H1-B વિઝા અંગેનો નિર્ણય ટ્રમ્પને ભારે પડ્યો, અમેરિકન બિઝનેસ લોબીએ કોર્ટ કેસ કર્યો

US Chamber of Commerce vs Trump: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા તમામ નવી H-1B વિઝા અરજીઓ પર 1,00,000 ડૉલર(અંદાજે 83 લાખ રૂપિયા)ની ભારે ફી લાદવાના નિર્ણયને યુએસ ચેમ્બર ઑફ કોમર્સે કોલંબિયા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પડકાર્યો છે. ચેમ્બરે આ પગલાને 'ગેરમાર્ગે દોરનારી નીતિ' અને 'સ્પષ્ટપણે ગેરકાયદે' ગણાવીને મુકદ્દમો દાખલ કર્યો છે, જે અમેરિકન નવીનતા અને સ્પર્ધાત્મકતાને નબળી પાડી શકે છે.
કોંગ્રેસની સત્તાનો ભંગ
ગુરુવારે દાખલ કરાયેલા મુકદ્દમામાં ટ્રમ્પ વહી વટીતંત્ર દ્વારા 19મી સપ્ટેમ્બરના રોજ અમુક બિન-ઇમિગ્રન્ટ કામદારોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાતને પડકારવામાં આવી છે. ચેમ્બરે દલીલ કરી છે કે આ નિર્ણય H-1B વિઝા કાર્યક્રમનું નિયમન કરવાની કોંગ્રેસની સત્તાનો ભંગ કરીને ઇમિગ્રેશન અને રાષ્ટ્રીયતા કાયદાનું ઉલ્લંઘન કરે છે. હોમલૅન્ડ સિક્યુરિટી અને સ્ટેટ ડિપાર્ટમેન્ટ્સ, તેમના સેક્રેટરીઓ ક્રિસ્ટી એલ. નોએમ અને માર્કો રુબિયો સાથે, આ મુકદમામાં પ્રતિવાદી તરીકે નામ આપવામાં આવ્યા છે.
સ્ટાર્ટ-અપ્સ અને નાના વ્યવસાયો પર અસર
યુએસ ચેમ્બર ઑફ કોમર્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ પોલિસી ઑફિસર નીલ બ્રેડલીએ જણાવ્યું હતું કે, 'આ અતિશય ફી, જે આશરે 3,600 ડૉલરથી અનેક ગણી વધારે છે, તે અમેરિકાના નોકરીદાતાઓ, ખાસ કરીને સ્ટાર્ટ-અપ્સ અને નાના અને મધ્યમ કદના વ્યવસાયો માટે H-1B પ્રોગ્રામનો ઉપયોગ કરવાનું અત્યંત મોંઘું બનાવશે.'
બ્રેડલીએ વધુમાં જણાવ્યું કે 'કોંગ્રેસે સ્પષ્ટપણે આ નીતિ એવી રીતે ઘડી હતી, જેથી તમામ કદના અમેરિકન વ્યવસાયોને દેશમાં તેમના કાર્યોને વિસ્તૃત કરવા માટે જરૂરી વૈશ્વિક કુશળતાની ઍક્સેસ મળી રહે. ટ્રમ્પ વહીવટીતંત્રની આ જાહેરાત સ્પષ્ટપણે H-1B પ્રોગ્રામ માટે કોંગ્રેસ દ્વારા નક્કી કરાયેલ ફીનું ઉલ્લંઘન કરે છે.'
યુએસ અર્થતંત્ર માટે નુકસાનકારક
ચેમ્બરની ફરિયાદમાં જણાવાયું છે કે, H-1B દરજ્જો પ્રાપ્ત કરનાર હજારો ઉચ્ચ કુશળ વ્યક્તિઓ દર વર્ષે યુએસ અર્થતંત્રને વેગ આપે છે, જે વધુ અમેરિકન નોકરીઓ અને ઉચ્ચ વેતનનું સર્જન કરે છે. જો કે, નવી જાહેરાત કાયદાકીય માળખાને ઉથલાવી દે છે અને વધેલા ટેરિફ યુએસ અર્થતંત્ર માટે નુકસાનનો સોદો છે. ચેમ્બરે સ્પષ્ટ કર્યું કે અમેરિકન અર્થતંત્રને ઓછા નહીં, પણ વધુ કુશળ વિદેશી કામદારોની જરૂર પડશે.
H-1B વિઝા એટલે શું?
વર્ષ 1990માં શરુ થયેલા H-1B વિઝા અમેરિકાની કંપનીઓને ચોક્કસ વ્યવસાયોમાં વિદેશી કર્મચારીને રોજગારી આપવાની મંજૂરી આપે છે. આ વિઝા ત્રણ વર્ષના હોય છે. જેને મહત્તમ છ વર્ષ સુધી લંબાવી શકાય છે. દર વર્ષે અમેરિકાની સરકાર 65,000 H-1B વિઝા જાહેર કરે છે, જ્યારે અમેરિકાની યુનિવર્સિટીઓમાંથી માસ્ટર અથવા પીએચડી કરનારાઓને વધારાના 20,000 વિઝા આપવામાં આવે છે. ભારત લાંબા સમયથી H-1B વિઝા કાર્યક્રમનો સૌથી મોટો લાભાર્થી રહ્યો છે, ખાસ કરીને આઇટી અને ટૅક્નોલૉજી વ્યાવસાયિકો માટે.