‘રશિયાના વેપાર ભાગીદારો પર દબાણ ન કરો’ ટ્રમ્પની ટેરિફ ધમકી મામલે પુતિનનું ભારતને સમર્થન
Russia Slams Trump For Threatening India : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા સમયથી ભારત-રશિયાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારત મોટા પ્રમાણમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદતું હોવાથી ટ્રમ્પને ભારે વાંધો પડ્યો છે. આ જ કારણે તેમણે તાજેતરમાં જ ભારત પર ટેરિફ અને પેનલ્ટી લાદવાની ધમકી આપી હતી. હવે આ મામલે રશિયા ભારતના સમર્થનમાં ઉતર્યું છે. રશિયાએ કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ અમારો ભારત જેવા દેશોથી વેપાર ખતમ કરવા માટે ગેરકાયદેસર રીતે દબાણ કરી રહ્યા છે.
ટ્રમ્પ અન્ય દેશોને મજબૂર કરી રહ્યા છે : રશિયા
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે, અમે છેલ્લા ઘણા સમયથી ધમકીભર્યા ઘણા નિવેદનો સાંભળી રહ્યા છીએ. આવી ધમકીઓ આપીને રશિયા સાથે વેપાર ખતમ કરવા અન્ય દેશોને મજબૂર કરવામાં પ્રયાસ થઈ રહ્યો છે. અમે આવા નિવેદનને યોગ્ય માનતા નથી. અમારું માનવું છે કે, સંપ્રભુ દેશો પાસે પોતાના વેપાર ભાગીદાર, વેપાર અને આર્થિક સહયોગ માટે ભાગીદાર પસંદ કરવાનો અધિકાર હોવો જોઈએ અને તે છે. દેશોના હિતમાં હોય તેમ વેપાર અને આર્થિક સહયોગ માટે ભાગીદાર પસંદ કરવાનો અધિકાર હોવો જોઈએ.’
ભારતે પણ આપ્યો ટ્રમ્પને જવાબ
ટ્રમ્પે ભારત પર રશિયામાંથી ક્રૂડ ખરીદવા બદલ ભારે પેનલ્ટી લાદવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ભારતે સ્પષ્ટતા કરી દીધી છે કે, તે કોઈના દબાણમાં આવશે નહીં. જો ભારત કોઈપણ કારણોસર રશિયામાંથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરશે તો, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવોમાં ભારે ઉછાળો આવશે. જેની સીધી અસર ભારત કરતાં અમેરિકા પર સૌથી વધુ પડશે. કારણકે, અમેરિકા વિશ્વમાં બીજું સૌથી મોટુ ક્રૂડ આયાતકાર છે.
ટ્રમ્પે શું કહ્યું હતું?
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર ભારત પર ટેરિફ વધારવાની ધમકી આપી હતી. તેમણે લખ્યું હતું કે, ‘ભારત રશિયા પાસેથી મોટાપ્રમાણમાં ક્રૂડ ખરીદી રહ્યું છે. એટલું જ નહીં તે ખરીદાયેલા ક્રૂડનો મોટો હિસ્સો માર્કેટમાં વેચીને જંગી નફો પણ કમાઈ રહ્યું છે. ભારતને એ ચિંતા નથી કે, રશિયાના યુદ્ધથી યુક્રેનમાં કેટલા લોકો મરી રહ્યા છે. તેથી જ હું ભારત પર ટેરિફ વધારી રહ્યો છે.