પુતિન એમના ખાસ અધિકારીને ભારત મોકલશે, ભારત માટે ટ્રમ્પના ટેરિફનો તોડ શોધ્યો!
Russia Counters US Tariffs: અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફ વચ્ચે રશિયાના ઉપપ્રમુખ દિમિત્રી પાત્રુશેવ સપ્ટેમ્બર મહિનામાં દિલ્હીની મુલાકાત લઈ શકે છે. તે કૃષિ ક્ષેત્રના નિષ્ણાત છે અને તેમની મુલાકાતનો મુખ્ય હેતુ ભારતમાંથી ઝીંગા આયાત અને ખાતરનો પુરવઠો વધારવાનો છે. ભારત અમેરિકાનો ઝીંગાનો સૌથી મોટો સપ્લાયર છે, પરંતુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યા બાદ વેપારને ભારે ફટકો પડ્યો છે. નિષ્ણાતો માને છે કે રશિયા ભારતીય ઝીંગા નિકાસકારો માટે એક આકર્ષક બજાર બની શકે છે.
દિમિત્રી પાત્રુશેવની મુલાકાતનો એજન્ડા
અહેવાલો અનુસાર, રશિયાના ઉપપ્રમુખ દિમિત્રી પાત્રુશેવ દ્વિપક્ષીય વેપાર સંબંધોને મજબૂત બનાવવા માટે ભારતીય મંત્રીઓને મળી શકે છે. અમેરિકા ભારતીય ઝીંગા માટે સૌથી મોટું બજાર રહ્યું છે, જ્યાં વાર્ષિક અબજો ડૉલરનો વેપાર થાય છે. જો કે, ટ્રમ્પના ટેરિફથી આ વેપાર પર અસર પડી છે. હવે ભારતીય ઝીંગા નિકાસકારોને અમેરિકા બજારમાં ઇક્વાડોર, ઇન્ડોનેશિયા, વિયેતનામ અને ચીન જેવા દેશો તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં રશિયાનું ઝીંગા બજાર ભારત માટે રાહતનો માર્ગ બની શકે છે.
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પનું ટેરિફ અમેરિકાને જ ભારે પડશે, 10 લાખ લોકો સામે ગરીબીમાં ધકેલાવાનું જોખમ
ટેરિફ અંગે અમેરિકાનું દબાણ
ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત સામે અનેક ટેરિફ લાદ્યા છે, જેના કારણે ભારતીય ઝીંગા આયાત પરનો કુલ ટેરિફ દર 58 ટકાથી વધુ થઈ શકે છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે માંગ કરી રહ્યા છે કે તેમના G-7 સાથી દેશો પણ ભારત પર ટેરિફ લાદે. આ સંદર્ભમાં શુક્રવારે (12મી સપ્ટેમ્બર) યોજાયેલી G-7 વિદેશ મંત્રીઓની બેઠકમાં અમેરિકાએ ભારત અને ચીન સામે ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો.
ભારતનું શું વલણ છે?
અમેરિકાનો આરોપ છે કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદીને યુક્રેનમાં પુતિનના યુદ્ધને ભંડોળ પૂરું પાડી રહ્યું છે. જો કે, ભારતે આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તે અન્યાયી છે. દેશે રાષ્ટ્રીય હિત, બજારની સ્થિતિ અને ઊર્જા સુરક્ષા માટે પોતાની નીતિને યોગ્ય ઠેરવી છે.