Russia Ukraine War: રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે હાલ ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે રશિયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે યુક્રેને રશિયાના પ્રમુખ પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોનથી હુમલો કરવાની કોશિશ કરી છે, જો કે યુક્રેને આ દાવાના તમામ આરોપોને ખોટા ગણાવી ફગાવી દીધા છે. અને કહ્યું છે કે રશિયા શાંતિ વાર્તાને નબળું પાડવાની કોશિશ કરી રહ્યું છે.
'91 ડ્રોન દ્વારા એટેક કરવાનો પ્રયાસ..'
રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું કે રશિયાના નોવગોરોડ ક્ષેત્રમાં રાષ્ટ્ર પ્રમુખના નિવાસસ્થાન પર લાંબા અંતરના 91 ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ થયો, જે રાત્રે ફાયર કરવામાં આવ્યા હતા. રશિયન એર ડિફેન્સ સિસ્ટમે તેને તોડી પાડયા છે. ઘટનામાં કોઈ કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી.
જવાબી કાર્યવાહીની તૈયારી
હુમલાનો દાવો કરી રશિયાના વિદેશમંત્રીએ યુક્રેનને ચેતવણી આપી હતી કે આવી કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. રશિયન સેનાએ હુમલો કરવા લક્ષ્ય નક્કી કરી લીધા છે. આ યુક્રેન પ્રાયોજિત આતંકવાદ છે, આવા લાપરવાહી ભર્યા પગલાંનો જવાબ મળશે.
'રશિયા વાતચીતમાંથી ખસી જશે નહીં'
લાવરોવેએ એમ પણ કહ્યું હતું કે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે સંભવિત યુક્રેની શાંતિ કરાર અંગે વાટાઘાટો ચાલી રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે રશિયા વાતચીતમાંથી ખસી જશે નહીં, પરંતુ હવે સ્થિતિની સમીક્ષા કરશે., મહત્વનું વાત એ છે કે રશિયા દાવો કરી રહ્યું છે કે રશિયાના પ્રમુખ નિવાસસ્થાન પર હુમલો કરવાની કોશિશ થઈ પણ એ સ્પષ્ટ કર્યું નથી કે હુમલો જ્યારે થયો ત્યારે પુતિન તે નિવાસ સ્થાને હાજર હતા કે નહીં?
આ પણ વાંચો: ટ્રમ્પની આ એક બેઠકના કારણે 1 કલાકમાં 21 હજાર રૂપિયા સસ્તી થઈ ચાંદી? જાણો કારણો
ઝેલેન્સ્કીએ તમામ આરોપોને નકારી કાઢ્યા
બીજી તરફ યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ રશિયાના આરોપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે 'રશિયાના દાવા શાંતિ વાટાઘાટોને નબળી પાડવાનો પ્રયાસ છે, જે તદ્દન ખોટા છે, રશિયા આવા આરોપો જડી કિવમાં સરકારી ઇમારતો પર હુમલા માટે જમીન તૈયાર કરી રહ્યું છે. રશિયા આ રીતે પહેલા પણ કિવ અને કેબિનેટ મંત્રીઓના નિવાસસ્થાનને નિશાન બનાવી ચૂક્યું છે, રશિયા ટ્રમ્પ સાથેની બેઠકમાં થતી કૂટનૈતિક વાતોને ખતરનાક નિવેદનો આપી શાંતિ વાર્તાનો રસ્તો ભટકાવી રહ્યું છે.'


