પાકિસ્તાની સૈન્યની છાવણીમાં વિસ્ફોટક ભરેલું વાહન લઈને ઘૂસ્યો આતંકી, 7 સૈનિકોના મોત

Suicide Attack on Pakistan Security Forces Camp: 7 પાકિસ્તાની સૈનિકોને ભરખી જતો એક મોટો આત્મઘાતી હુમલો પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના ઉત્તરી વઝિરિસ્તાનમાં થયો. હુમલાનું સ્થળ, વઝિરિસ્તાન વિસ્તારનો મીર અલી જિલ્લો, અફઘાનિસ્તાનની સરહદથી માત્ર થોડે જ દૂર છે. એવું જાણવા મળ્યું છે કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન આ આતંકી હુમલા પાછળ છે. આ હુમલામાં, આત્મઘાતી હુમલાવરે વિસ્ફોટકોથી ભરેલી ગાડીને મિલિટરી કેમ્પમાં ઘૂસાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વાહન દીવાલ સાથે ટકરાતા જ તેમાં વિસ્ફોટ થયો.
પાકિસ્તાની સેનાની છાવણીમાં ધમાકો, વીડિયો સોશિયલ પર વાઈરલ
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા આ આતંકી હુમલાના વીડિયોમાં પાકિસ્તાની સેનાની છાવણીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા સ્પષ્ટપણે દેખાય છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પહેલેથી જ તણાવપૂર્ણ સ્થિતિ છે, તેવા સમયે આ હુમલો થયો છે. અફઘાનિસ્તાનના હુમલાઓમાં અનેક ડઝન પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હોવાની માહિતી છે. આ સાથે જ, પાકિસ્તાનનો દાવો છે કે તેણે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ અને કંદહાર જેવા મહાનગરોને પણ લક્ષ્યાંક બનાવ્યા હતા. બુધવારની સાંજથી સીઝફાયર લાગુ હોવા છતાં, બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ હજી પણ યથાવત છે.
આ પણ વાંચો: H1-B વિઝા અંગેનો નિર્ણય ટ્રમ્પને ભારે પડ્યો, અમેરિકન બિઝનેસ લોબીએ કોર્ટ કેસ કર્યો
સાઉદી-કતારની સલાહથી સીઝફાયર
અફઘાનિસ્તાનનું કહેવું છે કે અમે જડબાતોડ જવાબ આપ્યો છે, પરંતુ સાઉદી અરબ અને કતાર જેવા ઇસ્લામિક દેશોની સલાહ પર સીઝફાયર માટે રાજી થયા છીએ. નોંધનીય છે કે પાકિસ્તાન આ સમયે ભયભીત છે. રક્ષા મંત્રી આસિફે તો હવે ભારત તરફથી પણ હુમલાની શંકા વ્યક્ત કરી છે. ખ્વાજા આસિફે કહ્યું કે, 'અમારે બે મોરચે જંગનો સામનો કરવો પડી શકે છે.'