Get The App

ફિલિપાઇન્સમાં છેલ્લા 50 વર્ષનો સૌથી શક્તિશાળી ભૂકંપ, 37ના મોત, 20 હજાર બેઘર: જુઓ ભયાવહ દૃશ્યો

Updated: Jun 9th, 2026

GS TEAM

Google News
Google News
Philippines Earthquake
(IMAGE - IANS)

Philippines Earthquake: દક્ષિણ ફિલિપાઇન્સમાં સોમવારે સવારે આવેલા ભયાનક ભૂકંપે ભારે તબાહી મચાવી છે. રિક્ટર સ્કેલ પર 7.8ની તીવ્રતા ધરાવતા આ શક્તિશાળી ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 37 લોકોના મોત થયા છે અને 500થી વધુ લોકો ઘાયલ થયા છે. આ આપત્તિના કારણે 20,000થી વધુ લોકો બેઘર બન્યા છે, જેમને ઈમરજન્સી આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. સરકારી રૅકોર્ડ મુજબ હાલમાં માત્ર 4 લોકો જ ગુમ છે, પરંતુ કાટમાળ નીચે હજુ પણ લોકો દબાયા હોવાની આશંકા વચ્ચે બચાવકર્મીઓ મંગળવારે પણ ધરાશાયી થયેલી ઇમારતોમાં સઘન શોધખોળ ચલાવી રહ્યા છે.

સુનામીનો ડર અને ભૂસ્ખલનથી મોટી જાનહાનિ

ભૂકંપનું કેન્દ્રબિંદુ ફિલિપાઇન્સના બીજા સૌથી વધુ વસ્તી ધરાવતા ટાપુ મિંડાનનની દરિયાઈ સરહદમાં હતું. તીવ્ર આંચકાના કારણે દરિયામાં 1.4 મીટર (4.6 ફૂટ) ઊંચા મોજા ઉછળતા લોકોમાં સુનામીનો ફફડાટ ફેલાયો હતો. જોકે, સુનામીના કારણે માત્ર એક દરિયાકાંઠાના ગામમાં છ ઝૂંપડાઓને જ નુકસાન થયું છે, જ્યારે તેના નાના મોજા ઈન્ડોનેશિયા અને દક્ષિણ જાપાન સુધી પહોંચ્યા હતા. સૌથી વધુ તબાહી ભૂસ્ખલન અને ઇમારતો પડવાના કારણે થઈ છે. ફિલિપાઇન્સની 'ટુના કેપિટલ' તરીકે ઓળખાતા જનરલ સેન્ટોસ શહેરમાં કાટમાળ પડવાથી 13 લોકોના મોત થયા છે, જ્યારે સારાંગાની પ્રાંતના પહાડી નગરમાં ભૂસ્ખલન થતાં અનેક મકાનો દબાઈ ગયા હતા, જેમાં 18 લોકોએ જીવ ગુમાવ્યો છે.

શાળાના પહેલા જ દિવસે કુદરતી આફત: હજારો ઇમારતો ક્ષતિગ્રસ્ત

આ ભૂકંપ એવા સમયે આવ્યો જ્યારે બે મહિનાના ઉનાળુ વેકેશન પછી શાળાઓનો પહેલો જ દિવસ હતો. સવારની ધ્વજવંદન સભા માટે ઉત્સાહભેર એકઠા થયેલા માસૂમ વિદ્યાર્થીઓ આ આફતમાં મોટી સંખ્યામાં ઈજાગ્રસ્ત થયા છે. પ્રારંભિક સરકારી આંકડા મુજબ, આશરે 2,000 મકાનો અને 117 સરકારી ઇમારતોને નુકસાન થયું છે. જનરલ સેન્ટોસનું આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે 63 ડોમેસ્ટિક ફ્લાઇટ્સ રદ કરવી પડી છે. પ્રશાસને જણાવ્યું છે કે અંદાજે 6,000 સરકારી શાળાની ઇમારતોની તપાસ કર્યા વગર શાળાઓ ફરી શરૂ કરી શકાય તેમ નથી, કારણ કે આફ્ટરશોક્સ(ભૂકંપ પછીના નાના આંચકા)ના કારણે તિરાડો પડેલી ઇમારતો ગમે ત્યારે તૂટી પડવાનું જોખમ છે.

વર્ષ 1976 પછીનો સૌથી શક્તિશાળી ભૂકંપ

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કોટાબેટો ટ્રેન્ચમાં થયેલી હલચલને કારણે આ ભૂકંપ આવ્યો હતો અને તે 1976 પછીનો દેશનો સૌથી શક્તિશાળી ભૂકંપ છે. અગાઉ 17 ઑગસ્ટ, 1976ના રોજ આ જ વિસ્તારમાં 8.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનાથી સર્જાયેલી વિનાશક સુનામીમાં 8,000 લોકોના મોત થયા હતા. આ સિવાય 1990માં પણ 7.8ની તીવ્રતાના ભૂકંપે ઉત્તરીય પ્રાંતોમાં 1,000થી વધુ લોકોનો ભોગ લીધો હતો. આ ભયાનક આપત્તિને જોતાં રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે મનિલાથી ઉચ્ચ સંરક્ષણ અધિકારીઓને રાહત સામગ્રી અને બચાવ કામગીરી પર દેખરેખ રાખવા માટે રવાના કર્યા છે.

આ પણ વાંચો: અમેરિકાના વિઝા હવે ફટાફટ મળશે! માત્ર 10 દિવસમાં ઇન્ટરવ્યૂ માટે યુએસ સરકારે શરૂ કર્યો નવો પ્લાન

'રિંગ ઑફ ફાયર' પર હોવાના કારણે સતત જોખમ

આ મુશ્કેલ સમયમાં અમેરિકા, ફ્રાન્સ, જાપાન અને ન્યુઝીલૅન્ડ જેવા દેશોએ ફિલિપાઇન્સને મદદ કરવાની તૈયારી દર્શાવી છે. ભૌગોલિક દૃષ્ટિએ ફિલિપાઇન્સ પ્રશાંત મહાસાગરના 'રિંગ ઑફ ફાયર' પર આવેલું હોવાથી ત્યાં વારંવાર ધરતીકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ જેવી ઘટનાઓ બનતી રહે છે. આ ઉપરાંત, આ ટાપુ સમૂહ દર વર્ષે આશરે 20 જેટલા ભયાનક વાવાઝોડા અને દરિયાઈ તોફાનોનો સામનો કરે છે, જે તેને વિશ્વના સૌથી વધુ આપત્તિ-સંભવિત દેશોમાંથી એક બનાવે છે.