Get The App

Explainer : કાટ લાગેલા જહાજ માટે કેમ સામસામે આવ્યા વિશ્વના 2 સુપરપાવર દેશો?

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
Explainer : કાટ લાગેલા જહાજ માટે કેમ સામસામે આવ્યા વિશ્વના 2 સુપરપાવર દેશો? 1 - image


Russia-America On Rusted Oil Tanker : કાટ લાગેલા ઓઈલ ટેન્કરની પાછળ રશિયા અને અમેરિકાએ તેની પૂરી તાકાત લગાવી દીધી છે. બંને દેશો વચ્ચે ખાલી ટેન્કરને લઈને તણાવ વધી રહ્યો છે અને રશિયાએ બેલા-1 નામથી ઓળખાતા મેરિનેરાને સુરક્ષા આપવા માટે સબમરીન અને તેની નૌસેનાને તૈનાત કરી દીધી છે. પરંતુ અઠવાડિયાની સંતાકૂકડી બાદ અમેરિકાએ હવે ઓઈલ ટેન્કરને જપ્ત કરી લીધું છે. ચાલો જાણીએ, કાટ લાગેલા જહાજ માટે વિશ્વના 2 સુપરપાવર દેશો કેમ સામસામે છે? 

અમેરિકન ફોર્સે બુધવારે એટલાન્ટિક મહાસાગરમાં રશિયા ઝંડા વાળા ઓઈલ ટેન્કર પર ચઢીને કબકો કર્યો છે. જૂના અને કાટ લાગેલા ટેન્કરને અમેરિકાએ 2024માં પ્રતિબંધ કર્યો હતો. અમેરિકાનું કહેવું છે કે, 'આ જહાજ ગેરકાયદે ઈરાની ઓઈલના પરિવહનમાં રોકાયેલા ટેન્કરોના 'શેડો ફ્લીટ'નો ભાગ હતું.'

ટેન્કરનો પીછો કર્યો યુએસ કોસ્ટ ગાર્ડે 

ગયા મહિને યુએસ કોસ્ટ ગાર્ડે ઓઈલ લેવા માટે વેનેઝુએલા જઈ રહેલા જહાજને કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન જહાજ પર ગુયાનાનો ઝંડો લહેરાતો હતો. જોકે, જહાજના ક્રૂએ બોર્ડિંગની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો અને અચાનક રસ્તો બદલીને એટલાન્ટિક મહાસાગર તરફ આગળ વધ્યું હતું. 

યુએસ અને રશિયા વચ્ચે તણાવ વધ્યો

ત્યારબાદ બેલા-1 ના ક્રૂએ યુએસ ફોર્સથી બચવા માટે જહાજની બાજુમાં રશિયન ધ્વજ દોર્યો અને તે રશિયન શિપિંગ રજિસ્ટરમાં "મેરિનેરા"ના નવા નામથી દર્શાવવામાં આવ્યું. જેમ-જેમ જહાજ યુરોપ તરફ આગળ વધ્યું, રશિયાએ તેના રક્ષણ માટે એક સબમરીન મોકલી. આ સાથે રશિયાએ તેની નૌસેના પણ તૈનાત કરી છે, જેના કારણે યુએસ અને રશિયા વચ્ચે તણાવ વધ્યો છે.

બ્રિટને ટેન્કરને જપ્ત કરવામાં કરી મદદ 

મીડિયા રિપોર્ટ અનુસાર, ટેન્કરને જપ્ત કરતા પહેલા અમેરિકાએ બ્રિટનમાં પોતાની સેના તૈનાત કરી હતી. તાજેતરના દિવસોમાં બ્રિટનમાં V-22 ઓસ્પ્રે વિમાનો ઉડતા જોવા મળ્યા છે. ફ્લાઇટ ડેટા દર્શાવે છે કે, આ વિમાનો ફેરફોર્ડ એર બેઝથી તાલીમ મિશન ચલાવી રહ્યા હતા. રવિવારે બ્રિટનના મિલ્ડનહોલ એર બેઝ પર બે AC-130 ગનશીપ આવતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: પાકિસ્તાનના PM શહબાઝ શરીફની થશે ધરપકડ ! વિઝા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બલૂચિસ્તાને ઈશ્યૂ કર્યું વોરંટ

