Get The App

ઈઝરાયલ-ઈરાન શાંત થયા ત્યાં રશિયાનો યુક્રેન પર મોટો હુમલો, 16 નાગરિકોના મોત, 100 ઘાયલ

Updated: Jun 25th, 2025

GS TEAM

Google News
Google News
ઈઝરાયલ-ઈરાન શાંત થયા ત્યાં રશિયાનો યુક્રેન પર મોટો હુમલો, 16 નાગરિકોના મોત, 100 ઘાયલ 1 - image


Russia vs Ukrain War Updates : યુક્રેનમાં રશિયાએ ડ્રોન, મિસાઇલ અને તોપથી કરેલા હુમલામાં ઓછામાં ઓછા 16 લોકોનાં મોત થયા છે અને 100 લોકો ઘાયલ થયા છે તેમ યુક્રેનના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે હજુ તો ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થયું જ છે ત્યાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ વકરવા લાગી છે. 

બીજી તરફ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીએ પશ્ચિમી દેશો પાસે સૈન્ય મદદની માંગ કરી છે. તે નેધરલેન્ડના હેગ શહેરમાં નાટો શિખર સંમેલનમાં ભાગ લઇ રહેલા નેતાઓને મળશે. તેમનો ઉદ્દેશ યુક્રેનની સુરક્ષા માટે ભવિષ્યની સહાયતા સુનિશ્ચિત કરવાનો છે.

મંગળવાર બપોરે રશિયાએ યુક્રેનના ડનિપ્રો શહેર પર બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો હતો. જેમાં સાત નાગરિકોનાં મોત થયા હતાં અને 70થી વધુ લોકો ઘાયલ થયા હતાં. 

ડનિપોની પાસે આવેલા સમર શહેરમાં કરવામાં આવેલા હુમલામાં બે લોકોનાં મોત થયા હતાં અને 9 લોકો ઘાયલ થયા હતાં. 

ડનિપોના મેયર બોરિસ ફિલાટોવે જણાવ્યું હતું કે આ હુમલામાં 19 સ્કૂલ, 10 કિંડરગાર્ડન, એક સંગીત વિદ્યાલય, એક સામાજિક સેવા કાર્યાલય અને આઠ મેડિકલ સેન્ટરને નુકસાન થયું છે. 

ચોથા વર્ષમાં પ્રવેશેલા રશિયા-યુક્રેન યુદ્ધમાં અનેક નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા છે. યુનાઇટેડ નેશન્સના જણાવ્યા અનુસાર યુદ્ધમાં 12000 યુક્રેનિયન નાગરિકોનાં મોત થયા છે. 

રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે રશિયન એર ડિફેન્સ ફોર્સિસે ૨૦ યુક્રેનિયન ડ્રોન તોડી પાડયા હતાં. એક ડ્રોન મોસ્કોની પાસે આવેલ ઇમારત પર પડતા 17મા માળે આગ લાગી હતી. જેના કારણે એક યુવાન ઘાયલ થયો હતો. મોસ્કોના બે એરપોર્ટ પર સાવચેતીના ભાગરૂપે થોડાક સમય માટે એર ટ્રાફિક બંધ કરવામાં આવ્યું હતું.

Tags :