બોઇંગ વિમાન વિવાદમાં બરાબરના ફસાયા ટ્રમ્પ, ચોતરફ ટીકા થતાં કતારના PMએ કર્યો ખુલાસો
US President Donald Trump Boeing 747-8 Controversy : કતાર તરફથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 400 મિલિયન ડૉલરનું બોઇંગ વિમાન ભેટમાં આપવામાં આવશે, એવા સમાચાર આવ્યા ત્યારની આ મુદ્દો વિવાદનું કારણ બન્યો છે. અમેરિકામાં ટ્રમ્પનો વિરોધ પક્ષ તો ઠીક ખુદ ટ્રમ્પના પોતાના પક્ષના રાજકારણીઓ પણ આ ભેટ સ્વીકારવાની તૈયારી દાખવવા બદલ ટ્રમ્પની ટીકા કરી રહ્યા છે. ઘણા તેને ગેરકાયદેસર વિદેશી દાન અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવી રહ્યા છે.
કતારના વડાપ્રધાને સ્પષ્ટતા કરવી પડી
તાજેતરમાં ટ્રમ્પે મધ્યપૂર્વના દેશોની મુલાકાત લીધી એમાં બુધવારે તેઓ કતાર ગયા હતા. કતાર દ્વારા તેમને બોઇંગ 747-8 વિમાન ભેટ આપવામાં આવશે એવા સમાચારે માધ્યમો ગજાવ્યા અને એની ટીકા થઈ રહી હોવાથી કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહેમાન બિન જાસિમ અલ-થાનીએ CNNને આપેલા ઇન્ટરવ્યુમાં સ્પષ્ટતા કરવી પડી છે કે, ‘આ એક ખૂબ જ સરળ સરકાર-થી-સરકાર(ગવર્નમેન્ટ ટુ ગવર્નમેન્ટ)નો વ્યવહાર છે. અમેરિકા કે કતાર બંને પક્ષે એમાં વ્યક્તિગત કશું નથી.’
અમેરિકામાં ટીકા થઈ રહી છે
કતાર તરફથી મળેલા વિમાનને ટ્રમ્પ એરફોર્સ વન પ્લેનની જેમ વાપરશે અને એમના કાર્યકાળ પછી એ વિમાન દેશને ભેટ આપી દેશે, એવી વિગતો જાહેર થતાં અમેરિકાના રાજકારણીઓ આ મુદ્દે ટીકા કરી રહ્યા છે. અમુક રાજકારણીઓએ આ ભેટને ગેરકાયદેસર વિદેશી દાન ગણાવ્યું છે. તો અમુક એને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવી રહ્યા છે, કેમ કે વિદેશી વિમાનમાં એવા કોઈ ગેજેટ્સ છુપાવેલા હોઈ શકે છે, જે ટ્રમ્પની જાસૂસી કરવા સક્ષમ હોય. ડેમોક્રેટ્સ પક્ષના નેતાઓ ટીકા કરે એ તો સમજી શકાય એવી વાત છે, પણ આ મુદ્દે તો ટ્રમ્પના પોતાના પક્ષ રિપબ્લિકન પાર્ટીના નેતાઓ પણ કચવાઈ રહ્યા છે.
ટ્રમ્પે ભેટ બાબતે આવું કહ્યું હતું
આ અઠવાડિયાની શરુઆતમાં ટ્રમ્પે આ ભેટ બાબતે એવું કહ્યું હતું કે, કતારની ઓફરનો ઇન્કાર કરવો એ ‘મૂર્ખતા’ હશે. આ વિમાનનો ઉપયોગ ભવિષ્યમાં અન્ય અમેરિકન રાષ્ટ્રપતિઓ પણ કરી શકશે.
ટ્રમ્પે પદ છોડ્યા પછી કતાર દ્વારા અપાયેલું વિમાન તેમની લાઇબ્રેરીમાં દાનમાં આપવાની વાત કરી છે, જેનો અર્થ એ થાય છે કે ફક્ત રિપબ્લિકન નેતાઓને જ એ વિમાનમાં મુસાફરી કરવાનો વિશેષાધિકાર મળશે.
આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પની એક જાહેરાતથી સીરિયામાં ખુશીની લહેર, લોકો બોલ્યા- નવો જન્મ મળ્યો
કતાર અમેરિકાની પડખે ઊભું રહ્યું છેઃ અલ-થાની
ટ્રમ્પને મોંઘું વિમાન ભેટ આપવાની ચાલ કતાર ચાલી રહ્યું છે, એવી ચર્ચા ચાલતાં અલ-થાનીએ કહ્યું હતું કે, ‘અમારે અમેરિકાની ફેવર મેળવવા માટે આવી કોઈ ભેટ આપવાની જરૂર નથી. તમે છેલ્લા 10 વર્ષોમાં યુએસ-કતાર સંબંધો પર નજર નાંખો તો જણાશે કે અમેરિકાને જ્યારે પણ જરૂર પડી છે ત્યારે કતાર એની પડખે ઊભું રહ્યું છે, પછી ભલે તે આતંકવાદ સામેના યુદ્ધમાં હોય, અફઘાનિસ્તાનમાંથી અમેરિકાનું સ્થળાંતર કરવાનું હોય, કે પછી વિવિધ દેશોમાંથી બંધકોને મુક્ત કરવાનું હોય.’
…તો ભેટ નહીં અપાય!
CNN દ્વારા જ્યારે એવું પૂછવામાં આવ્યું કે, ‘જો તેમની ભેટ ગેરકાયદેસર માનવામાં આવશે તો તેઓ શું કરશે?’ જવાબમાં અલ-થાનીએ કહ્યું હતું કે, ‘તો અમે ભેટ નહીં આપીએ! આમ તો ગેરકાયદેસર વ્યવહારોને છુપાવવા માટે ઘણા રસ્તા હોય છે, જેના વિશે જનતા જાણી શકતી નથી, પણ અમે કંઈપણ ગેરકાયદેસર કરીશું નહીં. આ એક ખૂબ જ સ્પષ્ટ વિનિમય છે જે વ્યક્તિગત નથી, પણ બે સરકારો વચ્ચે થઈ રહ્યો છે.’
અલબત્ત, ટ્રમ્પને બોઇંગને ભેટ આપવી કે નહીં એ બાબતે વિવાદ છેડાઈ જતાં આ મુદ્દાની હાલમાં સમીક્ષા કરવામાં આવી રહી છે.
કતાર-અમેરિકા વચ્ચે બોઇંગ વિમાનનો 96 બિલિયન ડૉલરનો સોદો થયો
બુધવારે ટ્રમ્પની કતાર મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે બોઇંગ 777x અને 787 વિમાનો માટે 96 બિલિયન ડૉલરનો સોદો થયો હતો. આ સોદા હેઠળ કતાર અમેરિકા પાસેથી કુલ 160 બોઇંગ વિમાનો ખરીદશે, જેમાં 30 નંગ બોઇંગ 777x અને 130 નંગ 787 વિમાનોનો સમાવેશ થાય છે. અમેરિકાને અપાઈ ગયેલા આ ઓર્ડર ઉપરાંત ટ્રમ્પના શાસનકાળ દરમિયાન કતારે વધુ 50 બોઇંગ ખરીદવાની તૈયારી બતાવી છે.
આ પણ વાંચો : રશિયા-યુક્રેન શાંતિવાર્તા મુદ્દે મોટા સમાચાર, પુતિન નહીં જાય ઈસ્તાંબુલ!