ગાઝા સાથે સીઝફાયર બાદ હવે ઈઝરાયલમાં આંતરિક તણાવ! સૈન્ય ભરતીના વિરોધમાં રસ્તા પર ઉતર્યા હજારો લોકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Image Source: Twitter
Israel Protest: ગાઝા સાથે સીઝફાયર બાદ હવે ઈઝરાયલમાં આંતરિક તણાવ જોવા મળી રહ્યો છે. ઈઝરાયલમાં હાલમાં હજારો કટ્ટર ધાર્મિક યહૂદીઓ બેન્જામિન નેતન્યાહૂની સરકાર સામે વિરોધમાં રસ્તા પર ઉતર્યા છે. આ લોકોએ કાળા રંગના કપડાં પહેરીને ગુરુવારે જેરુસલેમમાં સૈન્ય ભરતીના વિરોધમાં રેલી કાઢી હતી. આ લોકો ઈઝરાયલની ફરજિયાત સૈન્ય સેવાથી બચવાના અધિકારની ગેરેન્ટી આપતા કાયદાની માગ કરી રહ્યા છે. નેતન્યાહૂએ અગાઉ આ અંગે કાયદો લાવવાની વાત કહી હતી.
પ્રદર્શનકારીઓએ લગાવી આગ
એક અહેવાલ પ્રમાણે કાળી ટોપી પહેરેલા પુરુષોની ભીડે તાડપત્રીના ટુકડાઓમાં આગ ચાંપી દીધી હતી, જ્યારે સેંકડો પોલીસ અધિકારીઓએ શહેરના ઘણા રસ્તાની ઘેરાબંધી કરી દીધી હતી. પ્રદર્શનકારીઓએ સૈન્ય ભરતીની નિંદા કરતા પ્લેકાર્ડ લઈને જેરુસલેમ તરફ જતા મુખ્ય રસ્તાઓ પર માર્ચ કરી હતી.
શું છે સમગ્ર મામલો?
ઈઝરાયલી સરકારે તાજેતરમાં જ કટ્ટરપંથી ડ્રાફ્ટ ડોજર્સ પર કાર્યવાહી કરી હતી, જેના હેઠળ હજારો લોકોને સમન્સ નોટિસ મોકલી છે અને ઘણા ભાગેડુઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. 1948માં ઈઝરાયલના નિર્માણ સમયે અહીં અતિ-રૂઢિચુસ્ત યહૂદીઓની સંખ્યા ખૂબ જ ઓછી હતી. જે પુરુષો પોતાનો સંપૂર્ણ સમયનો ઉપયોગ પવિત્ર યહૂદી ગ્રંથોના અધ્યયન માટે કરે છે તેમને ફરજિયાત સૈન્ય સેવામાંથી છૂટ આપવામાં આવી હતી. ઓક્ટોબર 2023માં ગાઝામાં યુદ્ધ ફાટી નીકળ્યા પછી આ છૂટ પર દબાણ વધી ગયુ છે, કારણ કે સૈન્યને પોતાના પદો પર ભરતી કરવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
નેતન્યાહૂએ કાયદો લાવવાનો વાયદો કર્યો હતો
ઈઝરાયલમાં આ છૂટને દૂર કરવા અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. નેતન્યાહૂએ વાયદો કર્યો હતો કે તેમની સરકાર આ છૂટ સુનિશ્ચિત કરતો કાયદો પસાર કરશે, પરંતુ તેઓ અત્યાર સુધી આમ કરવામાં નિષ્ફળ રહ્યા છે. જુલાઈ 2024માં અતિ-રૂઢિચુસ્ત શાસ પાર્ટીના મંત્રીઓએ આ મુદ્દા પર કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું, જોકે પાર્ટીએ ઔપચારિક રીતે ગઠબંધન નહોતું છોડ્યું.
નેતન્યાહૂની સરકારને સમર્થન આપનારી સેફર્ડિક શાસ પાર્ટી પાસે 11 સાંસદો છે. આ પાર્ટીએ ચેતવણી આપી છે કે, 'જો સેન્ય સેવા છૂટ કાયદામાં સામેલ નહીં કરવામાં આવે તો અમે સમર્થન પાછું ખેંચી લઈશું.'








