Image Source: Twitter
Pink Diamond Stolen In Dubai: સંયુક્ત આરબ અમીરાત (UAE)નું ચમકતું શહેર દુબઈ એક મોટી ચોરીની ઘટનાને કારણે ચર્ચામાં છે. દુબઈમાં 2 અબજ 17 કરોડ રૂપિયાનો એક દુર્લભ ગુલાબી હીરો ધોળા દિવસે ચોરાઈ ગયો, જેના કારણે હલચલ મચી ગઈ છે. અત્યંત કિંમતી અને વિશ્વનો દુર્લભ ગુલાબી હીરો કોઈ પણ નાશાન વિના ગાયબ થઈ ગયો, જાણે કે તેનું ક્યારેય કોઈ અસ્તિત્વ જ ન હતું. આ અસાધારણ ચોરીની ઘટના પણ ખૂબ જ ફિલ્મી સ્ટાઈલમાં થઈ હતી, જેમાં ચોરોએ એક વર્ષ સુધી હીરો ચોરી કરવાની યોજના બનાવી હતી. પરંતુ દુબઈ પોલીસની તત્પરતાએ ચોરોની એક વર્ષની મહેનત થોડા જ કલાકોમાં પાણી ફેરવી દીધું અને આ હીરો દુબઈથી બહાર જાય તે પહેલા જ મળી આવ્યો.
આ રોમાંચક ચોરીની ઘટના
આ સ્ટોરી શરૂ થાય છે એક વર્ષ પહેલા જ્યારે એશિયન મૂળના ત્રણ ચોરોને એક દુર્લભ ગુલાબી હીરાના સમાચાર મળે છે અને તેઓ તેને ચોરી કરવાનું પ્લાનિંગ બનાવે છે. પ્લાનિંગ દરમિયાન હીરો યુરોપમાં હતો અને એક વર્ષ પછી દુબઈમાં આવવાનો હતો. આ વચ્ચે ચોરોને ચોરીની યોજના બનાવવા માટે એક વર્ષનો લાંબો સમય મળ્યો અને તેઓએ ખૂબ જ સાવધાનીથી ચોરીને અંજામ આપવાની યોજના બનાવી.
ફેન્સી ઈન્ટેન્સ તરીકે ક્લાસિફાઈડ 21 કેરેટનો ગુલાબી હીરો પોતાના પ્રકારનો સૌથી શુદ્ધ હીરો માનવામાં આવે છે અને વૈશ્વિક સ્તરે તે સૌથી દુર્લભ છે. આ હીરાની કિંમત 25 મિલિયન ડોલર એટલે કે, (2 અબજ, 17 કરોડ, 79 લાખ, 43 હજાર, 750 રૂપિયા) છે અને તેને તાજેતરમાં જ યુરોપથી દુબઈ લાવવામાં આવ્યો હતો. તેની શુદ્ધતા રેટિંગ પણ અનોખી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તે એટલો દુર્લભ છે કે તેના જેવો બીજો હીરો મળવાની શક્યતા માત્ર 0.01% છે.
ચોરોએ હીરા ચોરી કરવા માટે એક મોટી યોજના બનાવી હતી. દુબઈ પોલીસના જણાવ્યા પ્રમાણે ચોરીની આ 'અસાધારણ' ઘટનાને એક હીરા વેપારીથી ત્રણ ચોરોના એક ગ્રુપે અંજામ આપ્યો હતો.
ચોરોએ ગુલાબી હીરાની ચોરીની યોજના કેવી રીતે બનાવી
તપાસ દરમિયાન, દુબઈ પોલીસને જાણવા મળ્યું કે ચોરીની પ્લાનિંગ એક વર્ષ કરતા વધુ સમયથી કરવામાં આવી રહ્યું હતું. પ્લાનિંગ હેઠળ ત્રણેય ચોરોએ એક ધનિક હીરા ખરીદનાર માટે વચેટિયાની ભૂમિકા ભજવી હતી. આ પછી તેણણે હીરાના વેપારીનો કોન્ટેક્ટ કર્યો જે યુરોપથી આ દુર્લભ હીરો લઈને દુબઈ આવ્યો હતો. હીરાના વેપારી 2005થી જ હીરાનો વેપાર કરી રહ્યો હતો પરંતુ ચોરોએ અમીરીની એવી જાળ પાથરી કે અનુભવી વેપારી પણ તેમની જાળમાં ફસાઈ ગયો અને ચોરો હીરાને લઈને રફુચક્કર થઈ ગયા.
