28 વર્ષીય ગર્ભવતી નર્સે બાળકીને જન્મ આપ્યા બાદ દમ તોડ્યો
- નવજાત બાળકીને કોરોના છે કે નહીં તે અસ્પષ્ટ, 106 વર્ષની મહિલાએ કોરોનાને હંફાવ્યો
લંડન, તા. 16 એપ્રિલ 2020, ગુરૂવાર
બ્રિટનમાં કોરોના વાયરસથી સંક્રમિત એક ગર્ભવતી નર્સનું અવસાન થયું છે. જો કે, મૃત્યુ પહેલા નર્સે સફળતાપૂર્વક એક બાળકીને જન્મ આપ્યો હતો અને બાળકીની સ્થિતિ ઠીક છે. લંડનના ઉત્તરી ક્ષેત્રમાં આવેલી લ્યુટન એન્ડ ડંસ્ટેબલ યુનિવર્સિટી હોસ્પિટલના જનરલ વોર્ડમાં નર્સ તરીકે સેવા આપતી 28 વર્ષીય મૈરી અગ્યીવા અગ્યપોંગનું રવિવારે મૃત્યુ થયું હતું.
હાલ નવજાત બાળકી કોરોના વાયરસથી સંક્રમિત છે કે નહીં તે અસ્પષ્ટ છે પરંતુ તેની યોગ્ય તકેદારી રાખવામાં આવી રહી છે. બેડફોર્ડશાયર હોસ્પિટલ્સ એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટના કહેવા પ્રમાણે પાંચમી એપ્રિલના રોજ તપાસ દરમિયાન મૈરી કોરોનાથી સંક્રમિત જણાઈ હતી અને સાતમી એપ્રિલના રોજ તેને તે જ્યાં કામ કરતી હતી તે હોસ્પિટલમાં જ ભરતી કરવામાં આવી હતી. મૈરીએ તે હોસ્પિટલમાં પાંચ વર્ષ સેવા આપી હતી તથા તે ખૂબ જ સન્માનનીય અને પ્રિય સદસ્ય હતી.
એક તરફ બ્રિટનમાં સ્વાસ્થ્યકર્મીઓને આપવામાં આવતા સુરક્ષાત્મક ઉપકરણોની તંગીને લઈ ધમાચકડી મચેલી છે તેવામાં મૈરીના મોતને લઈ ભારે ઉહાપોહ જાગ્યો છે. આ બધા વચ્ચે બ્રિટનમાં 106 વર્ષીય કોની ટિટચેન કોરોના વાયરસને હંફાવીને સ્વસ્થ થયા છે અને દેશના કોરોના વાયરસની બીમારીથી ઠીક થયેલા સૌથી ઉંમરલાયક દર્દી બન્યા છે. આશરે ત્રણેક સપ્તાહ સુધી બીમાર રહ્યા બાદ તેઓ વિષાણુ સામેના જંગમાં વિજયી બન્યા છે.