Get The App

પેરુમાં 6.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, એકનું મોત, અનેક ઈજાગ્રસ્ત, લોકો ફફડી ગયા

Updated: Jun 16th, 2025

GS TEAM

Google News
Google News
પેરુમાં 6.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, એકનું મોત, અનેક ઈજાગ્રસ્ત, લોકો ફફડી ગયા 1 - image


Earthquack in Peru News : રવિવારે રાત્રે દક્ષિણ અમેરિકન દેશ પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. એજન્સીના જણાવ્યા અનુસાર અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે પેરુના મધ્ય કિનારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના લીધે લીમા અને બંદરીય શહેર કૈલાઓ હચમચી ગયા હતા. આ ભૂકંપમાં એક વ્યક્તિનું મોત થયું છે અને પાંચ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.  ભૂકંપની તીવ્રતા 6.1 નોંધાઈ હતી. 

ક્યાં હતું ભૂકંપનું કેન્દ્ર?

યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, સ્થાનિક સમય મુજબ સવારે 11:35 વાગ્યે પેસિફિક મહાસાગરમાં ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ રાજધાની લીમાથી પશ્ચિમમાં કૈલાઓથી 23 કિલોમીટર (14 માઇલ) દક્ષિણ-પશ્ચિમમાં હતું. 

એક વ્યક્તિનું મોત, પાંચ ઈજાગ્રસ્ત 

અહેવાલ મુજબ, પોલીસ કર્નલ રામિરો ક્લાઉકોએ જણાવ્યું હતું કે ઉત્તરી લીમામાં એક 36 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. મૃતક પોતાના વાહનની બહાર એક મુસાફરની રાહ જોઈ રહ્યો હતો ત્યારે નિર્માણાધીન ઇમારતની ચોથા માળની દિવાલ તૂટીને તેના માથા પર પડી હતી. ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું હતું કે પાંચ ઘાયલ લોકોની હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.  

ભૂકંપ-સુનામી માટે જાણીતો દેશ

દક્ષિણ અમેરિકન દેશ પેરૂ "રિંગ ઓફ ફાયર" તરીકે ઓળખાતા પ્રદેશ પર આવેલો છે, જે પેસિફિક મહાસાગર સાથે જોડાયેલો હોવાથી ત્યાં વારંવાર ભૂકંપ અને સક્રિય જ્વાળામુખીની અસરો જોવા મળે છે. પેરુમાં દર વર્ષે સરેરાશ ઓછામાં ઓછા 100 ભૂકંપ આવે છે. છેલ્લો મોટો ભૂકંપ 2021 માં એમેઝોન પ્રદેશમાં આવ્યો હતો, જેની તીવ્રતા 7.5 હતી, અને તેમાં 12 લોકો ઘાયલ થયા હતા, 70 થી વધુ ઘર નાશ પામ્યા હતા. દેશમાં સૌથી વિનાશક ભૂકંપ 1970માં આવ્યો હતો અને તે પેરુના અંકેશ પ્રદેશમાં આવ્યો હતો, જેના કારણે મોટા પાયે ભૂસ્ખલન થયું હતું જેમાં લગભગ 70,000 લોકો મૃત્યુ પામ્યા હતા.

Tags :