જોર્ડનના હુસૈનિયા પેલેસમાં PM મોદીનું ભવ્ય સ્વાગત, કિંગ અબ્દુલ્લા સાથે દ્વિપક્ષીય બેઠક

PM Modi Jordan Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દેશોના પ્રવાસના ભાગરૂપે આજે(15 ડિસેમ્બર) જોર્ડન પહોંચ્યા છે. શરૂઆતમાં જોર્ડનના વડાપ્રધાન જાફર હસન દ્વારા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજધાની અમ્માનના હુસૈનિયા પેલેસમાં કિંગ અબ્દુલ્લા દ્વિતીય બિન અલ-હુસૈન દ્વારા ગળે મળીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન મોદીએ X પર શેર કરી ઝલક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોર્ડનની તેમની મુલાકાત અંગે X પર એક પોસ્ટમાં લખ્યું, 'અમ્માનમાં થયેલા વિશેષ સ્વાગત સમારોહની કેટલીક ઝલક અહીં છે. ભારત અને જોર્ડન વૈશ્વિક હિત માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.'
વડાપ્રધાન મોદીએ કિંગ અબ્દુલ્લા સાથે યોજી પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોર્ડનના કિંગ અબ્દુલ્લા દ્વિતીય બિન અલ-હુસૈન સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'તમારા નેતૃત્વ હેઠળ જોર્ડને આતંકવાદ, ઉગ્રવાદ અને કટ્ટરવાદ સામે વિશ્વને સ્પષ્ટ માનવતાવાદી અને રાજકીય સંદેશ મોકલ્યો છે."
આ મુલાકાત દરમિયાન જોર્ડનના કિંગ અબ્દુલ્લાહ દ્વિતીય બિન અલ-હુસૈને કહ્યું કે, 'બધા જોર્ડનવાસીઓ જોર્ડનમાં તમારું સ્વાગત કરે છે. આપણા દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ નિમિત્તે તમારી હાજરી અત્યંત મહત્ત્વપૂર્ણ છે.' આ મુલાકાત દાયકાઓ જૂની મિત્રતા, પરસ્પર આદર અને ફળદાયી સહયોગને પ્રતિબિંબિત કરે છે. વિવિધ ક્ષેત્રોમાં અમારી ભાગીદારી સતત વિસ્તરી રહી છે, અને તમારી મુલાકાત આર્થિક સહયોગ માટે નવા માર્ગો ખોલવાની તક પૂરી પાડે છે.
વડાપ્રધાન મોદીની જોર્ડન મુલાકાતનો સંપૂર્ણ કાર્યક્રમ
આ મુલાકાત ખાસ માનવામાં આવે છે કારણ કે ભારત અને જોર્ડન રાજદ્વારી સંબંધોના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ અને રાજકીય સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વડાપ્રધાન મોદી અને કિંગ અબ્દુલ્લાહ દ્વિતીય વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો પણ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન બંને દેશોના વડાઓ ભારત-જોર્ડન વ્યાપાર કાર્યક્રમને સંબોધિત કરશે, જેમાં બંને દેશોના અગ્રણી ઉદ્યોગપતિઓ હાજરી આપશે. વડાપ્રધાન મોદી જોર્ડનમાં ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરશે. તેઓ ક્રાઉન પ્રિન્સ સાથે ભારત સાથે પ્રાચીન વેપાર સંબંધોના પ્રતીક પેટ્રા શહેરની પણ મુલાકાત લેશે.
વડાપ્રધાન મોદી ઇથોપિયા અને ઓમાનની પણ મુલાકાત લેશે
જોર્ડન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 થી 17 ડિસેમ્બર દરમિયાન ઇથોપિયાની રાજ્ય મુલાકાતે જશે. જ્યારે તેમના પ્રવાસના છેલ્લા તબક્કામાં વડાપ્રધાન મોદી 17 થી 18 ડિસેમ્બર દરમિયાન ઓમાનની મુલાકાત લેશે.