શિપ-ટ્રેકિંગ વેબસાઇટ મરીનટ્રાફીક અનુસાર, બેલા-1ને બુધવારે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં આઇસલેન્ડના દક્ષિણ કિનારાથી લગભગ 190 માઇલ દૂર જપ્ત કરવામાં આવ્યું હતું. જ્યારે જપ્તીના સમાચાર આવ્યા છે ત્યારે જહાજ અચાનક દક્ષિણ તરફ વળ્યું છે. એનાલિટિક્સ ફર્મ કેપ્લરના જણાવ્યા અનુસાર, બેલા-1 ને જપ્ત કરવામાં આવ્યું ત્યારે તે ખાલી હતું, તેમાં ઓઈલ નહોતું.

રશિયાના પરિવહન મંત્રાલયે કરી પુષ્ટિ 

રશિયાના પરિવહન મંત્રાલયે પુષ્ટિ કરી છે કે, યુએસ ફોર્સે સવારે 7 વાગ્યે જહાજને કબજે કર્યું હતું અને પછી તેનો સંપર્ક તૂટી ગયો હતો. બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે, તેમણે યુએસની વિનંતી પર જપ્તી કાર્યવાહીમાં મદદ કરી હતી.

ટેન્કર જપ્ત કરવાથી રશિયા ગુસ્સે થયું?

રશિયાએ બેલા-1ની જપ્તીની સખત નિંદા કરી છે. જહાજમાં કેટલાક રશિયન નાગરિકો પણ હતા, જેનાથી રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન નારાજ થયા છે. તેમણે નાગરિકોને પરત કરવાની માગ કરી છે. 

રશિયન પરિવહન મંત્રાલયે દલીલ કરી હતી કે, 1982ના સમુદ્રના કાયદા પરના સંયુક્ત રાષ્ટ્ર સંમેલન હેઠળ, "કોઈપણ દેશને બીજા દેશના અધિકારક્ષેત્રમાં નોંધાયેલા જહાજો સામે બળનો ઉપયોગ કરવાનો અધિકાર નથી." યુનાઇટેડ સ્ટેટ્સે આ સંધિ પર હસ્તાક્ષર કર્યા નથી.

રશિયન નાગરિકોને તેમના વતન પરત મોકલે: રશિયન વિદેશ મંત્રાલય 

રશિયા સરકારી સમાચાર એજન્સી TASS અનુસાર, રશિયન વિદેશ મંત્રાલયે માગ કરી છે કે અમેરિકા જહાજ પર સવાર રશિયન નાગરિકોને તેમના વતન પરત મોકલે. TASS અનુસાર, રશિયન સાંસદ લિયોનીદ સ્લુત્સ્કીએ આ કાર્યવાહીને "21મી સદીની ચાંચિયાગીરી" અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું. ચીને પણ ગુરુવારે જપ્તીની નિંદા કરતા તેને "આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન" ગણાવ્યું.

આ પણ વાંચો: ગ્રીનલેન્ડ પર કબજો કરવા આર્મી મોકલશે ટ્રમ્પ? વ્હાઈટ હાઉસનો જવાબ સાંભળી યુરોપિયન દેશોમાં ફફડાટ

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, "ચીન હંમેશા ગેરકાયદે એકપક્ષીય પ્રતિબંધોનો વિરોધ કરે છે, જેનો આંતરરાષ્ટ્રીય કાયદામાં કોઈ આધાર નથી અને જેને યુએન સુરક્ષા પરિષદની મંજૂરી નથી. અમે યુએન ચાર્ટરના હેતુઓ અને સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરતા અને અન્ય દેશોની સાર્વભૌમત્વને નબળી પાડતા કોઈપણ કાર્યવાહીનો વિરોધ કરીએ છીએ."