'ભારત સામે આકરા પ્રતિબંધ લાદો, ઓઈલ-ગેસ ખરીદી અટકાવો..' અમેરિકાએ યુરોપ પર દબાણ કર્યું!
Donald Trump News : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત વિરુદ્ધ આર્થિક મોરચો વધુ આકરો બનાવ્યો છે. સૂત્રોએ જણાવ્યું છે કે વ્હાઇટ હાઉસે યુરોપિયન દેશોને અપીલ કરી છે કે તેઓ પણ ભારત પર તેવા જ પ્રતિબંધો લગાવે, જેવા અમેરિકાએ લગાવ્યા છે. આ પ્રતિબંધોમાં યુરોપ ભારત પાસેથી થતી તમામ ઓઈલ અને ગેસની ખરીદીને તાત્કાલિક રોકી દે તે પણ સામેલ છે.
ટ્રમ્પ સરકાર શું ઈચ્છે છે?
ખરેખર, ટ્રમ્પ વહીવટીતંત્ર ઇચ્છે છે કે યુરોપ પણ ભારત પર સેકન્ડરી ટેરિફ લગાવે, બરાબર તે જ રીતે જે રીતે અમેરિકાએ ચેતવણી આપી હતી કે જો ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ નહીં કરે તો તેના પર વધુ કડક દંડાત્મક શુલ્ક (punitive tariffs) લગાવવામાં આવશે. 27 ઓગસ્ટથી અમેરિકાએ ભારત પર 50% ટેરિફ પણ લાદી દીધો છે. જોકે, કોઈપણ યુરોપિયન નેતા તરફથી ભારત પર ટેરિફને લઈને કોઈ નિવેદન આવ્યું નથી.
ભારતે સખત વાંધો ઊઠાવ્યો
આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ભારતે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા 50% ટેરિફ પર સખત વાંધો ઉઠાવ્યો છે. ભારતે પશ્ચિમી દેશોને કઠેડામાં ઊભા કરતા કહ્યું કે ચીન રશિયાનું સૌથી મોટું ઓઈલ ખરીદનાર છે અને યુરોપ પણ સતત મોસ્કો પાસેથી ઊર્જા ઉત્પાદનો ખરીદી રહ્યું છે, પરંતુ બંનેને ક્યારેય એ ટેરિફનો સામનો કરવો પડ્યો નથી જે ભારતને સહન કરવો પડી રહ્યો છે.
ટ્રમ્પ યુરોપિયન નેતાઓથી નારાજ
અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદીને મોસ્કોના યુદ્ધને ફન્ડિંગ કરી રહ્યું છે અને આમ યુક્રેન યુદ્ધને પ્રોત્સાહન મળી રહ્યું છે. સૂત્રોએ એવો પણ દાવો કર્યો છે કે વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીઓ માને છે કે કેટલાક યુરોપિયન નેતાઓ યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાના ટ્રમ્પના પ્રયાસોને જાહેરમાં સમર્થન આપી રહ્યા છે, પરંતુ પડદા પાછળ તેઓ અલાસ્કા સમિટમાં ટ્રમ્પ અને પુતિન વચ્ચે થયેલી પ્રગતિને નબળી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.