દુનિયાના સૌથી ગરીબ ગણાતા દેશની GDP રાતોરાત 30% વધી ગઈ, જુઓ આંકડાનો ખેલ
Nigeria 30% GDP jump : આફ્રિકન મહાદ્વીપનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ નાઇજીરીયા હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. નાઇજીરીયાએ એવો કમાલ કરી બતાવ્યો છે કે, જે અમેરિકા, ચીન અને જાપાન જેવા દેશો પણ અત્યાર સુધી નથી કરી શક્યા. આ દેશનો GDP રાતોરાત 30 ટકા વધી ગયો છે. પરંતુ મહત્ત્વની બાબત એ છે કે, નાઇજીરીયાએ આ સિદ્ધિ કેવી મેળવી એ જાણવા જેવું છે.
GDP ગણતરી કરવાની પદ્વતિ બદલી નાંખી
નોંધનીય છે કે નાઇજીરીયાએ તેના GDPની ગણતરી કરવાની પદ્વતિ જ બદલી નાખી છે. દેશમાં GDPની ગણતરી કરવા માટેનો આધાર વર્ષ 2010ને બદલે 2019 કરી નાંખ્યો છે. નાઇજીરીયાની સરકારે લગભગ એક દાયકા બાદ આ પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર બાદ GDPમાં ઉછાળો જોવા મળ્યો.
નાઇજીરીયાનો 2024 નો GDP લગભગ 244 અબજ ડૉલર
નાઇજીરીયાએ અપનાવેલી નવી પદ્ધતિ પ્રમાણે વર્તમાન દર મુજબ નાઇજીરીયાનો 2024નો GDP લગભગ 244 અબજ ડૉલર છે. આ વિશ્વ બૅંક દ્વારા અંદાજિત 187.76 અબજ ડૉલર કરતાં વધારે છે. તાજેતરના ફેરફાર પછી હવે નાઇજીરીયાની અર્થવ્યવસ્થા દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત અને અલ્જેરિયા પછી આફ્રિકન મહાદ્વીપમાં ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે.
આ પણ વાંચો: વારંવાર IMFથી લોન લઈ આતંકવાદમાં ડૂબેલા દેશે ભારે કિંમત ચૂકવવી પડશે: UNમાં ભારતનું નિવેદન
દર દસ વર્ષે આ પ્રકારના ફેરફાર કરવા જરૂરી: નિષ્ણાતો
આ અંગે સરકારનું કહેવું છે કે, હવે GDPમાં ડિજિટલ સેવા, ઉદ્યોગ, પેન્શન ફંડ અને અનૌપચારિક શ્રમ બજાર જેવા સેક્ટરોને ઉમેરવામાં આવ્યા છે. નિષ્ણાતોના મતે વિકાસશીલ દેશો મોટાભાગે તેમના અર્થતંત્રનું કદ મોટું બતાવવા માટે નિયમિતપણે આ પ્રકારની પદ્ધતિનો સહારો લેતા હોય છે. આ ઉપરાંત નિષ્ણાતોએ એમ પણ કહ્યું છે કે, દર દસ વર્ષે આ પ્રકારના ફેરફાર કરવા જરૂરી છે.