કોરોનાઃ આંખોમાં દેખાય જો આ લક્ષણ તો તરત જ થઈ જાઓ સાવધાન
- કેટલાક ડોક્ટર્સના મતે આંખો લાલ થઈ જાય અને તેમાંથી આંસુ વહે તે પણ સંક્રમણનું લક્ષણ હોઈ શકે
બેઈજિંગ, તા. 18 એપ્રિલ 2020, શનિવાર
સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો હાલ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે પ્રયત્નો કરી રહ્યા છે અને દરરોજ આ વાયરસને લઈ નવા નવા સમાચારો સામે આવી રહ્યા છે. કોરોના વાયરસની સારવાર કરી રહેલા કેટલાક ડોક્ટર્સના કહેવા પ્રમાણે આંખો લાલ થઈ જવી અને તેમાંથી આંસુ ટપકવા પણ આ વાયરસના સંક્રમણનું લક્ષણ હોઈ શકે છે.
અમેરિકન એકેડમી ઓફ ઓપ્થલમોલોજીએ એક એલર્ટ જાહેર કરીને વાયરસ સંક્રમણના કારણે કંજેક્ટિવાઈટિસ થઈ શકે છે તેમ બહાર પાડ્યું છે. તેમાં આંખોમાં પીડા સાથે તે લાલ થઈ જતી હોય છે. વોશિંગ્ટન ખાતે કોરોનાની સારવાર કરી રહેલી એક નર્સના કહેવા પ્રમાણે કોરોનાથી સંક્રમિત મોટા ભાગના દર્દીઓમાં આંખ લાલ થવાનું લક્ષણ જોવા મળ્યું છે.
જો કે, સેન્ટર ફોર ડિસીઝ એન્ડ પ્રિવેન્શને આંખો લાલ થવી તે કોરોના વાયરસના સંક્રમણનું લક્ષણ નથી તેમ જણાવ્યું છે. ગાઈડલાઈનમાં ફક્ત તાવ, કફ અને શ્વાસ લેવામાં તકલીફ એ જ કોરોના વાયરસના સંક્રમણનું લક્ષણ છે તેવો ઉલ્લેખ છે. ઉપરાંત છાતીમાં દુખાવો અને હોઠ જાંબલી થઈ જવા પણ સંક્રમણનું લક્ષણ હોઈ શકે છે.
અમેરિકી નિષ્ણાંતોના કહેવા પ્રમાણે થોડા સમય પહેલા ચીની સંશોધકોએ આંખના આંસુના કારણે પણ કોરોના ફેલાતો હોવાનું જાહેર કર્યું હતું. તેમણે 38 દર્દીઓ પરના સંશોધન દરમિયાન આશરે એકાદ ડઝન દર્દીઓની આંખો લાલ થઈ ગઈ હોવાનું નોંધ્યું હતું.