Get The App

ભારત-ચીન સરહદના તણાવમુક્ત સંચાલન માટે સહમત, PM મોદી-જિનપિંગની બેઠકમાં લેવાયા મહત્ત્વના નિર્ણય

Updated: Aug 31st, 2025

GS TEAM

Google News
Google News
ભારત-ચીન સરહદના તણાવમુક્ત સંચાલન માટે સહમત, PM મોદી-જિનપિંગની બેઠકમાં લેવાયા મહત્ત્વના નિર્ણય 1 - image


PM Modi Xi Jinping Meeting: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના તિયાનજિન પહોંચ્યા છે, જ્યાં વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી.આ દ્વિપક્ષીય વાતચીત લગભગ 40 મિનિટ સુધી ચાલી. બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે 'અમે પરસ્પર વિશ્વાસ અને આદર સાથે સંબંધોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.' નોંધનીય છે કે, સાત વર્ષ પછી વડાપ્રધાન મોદીની આ ચીનની મુલાકાત થઈ હતી અને દસ મહિનામાં શી જિનપિંગ સાથેની તેમની બીજી મુલાકાત હતી. છેલ્લી મુલાકાત બ્રિક્સ 2024 સમિટ (કાઝાન, રશિયા)માં થઈ હતી.

બેઠકમાં કયા કયા નિર્ણય લેવાયા? 

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટ દરમિયાન શી જિનપિંગ સાથેની દ્વિપક્ષીય મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'ભારત અને ચીન વચ્ચે સરહદ વ્યવસ્થાપન પર એક કરાર થયો છે, કૈલાશ માનસરોવર યાત્રા અને સીધી ફ્લાઇટ્સ પર પણ પ્રગતિ થઈ છે. 2.8 અબજ લોકો આ સાથે જોડાયેલા છે અને સમગ્ર માનવતાને તેનો લાભ મળશે.'

સરહદ પર શાંતિ છે: પીએમ મોદી

તિયાનજિનમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથેની મુલાકાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'ગયા વર્ષે કાઝાનમાં ફળદાયી વાતચીતથી ભારત-ચીન સંબંધોને સકારાત્મક દિશા મળી હતી. સરહદ પર તણાવ ઓછો થયા પછી શાંતિ અને સ્થિરતાનું વાતાવરણ સર્જાયું છે.' આ મુલાકાત SCO સમિટ દરમિયાન થઈ હતી, જે બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા માટેનું બીજું પગલું છે.



પીએમ મોદી શનિવારે ચીન પહોંચ્યા હતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનની મુલાકાત પૂર્ણ કર્યા પછી શનિવારે (30મી ઓગસ્ટ) ચીન પહોંચ્યા હતા. તેમણે શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું હતું કે, 'હું ચીનના તિયાનજિન પહોંચી ગયો છું. SCO સમિટમાં ચર્ચા અને વિવિધ વિશ્વ નેતાઓને મળવાની રાહ જોઈ રહ્યો છું.'

SCO સમિટમાં ભાગ લઈ રહેલા 20 થી વધુ દેશોના નેતાઓ

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં ભાગ લઈ રહેલા 20થી વધુ વૈશ્વિક નેતાઓમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનનો સમાવેશ થાય છે. SCO હવે વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું પ્રાદેશિક સંગઠન બની ગયું છે.

આ પણ વાંચો: 'ભારત સામે આકરા પ્રતિબંધ લાદો, ઓઈલ-ગેસ ખરીદી અટકાવો..' અમેરિકાએ યુરોપ પર દબાણ કર્યું!

ચીન મુલાકાત પહેલા પુતિને પશ્ચિમી પ્રતિબંધો પર શું કહ્યું?

ચીન પ્રવાસ પહેલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો પર જોરદાર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, 'આ પ્રતિબંધોએ રશિયાના અર્થતંત્રને મંદીની અણી પર ધકેલી દીધું છે, જે યુક્રેન યુદ્ધ અને વેપાર પ્રતિબંધોના ખર્ચથી ખરાબ રીતે પ્રભાવિત છે. રશિયા અને ચીન વૈશ્વિક વેપારમાં ભેદભાવપૂર્ણ પ્રતિબંધોનો વિરોધ કરે છે.' પુતિન રવિવારથી બુધવાર સુધી ચીનની ચાર દિવસની મુલાકાતે રહેશે, જેને ક્રેમલિન 'અભૂતપૂર્વ' ગણાવી છે. ચીન રશિયાનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે.

Tags :