકાનું ટેન્શન વધાર્યું! 'અદ્રશ્ય' ન્યૂક્લિયર મિસાઈલનું પરીક્ષણ કરીને સૌને હચમચાવી દીધા 1 - image


Russia Tests New Nuclear Missile : યુક્રેન સામેના યુદ્ધ વચ્ચે રશિયાએ અમર્યાદિત રેન્જ અને મહિનાઓ સુધી હવામાં રહેવાની ક્ષમતા ધરાવતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના જણાવ્યા અનુસાર, આ મિસાઇલે તાજેતરમાં 14,000 કિલોમીટરની રેન્જમાં 15 કલાક ઉડાન ભરી હતી. આ સમય દરમિયાન, 'બુરેવેસ્તનિક' નામની આ અદ્રશ્ય મિસાઇલ દુનિયાથી સંપૂર્ણપણે છુપાયેલી રહી હતી.

રવિવારે (26 ઓક્ટોબર) પુતિને રશિયા-યુક્રેન યુદ્ધભૂમિની મુલાકાત લીધી અને ફિલ્ડ કમાન્ડરો સાથે મુલાકાત કરી હતી. સૈનિકોને સંબોધતી વખતે પુતિને બુરેવેસ્તનિક ક્રુઝ મિસાઇલના સફળ પરીક્ષણ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, રશિયાના ચીફ ઓફ ધ જનરલ સ્ટાફ (આર્મી ચીફ) વાલેરી ગેરાસિમોવે જાણકારી આપી હતી કે, 21 ઓક્ટોબરના રોજ મિસાઇલે 14,000 કિલોમીટર ઉડાન ભરી હતી અને વિશ્વની તમામ હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને હરાવવાની તેની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. આ મિસાઈલને વિશ્વની કોઈપણ સંરક્ષણ પ્રણાલી શોધી શકશે નહીં.

બુરેવેસ્તનિક ક્રુઝ મિસાઈલની રેન્જ અમર્યાદિત 

પુતિનના મતે વિશ્વના કોઈપણ દેશ પાસે બુરેવેસ્તનિક ક્રુઝ મિસાઈલ જેવું કંઈ નથી કે જેની રેન્જ અમર્યાદિત હોય. પુતિને જણાવ્યું હતું કે, 'બુરેવેસ્તનિક ક્રુઝ મિસાઈલ એ પરમાણુ એન્જિન દ્વારા સંચાલિત થાય છે અને તેની રેન્જ અમર્યાદિત છે.' આનો અર્થ એ છે કે આ મિસાઈલ વિશ્વના કોઈપણ ખૂણામાં પરમાણુ હથિયારો પહોંચાડવામાં સક્ષમ છે. જોકે, રશિયાએ આ મિસાઈલ સંબંધિત કોઈ પુરાવા રજૂ કર્યા નથી.

32 મહિનાથી યુદ્ધ યથાવત

યુક્રેનમાં યુદ્ધ છેલ્લા 32 મહિનાથી ચાલી રહ્યું છે અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિત અનેક દેશોની મધ્યસ્થી છતાં યુદ્ધ બંધ થવાના કોઈ સંકેત દેખાતા નથી. રશિયાએ ડોનબાસ પ્રદેશ (ડોનેત્સ્ક, લુહાન્સ્ક, ઝપોરિઝિયા અને ખેરસોન) પર વિજય મેળવ્યો છે અને યુક્રેનના લગભગ 20-25 ટકા ભાગ પર કબજો કરી લીધો છે. તાજેતરમાં રશિયન સેનાએ યુક્રેનના સુમી અને ખારકીવ પ્રદેશોમાં પણ આગળ વધવાનું શરૂ કર્યું છે, અને રાજધાની કિવ પર મિસાઇલ હુમલા શરૂ કર્યા છે. છેલ્લા સાડા ત્રણ વર્ષમાં રશિયાએ યુક્રેનિયન લશ્કરી ઠેકાણાઓ પર અસંખ્ય મિસાઈલ દ્વારા હુમલો કર્યો છે. 

બુરેવેસ્તનિક ક્રુઝ મિસાઈલની ખાસિયત

9M730 બુરોવેસ્તનિક એક ગ્રાઉન્ડ લોન્ચ્ડ, લો-ફ્લાઈિંગ ક્રુઝ મિસાઇલ છે જે પરમાણુ શસ્ત્રો વહન કરી શકે છે અને પરમાણુ રિએક્ટર દ્વારા સંચાલિત છે. મિસાઈલની અમર્યાદિત રેન્જ એની અનોખી વિશેષતા છે. ન્યુક્લિયર થ્રેટ ઇનિશિયેટિવના અહેવાલ મુજબ, આ મિસાઇલ ઘણા દિવસો સુધી હવામાં રહી શકે છે અને ઓછી ઊંચાઈએ ઉડાન ભરીને રડાર સિસ્ટમથી બચી શકે છે. 50 થી 100 મીટરની ઊંચાઈએ ઉડતી વખતે, તે દુશ્મન માટે વર્ચ્યુઅલ રીતે અદ્રશ્ય રહે છે. નાટોએ તેને SSC-X-9 સ્કાયફોલ નામ આપ્યું છે.

યુનાઇટેડ સ્ટેટ્સ પર પ્રહાર કરવાની ક્ષમતા

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ (IISS) અનુસાર, આ મિસાઇલ 20,000 કિલોમીટર સુધીની રેન્જ ધરાવે છે, એટલે કે રશિયાથી છોડવામાં આવેલી મિસાઇલ યુનાઇટેડ સ્ટેટ્સના કોઈપણ ભાગ સુધી પહોંચી શકે છે. રિપોર્ટ અનુસાર, આ મિસાઇલ વોશિંગ્ટન, ન્યુ યોર્ક અને કેલિફોર્નિયા જેવા શહેરો સહિત સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સને નિશાન બનાવવામાં સક્ષમ છે.

આ પણ વાંચો: અમેરિકા ચીન પર લાગેલો 100 ટકા ટેરિફ હટાવશે! સ્કોટ બેસન્ટે કહ્યું- 'બંને દેશો વચ્ચે સહમતી...'

પશ્ચિમી દેશોમાં ચિંતા

ઘણા પશ્ચિમી નિષ્ણાતોએ મિસાઇલની ક્ષમતાઓ પર સવાલો ઉઠાવ્યા છે. તેમનો દલીલ છે કે, આટલી લાંબી રેન્જ અને પરમાણુ સંચાલિત મિસાઇલ રેડિયેશનનું જોખમ ઊભું કરી શકે છે. વધુમાં, મિસાઇલની ધીમી ગતિ તેને સરળતાથી ટ્રેક કરી શકાય છે. આ મિસાઇલ અગાઉ ઘણી પરીક્ષણ નિષ્ફળતાઓનો અનુભવ કરી ચૂકી છે.

Tags :