ટ્રમ્પ વિરુદ્ધ પુતિનનો માસ્ટરસ્ટ્રોક, 38 વર્ષ જૂની સંધિ તોડી; હવે શું કરશે અમેરિકા?
Russia America Tension: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ વચ્ચે રશિયાએ એક મોટો નિર્ણય લીધો છે. રશિયાએ નાની અને મધ્યમ-અંતરની મિસાઈલોની તૈનાતી પર જે પ્રતિબંધ લગાવ્યો હતો, તે હવે પાછો ખેંચી લીધો છે. રશિયાના વિદેશ મંત્રાલયે સોમવારે કહ્યું કે, હવે અમે આ મિસાઈલોની તૈનાતી પરના પ્રતિબંધથી બંધાયેલા નથી, કારણ કે આ પ્રતિબંધ જાળવી રાખવા માટેની શરતો પૂરી થઈ ગઈ છે.
ટ્રમ્પના આદેશ પર રશિયાનો વળતો પ્રહાર
રશિયાએ આ પગલું અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રશિયાના દરિયાકિનારે અમેરિકાની બે પરમાણુ સબમરીન તૈનાત કરવાનો આદેશ બાદ લીધું છે. તેમજ ટ્રમ્પના આ આદેશ બાદ રશિયા અને અમેરિકા વચ્ચે તણાવ પણ વધુ વધી ગયો છે.
38 વર્ષ જૂનો કરાર તોડ્યો
વર્ષ 1987માં રશિયા અને અમેરિકા વચ્ચે એક કરાર થયો હતો કે બંને દેશો 500 થી 5500 કિલોમીટરની રેન્જવાળી મિસાઈલ લોન્ચર, ગ્રાઉન્ડ-લોન્ચ બેલિસ્ટિક મિસાઈલ અને ક્રૂઝ મિસાઈલ તૈનાત નહીં કરે. પરંતુ વર્ષ 2019માં અમેરિકા આ કરારમાંથી બહાર નીકળી ગયું હતું.
રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ મામલે તેની વારંવારની ચેતવણીઓને અવગણવામાં આવી. અમે નક્કી કર્યું હતું કે અમે આવી મિસાઈલો ત્યારે જ તૈનાત કરીશું જ્યારે અમેરિકા આવું કોઈ પગલું ભરશે. હવે જ્યારે અમેરિકા સબમરીન તૈનાત કરી રહી છે, ત્યારે અમે પણ મિસાઈલોની તૈનાતી પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે.
અમેરિકા અને રશિયા વચ્ચે વિવાદ ક્યાંથી શરૂ થયો?
અહેવાલો અનુસાર, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ અને વધારાનો દંડ લાદવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 'ભારત પર દંડ એટલા માટે લાદવામાં આવ્યો છે કારણ કે તે સતત રશિયા પાસેથી લશ્કરી સાધનો ખરીદી રહ્યું છે.' આ દરમિયાન ટ્રમ્પે રશિયાના પૂર્વ પ્રમુખ દિમિત્રી મેદવેદેવનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, 'રશિયાના નિષ્ફળ પૂર્વ પ્રમુખ દિમિત્રી મેદવેદેવ હજુ પણ માને છે કે તે રશિયાના પ્રમુખ છે. તે જે બોલે છે તેનાથી સાવધાની રાખવી જોઈએ. તે ખૂબ જ ખતરનાક ક્ષેત્રમાં પ્રવેશી રહ્યા છે.'
આ પણ વાંચો: 'થોડું સાચવીને બોલો', ન્યુક્લિયર સબમરીનની ધમકી મામલે રશિયાની ટ્રમ્પને ચેતવણી
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જવાબ આપતા રશિયાના પૂર્વ પ્રમુખ દિમિત્રી મેદવેદેવે કહ્યું કે, 'ટ્રમ્પના દરેક નવા અલ્ટીમેટમથી રશિયા અને અમેરિકા વચ્ચે યુદ્ધનું જોખમ વધારી શકે છે.' ત્યારબાદ ટ્રમ્પે રશિયાની નજીકના વિસ્તારોમાં બે પરમાણુ સબમરીન તૈનાત કરવાનો આદેશ આપ્યો હતી.
હવે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવેની પ્રતિક્રિયા સામે આવી છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન જ્યારે દિમિત્રી પેસ્કોવેને પૂછવામાં આવ્યું કે શું ક્રેમલિનએ પૂર્વ પ્રમુખ મેદવેદેવને ટ્રમ્પ સાથેની તેમની ઓનલાઈન વાતચીતમાં સંયમ રાખવાની સલાહ આપી હતી? ત્યારે પેસ્કોવે સીધો જવાબ આપવાનો ઇનકાર કર્યો.