'થોડું સાચવીને બોલો', ન્યુક્લિયર સબમરીનની ધમકી મામલે રશિયાની ટ્રમ્પને ચેતવણી
America-Russia Tensions: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાની નજીકના વિસ્તારોમાં બે પરમાણુ સબમરીન તહેનાત કરવાનો આદેશ આપ્યો હતો. હવે રશિયાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે, 'ટ્રમ્પના નિવેદનો પહેલા જ અમેરિકાની સબમરીન ફરજ પર હતી. અમારું માનવું છે કે, દરેક વ્યક્તિએ પરમાણુ સંબંધિત સાચવીને બોલવું જોઈએ.'
અમેરિકા અને રશિયા વચ્ચે વિવાદ ક્યાંથી શરૂ થયો?
અહેવાલો અનુસાર, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ અને વધારાનો દંડ લાદવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 'ભારત પર દંડ એટલા માટે લાદવામાં આવ્યો છે કારણ કે તે સતત રશિયા પાસેથી લશ્કરી સાધનો ખરીદી રહ્યું છે.' આ દરમિયાન ટ્રમ્પે રશિયાના પૂર્વ પ્રમુખ દિમિત્રી મેદવેદેવનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, 'રશિયાના નિષ્ફળ પૂર્વ પ્રમુખ દિમિત્રી મેદવેદેવ હજુ પણ માને છે કે તે રશિયાના પ્રમુખ છે. તે જે બોલે છે તેનાથી સાવધાની રાખવી જોઈએ. તે ખૂબ જ ખતરનાક ક્ષેત્રમાં પ્રવેશી રહ્યા છે.'
આ પણ વાંચો: બ્રાઝિલમાં પૂર્વ રાષ્ટ્રપતિ બોલસોનારો હાઉસ અરેસ્ટ, સત્તાપલટાનું ષડ્યંત્ર રચવાનો આરોપ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જવાબ આપતા રશિયાના પૂર્વ પ્રમુખ દિમિત્રી મેદવેદેવે કહ્યું કે, 'ટ્રમ્પના દરેક નવા અલ્ટીમેટમથી રશિયા અને અમેરિકા વચ્ચે યુદ્ધનું જોખમ વધારી શકે છે.' ત્યારબાદ ટ્રમ્પે રશિયાની નજીકના વિસ્તારોમાં બે પરમાણુ સબમરીન તહેનાત કરવાનો આદેશ આપ્યો હતી.
હવે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવેની પ્રતિક્રિયા સામે આવી છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન જ્યારે દિમિત્રી પેસ્કોવેને પૂછવામાં આવ્યું કે શું ક્રેમલિનએ પૂર્વ પ્રમુખ મેદવેદેવને ટ્રમ્પ સાથેની તેમની ઓનલાઈન વાતચીતમાં સંયમ રાખવાની સલાહ આપી હતી? ત્યારે પેસ્કોવે સીધો જવાબ આપવાનો ઇનકાર કર્યો.
અમેરિકા પાસે કેટલી અને કયા પ્રકારની પરમાણુ સબમરીન છે?
• શિપ સબમર્સિબલ બેલિસ્ટિક ન્યુક્લિયર (SSBN) - આ સબમરીન પરમાણુ હથિયારોથી સજ્જ છે અને વ્યૂહાત્મક રીતે દુશ્મનને ડરાવવાનું કામ કરે છે.
• સબમર્સિબલ શિપ ન્યુક્લિયર(SSN) - આ હાઇ-સ્પીડ સબમરીન દુશ્મન જહાજો અને અન્ય સબમરીનનો ખાતમો કરવા માટે બનાવવામાં આવી છે.
• સબમર્સિબલ શિપ ગાઇડેડ ન્યુક્લિયર (SSGN) - આમાં લાંબા અંતરની મિસાઇલો છે, જે દૂરથી કોઈપણ લક્ષ્યને નિશાન બનાવી શકે છે.