એક બાજુ ટ્રમ્પ-પુતિનની ચાલી રહી હતી મહામુલાકાત, બીજી બાજુ રશિયાએ યુક્રેનમાં કર્યો મોટો કાંડ!
Russia Ukraine War: જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં વાતચીત ચાલી રહી હતી, ત્યારે મોસ્કો યુક્રેનમાં મોટી યોજનાઓ પાર પાડી રહ્યું હતું. રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તેમની સેનાએ યુક્રેનના બે ગામો પર કબજો કરી લીધો છે.
રશિયાનો બે ગામો પર કબ્જો
રશિયાના સંરક્ષણ મંત્રાલય મુજબ, યુક્રેનના ડોનેત્સ્ક વિસ્તારમાં આવેલું કોલોડીયાજી ગામ અને પડોશી નિપ્રોપેટ્રોવસ્ક વિસ્તારમાં આવેલું વોરોન ગામ હવે મોસ્કોના નિયંત્રણમાં છે. યુક્રેનના અધિકારીઓ અનુસાર, રશિયાએ રાત્રે યુક્રેન પર 85 હુમલાખોર ડ્રોન અને એક બેલિસ્ટિક મિસાઈલ છોડી હતી.
ઝેલેન્સકીની પ્રતિક્રિયા
અલાસ્કામાં ટ્રમ્પ અને પુતિનની બેઠક પહેલા, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું હતું કે, રશિયાનું યુદ્ધ સમાપ્ત કરવાનો કોઈ ઇરાદો નથી. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું કે, 'જે દિવસે ટ્રમ્પ-પુતિનની બેઠક છે તે દિવસે પણ રશિયા હત્યાઓ કરી રહ્યું છે, જે ઘણું બધું કહે છે.'
બેઠકમાં કોઈ સમજૂતી થઈ નહીં
અલાસ્કામાં પુતિન અને ટ્રમ્પ વચ્ચે લગભગ અઢી કલાક સુધી ચાલેલી બેઠકમાં યુદ્ધ સમાપ્ત કરવા પર વાત તો થઈ, પરંતુ તેના પર કોઈ અંતિમ સમજૂતી થઈ નહીં. પુતિને આ યુદ્ધને 'ટ્રેજેડી' ગણાવ્યું અને ટ્રમ્પને આગલી મુલાકાત માટે મોસ્કો આવવાનું આમંત્રણ આપ્યું. હાલમાં, બંને નેતાઓ વચ્ચે યુદ્ધવિરામ પર કોઈ સહમતિ બની નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ શનિવારે (16 ઓગસ્ટ, 2025) કહ્યું કે, પુતિન સાથે ટ્રમ્પની શિખર વાર્તા પછી તેઓ સોમવારે (18 ઓગસ્ટ) વોશિંગ્ટનમાં ટ્રમ્પને મળશે.
જોકે અલાસ્કાની બેઠકમાં કોઈ અંતિમ નિર્ણય આવ્યો ન હતો, પણ ટ્રમ્પ માને છે કે આ મુદ્દા પર વાતચીત શરૂ થઈ છે. ટ્રમ્પ અનુસાર, કેટલાક મુદ્દાઓ પર સહમતિ બની છે, પરંતુ કેટલાક મુદ્દાઓ હજી બાકી છે. તેમણે જલ્દી જ ઝેલેન્સકી અને યુરોપિયન નેતાઓ સાથે વાત કરવાની વાત પણ કહી.