| પ્રતિકાત્મક તસવીર |
Russia Attack On Ukraine : યુક્રેનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર પર રશિયાનો વધુ એક ભીષણ હુમલો થયો છે. આ મામલે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે, રશિયાએ 450થી વધુ ડ્રોન અને 30 મિસાઇલોથી યુક્રેનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલો કર્યો છે, જેના કારણે ઘણાં વિસ્તારોમાં વીજળી અને પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે. કટોકટી સેવાઓ તેને પુનઃસ્થાપિત કરવા માટે અથાક મહેનત કરી રહી છે.
ઝેલેન્સકીએ શું કહ્યું?
ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયામાં કહ્યું કે, 'રશિયાએ ફરી એકવાર યુક્રેનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર નિશાન બનાવ્યું છે. દક્ષિણ યુક્રેન અને ઓડેસા ક્ષેત્રમાં થયેલા હુમલામાં બે લોકો ઘાયલ થયા છે. રાતોરાત થયેલા હુમલાઓમાં એક ડઝનથી વધુ નાગરિક સુવિધાઓને નુકસાન થયું છે અને હજારો પરિવારો વીજળીથી વંચિત થયા છે. વીજળી ગુલ થવાથી પ્રભાવિત વિસ્તારોમાં કિરોવોહ્રાદ, માયકોલાઈવ, ઓડેસા, સુમી, ખાર્કિવ, ખેરસન અને ચેર્નિહાઈવનો સમાવેશ થાય છે.'
તેમણે વધુમાં જણાવ્યું કે, રશિયાના હુમલા બાદ અધિકારીઓ સ્થિતિને સ્થિર કરવા અને આવશ્યક સેવાઓ પ્રદાન કરવા માટે જરૂરી કામગીરી કરી રહ્યા છે. આ હુમલાથી જણાય છે કે, રશિયાને યુદ્ધ ખત્મ કરવાનો કોઈ ઈરાદો લાગતો નથી. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને મોસ્કોની કાર્યવાહીને સ્પષ્ટપણે ઓળખવા આગ્રહ કર્યો છે.