ચોરી કરતા પહેલા ચોરોએ હીરાના વેપારીને પોતાના સંપૂર્ણ વિશ્વાસમાં લઈ લીધો. તેમણે વેપારીને તેમના ક્લાયન્ટની સંપત્તિ બતાવવા માટે લક્ઝરી કાર ભાડે લીધી અને તેનો ઉપયોગ હીરાના વેપારીને મળવા માટે કર્યો. તેમણે હીરા ખરીદીના સોદા માટે વાટાઘાટો કરવા માટે ફાઈવ સ્ટાર લક્ઝરી હોટલોમાં હીરાના વેપારી સાથે બેઠકો યોજી અને હીરાના વેપારીને ખાતરી આપી કે તેમનો ક્લાયન્ટ ખૂબ જ અમીર છે.
તેમણે વેપારીનો વિશ્વાસ જીતવા માટે એક હીરા એક્સપર્ટને પણ હાયર કર્યો, જેથી વેપારીને વિશ્વાસ થઈ જાય કે, તેઓ ખરેખર હીરો ખરીદવા માગે છે. આ બધા પછી વેપારી આખરે તેની દુકાનમાંથી હીરાને વેચવા માટે લાવવા સંમત થયો. ચોરોએ એટલી સફાઈથી પોતાના કામને અંજામ આપ્યો કે, હીરાના વેપારીને ખાતરી થઈ ગઈ કે તે વાસ્તવિક સોદો કરી રહ્યો છે.
ત્યારબાદ ચોરોએ હીરો ખરીદવાના બહાને વેપારીને એક શાનદાર પ્રાઈવેટ વિલામાં બોલાવ્યો. વેપારી હીરો લઈને વિલા પહોંચતાની સાથે જ ચોરોએ તેની પાસેથી હીરો છીનવી લીધો અને આંખના પલકારામાં ત્યાંથી ફરાર થઈ ગયા.
આ જોઈને હીરાના વેપારીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે તરત જ દુબઈ પોલીસને ઈમરજન્સી કોલ કર્યો. તેમણે પોલીસને કહ્યું કે, 'મારી સાથે એક મોટી ઘટના બની છે. હું એક ગ્રાહકને મળવા આવ્યો હતો જેથી હું તેને હીરો વેચી શકું. તેમણે હીરો જોયો અને હવે હીરાની ચોરી થઈ ગઈ છે.'
દુબઈ પોલીસે ચોરને કેવી રીતે પકડ્યા
દુર્લભ હીરાની ચોરીના સમાચાર મળતા જ પોલીસ સતર્ક થઈ ગઈ. થોડીવારમાં જ પોલીસ પેટ્રોલિંગ ટીમને ઘટનાસ્થળે રવાના કરી દીધી. ઝડપી તપાસ શરૂ થઈ. દુબઈ પોલીસે હીરાની તલાશ માટે 'ઓપરેશન પિંક ડાયમંડ' શરૂ કર્યું. દુબઈ પોલીસના જનરલ ડિપાર્ટમેન્ટ ઓફ ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન એન્ડ ક્રિમિનોલોજીએ આ ઓપરેશનનું નેતૃત્વ કર્યું.
ચોરોને પકડવા માટે એક ખાસ ટાસ્ક ફોર્સ તહેનાત કરવામાં આવી હતી. તેમને શોધવા માટે એડવાન્સ સર્વેલન્સ અને ટ્રેકિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ચોરી પહેલા ત્રણેય ચોર એક સાથે રહેતા હતા પરંતુ વિલામાંથી ફરાર થઆ ગયા બાદ તેઓ શહેરના વિવિધ સ્થળોએ ફેલાઈ ગયા છે.
ચોરોની તલાશમાં અધિકારીઓએ એક સાથે તે સ્થળોએ દરોડા પાડ્યા અને ત્રણેય ચોરોની ધરપકડ કરી લેવામાં આવી. ચોરો હીરાને દુબઈની બહાર મોકલવાની ફિરાકમાં હતા પરંતુ તે પહેલાં જ દુબઈ પોલીસે તેને શોધી કાઢ્યો.
ચોરોએ ગુલાબી હીરાને એક નાના રેફ્રિજરેટરમાં છુપાવી દીધો હતો. તેઓ તેને કોઈ એશિયન દેશમાં તસ્કરી કરવાના હતા. પોલીસની તાત્કાલિક કાર્યવાહીને કારણે ચોરીના 8 કલાકની અંદર જ હીરાને સુરક્ષિત રિકવર કરી લેવામાં આવ્યો અને તેના માલિકને પરત કરવામાં આવ્યો.
હીરા પાછો મળ્યા બાદ હીરા માલિક ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું કે, 'અધિકારીઓના કામની ગતિ જોઈને મને ખબર પડી કે મામલો ઉકેલાઈ જશે. મને આશ્ચર્ય થયું કે ચોરીના બીજા જ દિવસે સવારે મને ફોન પર જાણ કરવામાં આવી કે શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે અને હીરો મળી આવ્યો છે.'


