'અંધારી ગુફામાં આશાનું કિરણ બન્યા ટ્રમ્પ', પુતિને યુક્રેન યુદ્ધ મામલે અમેરિકન પ્રમુખના કર્યા વખાણ
Putin is Optimistic about relations between America and Russia: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અમેરિકા અને રશિયાના સંબંધો સુધરશે તેવી આશા રાખી રહ્યા છે. આ અંગે તેમણે કહ્યું કે, બંને દેશોના સંબંધો સારા થવાની આશા દેખાઈ રહી છે. બંને દેશ આર્કટિક અને અલાસ્કામાં પ્રોજેક્ટ્સ પર સાથે મળીને કામ કરી શકે છે.
પુતિને યુક્રેન યુદ્ધ મામલે ટ્રમ્પના વખાણ કર્યા
પુતિને સોવિયેત પરમાણુ કાર્યક્રમ ધરાવતા સરોવ શહેરમાં પરમાણુ ઉદ્યોગના કર્મચારીઓ સાથેની બેઠક દરમિયાન જણાવ્યું કે, 'અમેરિકા સાથેના અમારા સંબંધો ઘણા ખરાબ રહ્યા છે. મેં આ વાત ઘણી વાર કહી છે. જોકે, હવે ડોનાલ્ડ ટ્રમ્પના સત્તામાં આવ્યા બાદ આશાનું કિરણ દેખાઈ રહ્યું છે.'
પુતિને રશિયાની સાર્વભૌમતા પર ભાર મૂક્યો
પુતિને વધુમાં જણાવ્યું કે, 'રશિયા અને અમેરિકા આર્કટિક અને અલાસ્કામાં સાથે કામ કરવા વિચારી રહ્યા છે. તેમણે કહ્યું કે પશ્ચિમી યુરોપના ઘણા દેશો પોતાની સાર્વભૌમતા (સ્વતંત્રતા) વિના પણ રહી શકે છે, પરંતુ રશિયા માટે આ શક્ય નથી. જો રશિયા તેની સાર્વભૌમતા ગુમાવશે, તો તે દેશ તરીકે અસ્તિત્વ ગુમાવી દેશે.'
પરમાણુ ઉદ્યોગ મહત્ત્વનો, પણ ભવિષ્યનો પડકાર AI: પુતિન
તેમજ પુતિને રશિયાના પરમાણુ વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, 'પરમાણુ ઉદ્યોગ દેશ માટે ખૂબ જ મહત્ત્વનો છે અને હવે પછીનો મોટો પડકાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) છે.' તેમણે ભાર મૂક્યો કે રશિયાએ AI ટેકનોલોજીમાં આગળ રહેવું પડશે.
15 ઓગસ્ટે અલાસ્કા શિખર સંમેલન બાદ, પુતિને ટ્રમ્પના એ દાવાને ટેકો આપ્યો હતો કે, 'જો તેઓ વ્હાઇટ હાઉસમાં હોત તો યુક્રેન યુદ્ધ શરૂ ન થયું હોત.' પુતિને તેમના સહયોગીઓને કહ્યું હતું કે, 'ટ્રમ્પ યુક્રેન સંકટને ખતમ કરવા માટે ગંભીર છે અને રશિયાએ તેમના વહીવટીતંત્ર સાથે કામ કરવું જોઈએ.'